પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: બાળકો એકદમ ગભરાઈ ગયાં. કનૈયો બાળકોને કહે છે, તમે ડરશો નહિ. ભગવાન ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા. તે
પછી વજન વધાર્યું. એટલે કાલિયનાગ વ્યાકુળ થયો. તે લોહી ઓકવા લાગ્યો. નાગપત્નીઓ ભગવાનને શરણે આવી અને સ્તુતિ
કરવા લાગી. આપે જે અમારા પતિને સજા કરી છે તે યોગ્ય છે. કારણ કે આપે કરેલી શિક્ષા દુર્જનોનાં પાપોનો નાશ કરે છે. આપ તો
કર્મફળ પ્રમાણે બધાને શિક્ષા કરો છો.
રાવણવધ પછી મંદોદરી પણ આ જ પ્રમાણે રામચંદ્રજીની ( Ramachandra ) સ્તુતિ કરે છે.
મંદોદરી કહે:-મારા પતિના કર્મો જ તેમની આ દશા માટે જવાબદાર છે. તેમનાં કર્મોએ તેમની આ દશા કરી છે. તેમનો
નાશ થયો તેમાં આપનો કાંઈ દોષ નથી.
નાગણો કહે ખરી રીતે જોઇએ તો અમારો પતિ દુષ્ટ નથી પણ શ્રેષ્ઠ છે. કારણ કે આપે તેના મસ્તક ઉપર ચરણો
પધરાવ્યા છે.
શ્રીકૃષ્ણ ( Shri Krishna ) કાલિયનાગને કહે છે, તારા લીધે આ યમુનાના ધરાનું જળ વિષમય થયેલું છે. તું આ સ્થાન છોડીને તરત ચાલ્યો જા. કાલિયનાગ કહે છે, નાથ! હું જવા તૈયાર છું પણ મને ગરુડજી મારશે તો? કાલિયનાગ ગરુડના ભયથી આ ધરામાં આવેલો.
કાલિયનાગને અમુક જ ફણાઓ હતી. આપણને અનેક ફણા છે. મનુષ્ય સંકલ્પ વિકલ્પ કરે છે તે બધી ફણાઓ છે. પ્રાર્થના કરો. નાથ, મારા મનને નાથો. મારા મન ઉપર તમારા ચરણને પધરાવો.
કાલિયનાગમાં ઝેર હતું, તેમ આપણી એક એક ઈન્દ્રિયમાં ઝેર ભર્યું છે, એકને જુએ તો તે આંખમાં ખુંચે છે અને એક
આંખમાં ઠરે છે, આ ઝેર છે. ઈન્દ્રિયમાં વાસના રૂપી ઝેર હોય ત્યાં ભક્તિ થતી નથી. ઈન્દ્રિયોને મારશો નહિ. તેનું ઝેર સત્સંગથી
ઓછું કરજો.
કથામાં થોડું રહસ્ય છે. કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે.
યમુનામાં-ભક્તિમાં ઇન્દ્રિયાધ્યાસ આવે તો તે શુદ્ધ ભક્તિ કરી શકતો નથી.ભોગ અને ભક્તિમાં વેર છે.
ભક્તિના બહાને જે ઇન્દ્રિયોના લાડ કરે છે એ કાલિયનાગ.
વિષયોનો મનથી પણ ત્યાગ કરો તો, ભક્તિ સિદ્ધ થાય, ભોગ અને ભક્તિને વેર છે.
