પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: શ્રીકૃષ્ણ યમુનાના ધરામાંથી બહાર આવ્યા. બધા હર્ષ પામ્યાં, અને તે રાત્રિ તેઓએ યમુનાના તીર પર જ ગાળી. તે વખતે વનમાં દાવાનળ સળગ્યો. વ્રજવાસીઓ દાવાનળથી ઘેરાઈ ગયાં. શ્રીકૃષ્ણે દાવાનળ પી જઈ તેઓનું રક્ષણ કર્યું. એક દિવસ ગોપબાળકો ખેલકૂદમાં લાગી ગયા. ગાયો ચરતી દૂર નીકળી ગઈ. તેઓ ગાયોની શોધમાં નીકળ્યા. ત્યાં ગાયો અને ગોપબાળકો દાવાગ્નિથી ઘેરાઇ ગયાં. ગોપબાળકો કહે, આ દાવાનળથી અમે સળગી જઈશું, કનૈયા અમને બચાવ, બચાવ, લાલાએ ગોપબાળકોને કહ્યું, તમે આંખ બંધ કરો, એટલે હું મારો મંત્ર જપીશ. બાળકોએ આંખો બંધ કરી. પ્રભુને મંત્ર જપવો ન હતો, પણ વિરાટ સ્વરૂપ ધારણ કરવું હતું. શ્રીકૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને દાવાગ્નિ પી ગયા. બે વાર પ્રભુએ દાવાગ્નિનું પાન કર્યું હતું. દાવાનળ પી જઈ શ્રીકૃષ્ણે સ્વજનોની રક્ષા કરી. તમને દાવાગ્નિ બાળે ત્યારે આંખ બંધ કરજો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લોકો હૈયું બાળે છે એ જ દાવાગ્નિ છે. છોકરો કહ્યું ન કરે, ત્યારે હૈયું બળે છે. દાવાગ્નિ બાળે ત્યારે ઈશ્વર જીવને આશ્વાસન આપે છે. તું શા માટે ગભરાય છે? હું તારી સાથે છું. વિરાટ સ્વરૂપ ધારણ કરી દાવાગ્નિને ભગવાન પી ગયા, સંસાર એ દાવાગ્નિ છે. ચારે બાજુથી તે જીવને બાળે છે, એ ચારે તરફ્થી સળગે છે. દુઃખ એ દાવાગ્નિ છે. સાહેબ ઓફિસેથી ઘરે આવ્યા. ઘરે સાસુવહુનો ઝગડો ચાલે છે. આમાં પત્નીનો પક્ષ લઉં કે માનો પક્ષ લઉં. શું કરું? દરેકને દુ:ખરૂપી અગ્નિ બાળે છે. ત્યારે ગોપબાળકો અને વ્રજવાસીઓની જેમ આંખ બંધ કરી ભગવાનના નામનું ચિંતન કરવું. એટલે પ્રભુએ દુ:ખને દૂર કરશે. આ સંસારરૂપી દાવાનળ-દાવાગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ રાખી ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરો, ભગવાનના નામનો જપ કરતાં, તેમાં તન્મયતા થાય એટલે સંસાર દાવાગ્નિ દૂર થાય. શબ્દબ્રહ્મનું ચિંતન કરો, એટલે અંતઃકરણની વાસનાનો ધીરે ધીરે ક્ષય થશે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૯
પલંબાસુર એટલે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાઓથી જીવ ઇશ્વરનું મિલન થતું નથી, કારણ કે ઇન્દ્રિયોમાં ઝેર ભર્યું છે. રાસલીલામાં જવું છે, એટલે કે દરેક દુર્ગુણને દૂર કરવા છે. જીવના દરેક દુર્ગુણનો નાશ થાય, અને તે શુદ્ધ થાય તો પછી તેને રાસલીલામાં સ્થાન મળે. પ્રવેશ મળે. બર્હાપીડં નટવરપુ: કર્ણયો: કર્ણિકારં બિભ્રદ્ વાસ: કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્ । રન્ધ્રાન્ વેણોરધરસુધયા પૂરયન્ ગોપવૃન્દૈર્વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિ: ।। ભા.સ્કં.૧0.અ.૨૧.શ્ર્લો.૫. સોહામણી શરદ ઋતુ આવી. વૃન્દાવનની શોભા અનેરી બની છે. મંદમંદ સુગંધી પવન વાતો હતો. એવા વૃન્દાવનમાં ગાયો અને ગોવાળો સાથે ભગવાને પ્રવેશ કર્યો. શ્રીકૃષ્ણ ગાયોને ચારતા વાંસળી વગાડવા લાગ્યા. ગોપીઓ આ વાંસળી સાંભળે છે. કનૈયાની વાંસળી સાંભળી ગોપીઓ જે વર્ણન કરે છે તેને વેણુગીત કહે છે. વાંસળી એ નાદબ્રહ્મની ઉપાસના છે. વાંસળી જયાં સુધી ન સંભળાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતાં નથી. વેણુનાદ એટલે:-વ=વિષયાનંદ, ઇ=બ્રહ્માનંદ વિષયાનંદ અને બ્રહ્માનંદ જે આનંદ ની આગર તુચ્છ છે. ગોપીઓ ઘરમાં વાંસળી સાંભળે છે. તેમની દ્દષ્ટિ દૂર સુધી જોઈ શકે છે. ગોપીઓની દ્દષ્ટિ સૂક્ષ્મ થઈ, એટલે તે ભગવાનની લીલા દૂરથી પણ જોઈ શકે છે. ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ એ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. વેણુગીતમાં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી ભિન્ન ભિન્ન છે. શ્રીધરસ્વામીએ લખ્યું છે કે વેણુગીતમાં દરેક શ્લોક બોલનારી ગોપી જુદી જુદી છે. એટલે એકબીજા શ્લોક વચ્ચે સંબંધ નથી. ગોપીઓ અંદરો અંદર બોલવા લાગી:-અરે સખી, આંખોવાળાના જીવનની અને આંખોની અમે તો એટલી જ સફળતા માની છે કે જ્યારે શ્યામ સુંદર શ્રીકૃષ્ણ અને ગૌરસુંદર બળરામ ગોપબાળકોની સાથે ગાયોને હાંકી વનમાં લઈ, જઈ રહ્યા હોય અથવા વ્રજમાં પરત આવી રહ્યા હોય, તેઓએ પોતાના હોઠ પર મોરલી ધારણ કરી હોય અને પ્રેમભરી તીરછી ચિતવનથી અમારી સામે તેઓ જોઇ રહ્યા હોય અને તે સમયે આપણે તેમના મુખની માધુરીનું પાન કરતાં હોઇએ. શ્રીકૃષ્ણ-બળરામ ઉત્તમ નટોની સમાન અત્યંત શોભે છે. આવા શ્રીકૃષ્ણનાં જેઓએ દર્શન કર્યાં છે તેઓને જ આંખનું ફળ પ્રાપ્ત થયું છે. તે સિવાય નેત્રોનું ફળ બીજું કાંઈ ન હોઈ શકે. નેત્રોની સફળતા શ્રીકૃષ્ણનાં દર્શનથી, તેમ તમામ ઈન્દ્રિયો શ્રીકૃષ્ણની લીલામાં જોડાય, ત્યારે દેહની સફળતા સમજવી.