ભક્તિમાં વિલાસિતા-વિષધર આવે તો ભક્તિનો નાશ થાય છે. ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,
રામાનુજાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો. પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઈ શકતી નથી. ભક્તિ
જ્ઞાનવૈરાગ્યની જનની છે. આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા હતા. આ ભક્તિમાર્ગમાં પાછળથી કાલીયનાગો-વિલાસી
લોકો દાખલ થઈ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડયો છે. બદનામ થયો છે. સેવા કરવી કઠણ છે. સંસારસુખનો જે મનથી ત્યાગ કરે
તે દેવસેવા કે દેશસેવા કરી શકે છે. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે ઈશ્વરમાં-પ્રભુ સેવામાં અનુરાગ રાખો અને શરીરના ભોગોમાં
વૈરાગ્ય રાખો તો જ સેવામાં-ભક્તિમાર્ગમાં આગળ વધી શકાશે. દેવસેવા અને દેશસેવામાં ઇન્દ્રિયોના લાડ ન થાય, ઇન્દ્રિયોના
ગુલામ છે, તે ઠાકોરજીની ( Thakorji ) સેવા કરી શકે નહિ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૮
દરેક ઇન્દ્રિયમાં વાસનારૂપી ઝેર ભરેલું છે, બીજા બધા દૈત્યોને માર્યા પણ ભગવાન કાલિયનાગને ( kaliya naag ) મારતા નથી.
કાલિયનાગને માર્યો નહીં, પણ નાથ્યો છે.
ઇન્દ્રિયોને મારશો નહીં. પણ તેને, સમજાવીને વિવેકથી વશ કરજો અને તેનું દમન કરજો. ઇન્દ્રિયોને રમણદ્વિપમાં
મોકલો, એટલે કે સત્સંગ મંડળમાં મોકલો. એટલે દરેક ઇન્દ્રિયને ભક્તિરસની પ્રાપ્તિ થશે. ઇન્દ્રિયોની શુદ્ધિ થશે.
ઇન્દ્રિયોમાંથી ઝેર કાઢીને તેને સત્સંગ મંડળમાં જોડવી. કાલિયનાગમાંથી જેમ ઝેર કાઢીને રમણદ્વિપમાં માકલ્યો તેમ.
ઇન્દ્રિયોને શુદ્ધ કર્યા પછી તે ભક્તિરસનો સ્વાદ માણી શકશે.
ભોગથી ઇન્દ્રિયોનો ક્ષય થાય છે. ભક્તિથી ઇન્દ્રિયોનું રમણ થાય છે. ઇન્દ્રિયોનું પોષણ થાય છે.
યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે, તેવો આનંદ વૈષ્ણવોને ( Vaishnavas ) કૃષ્ણકીર્તનમાં મળે છે. કીર્તન કરો ત્યારે કનૈયાને નજર
સમક્ષ રાખીને તેનું સ્મરણ કરતાં કરતાં કીર્તન કરો.
વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે અને આંખો દર્શન કરે તો જપ સફળ થશે.
ઇન્દ્રિયોમાં વાસનારૂપી ઝેર ભર્યું હશે, ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી. ઇન્દ્રિયાધ્યાસ આવે તો ભક્તિ બગડે.
ઇન્દ્રિયોને રમણદ્વીપમાં મોકલો. ઝેર ધીરે ધીરે બહાર નીકળશે, એટલે ઇન્દ્રિયોને ભક્તિરસ મળશે. ઈન્દ્રિયોને ભોગથી નહિ, પણ
ભક્તિરસથી પોષજો. જેથી ઇન્દ્રિયોમાં રહેલું ઝેર નીકળી જાય. ઈન્દ્રિયોને મારશો નહિ, ઈન્દ્રિયોને રમણદ્વિપમાં મોકલો, ભક્તિ
દ્વારા ઈન્દ્રિયોને રમણ કરાવજો.
જ્ઞાનીઓ ઈન્દ્રિયોને મારવાનો પ્રયત્ન કરે છે. પણ ભક્તો ઈન્દ્રિયરૂપી પુષ્પ ભગવાનને અર્પણ કરે છે. તેથી જ્ઞનમાર્ગમાં
ભક્તિમાર્ગને ઉત્તમ માન્યો છે. ભક્તિમાર્ગમાં ઈન્દ્રિયરૂપી ફૂલ પ્રભુને અર્પણ કરવાનું છે. જ્ઞનમાર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો
પડે છે, ઈન્દ્રિયોને મારવી પડે છે. ઈન્દ્રિયોને મારશો નહિ. ઇન્દ્રિયોને સમજાવી, પ્રભુના માર્ગમાં વાળજો.