પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: અરે સખી! કનૈયો વાંસળી વગાડે છે તું સાંભળ. આ વાંસળી નથી, એ કૃષ્ણની પટરાણી છે. અલી સખી, તને શું કહું ? મેં સાંભળ્યું કે જ્યારે જમવા બેસે છે ત્યારે પણ વાંસળીને કેડમાં ખોસી રાખે છે. રાતે શ્રીકૃષ્ણ સૂએ છે, ત્યારે પણ પથારીમાં વાંસળીને સાથે રાખીને સૂએ છે તેથી આ વાંસળી પટરાણી છે. પ્રભુનો અધરોષ્ટ એ વાંસળીનો તકિયો છે, હાથ એ ગાદી, આંખો તે દાસીઓ, પાંપણો તે પંખો છે, નાકની વાળી તે છત્ર છે. આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે. તેથી તેને નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે. આ વાંસળીએ ન જાણે પૂર્વજન્મમાં એવી તે શું તપશ્ચર્યા કરી છે કે આ વેણુ અતિ ભાગ્યશાળી છે. શ્રીકૃષ્ણના અધરામૃતનું તે નિત્ય પાન કરે છે. એક ગોપીએ વાંસળીને પૂછ્યું, અરે સખી તેં એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાને તને અપનાવી છે? વાંસળી કહે, મેં બહુ તપશ્ચર્યા કરી છે. મારું હૈયું પોલું છે. હું પેટમાં કંઈ જ રાખતી નથી. વાંસળી પેટમાં કંઈ રાખતી નથી, તેથી તે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય બની છે. વેરઝેરનો હ્રદયમાં સંગ્રહ કરશો નહિ. જે વાંસળી જેવા બને છે તે ભગવાનને ગમે છે. મારામાં એક બે નહિ, ઘણા ગુણો છે. મેં ઘણું સહન કર્યું છે. મારા ઉપર છ ઋતુઓના માર પડયા છે. લોકોએ મને કોતરી પણ હું બોલી નહિ. વાંસળી બહુ ગમ ખાય છે, તેથી તે ભગવાનને બહુ ગમે છે. જે બહુ ગમ ખાય તે ભગવાનને બહુ ગમે છે. ગમે તેટલા દુ:ખના પ્રસંગો આવે તો પણ ધીરજ ગુમાવશો નહિ. કમ ખાય એનું શરીર નિરોગી રહે છે. ગમ ખાય તેનું મન નિરોગી રહે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૦
વાંસળી કહે છે કે મારા ધણીને જયારે બોલવું હોય ત્યારે હું બોલું છું. વાંસળીની માફક ભગવાનની ઈચ્છા અનુસાર જ બોલવું. ગપ્પા મારનારને વિવેક રહેતો નથી. તે પોતાનું અને સામાનું સત્યાનાશ વાળે છે. મારા ધણીને જે સૂર કાઢવા હોય તે કાઢે, આપણા સર્વના ધણી છે શ્રીકૃષ્ણ. મારા ધણીની આજ્ઞા કે ઈચ્છા વિના હું બોલતી નથી. તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો ડોલે છે. નાગ ડોલે છે, અને કસ્તુરીમૃગ પણ ડોલે છે. નાગ દુર્જન, કસ્તુરીમૃગ સજ્જન. સજ઼જન અને દુર્જન બંનેને આનંદ થાય તેવું મધુર હું બોલું છું. વાંસળીએ ખૂબ સહન કર્યું છે એટલે ભગવાનની સન્મુખ થઈ છે. સમજીને દુ:ખ સહન કરે તેનું પાપ બળે છે. નિશ્ર્ચય કરો મારે મધુર બોલવું છે. કોઈનું દિલ દુભાય તેવું બોલશો જ નહિ. લાકડીનો માર ભૂલાય પણ શબ્દનો માર ભૂલાતો નથી. ટકોર કરવી પડે તો પ્રેમથી કરવી. વાંસળીમાં એક ગુણ એવો છે કે તે જ્યારે એકલી હોય ત્યારે બોલતી નથી. તમે ઇશ્વરનું ધ્યાન કરો ત્યારે બોલશો નહિ. શરીરથી ઘણા સાવધાન થાય છે. મુખથી બોલતા નથી પણ મનથી ઘણા બોલે છે. મૌનનો અર્થ છે મનથી પણ ન બોલવું. મનથી ન બોલે તે ઉત્તમ મૌન. એક સખી બોલી:-અલી સખી, તું જો તો ખરી આ વાંસળીનો અવાજ સાંભળી આ વૃક્ષોમાંથી મદની ધારાઓ વહે છે. કનૈયો વાંસળી વગાડે છે તેથી વૃક્ષોને આનંદ થાય છે. અમારી ન્યાતની દીકરી પરમાત્માની સાથે પરણી છે. તેથી અમને બહુ આનંદ થાય છે. ગોપ્ય: કિમાચરદયં કુશલં સ્મ વેણુર્દામોદરાધરસુધામપિ ગોપિકાનામ્ । ભુઙ્ કતે સ્વયં યદવશિષ્ટરસં હ્નદિન્યો હ્યષ્યત્ત્વચોડશ્રુમુમુચુસ્તરવો યથાડડર્યા: ।। કોઈ મહાત્મા કહે છે:-તરુઓના આંસુ એ હર્ષના આંસુ છે. વૃક્ષોને લાગ્યું કે અમારી ન્યાતની કન્યા શ્રીકૃષ્ણ ભગવાનની પટરાણી બની છે. તેથી આજે ખુશી થવા જેવું છે. એમ માની વૃક્ષો હર્ષનાં આંસુ વહાવવા લાગ્યાં. કોઈ સંત પુરુષ કહે છે:-મને લાગે છે આ વૃક્ષો દુ:ખથી રડે છે. એ દુ:ખનાં આંસુ છે, દુ:ખ શાથી? વૃક્ષોએ વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને છાજવાનું છે. ઘરને છાજવાનું પરોપકારનું કામ મૂકીને વાંસળીએ તો ઘણાં લોકોના ઘરને ઉજ્જડ કરવાનું શરૂ કર્યું છે. લાલાની વાંસળી જેના કાન ઉપર પડી તેને પછી ઘર ગમતું નથી, રાધેકૃષ્ણ, રાધેકૃષ્ણ કરતો કૃષ્ણમિલન માટે તે તરફડે છે અને ઘર છોડે છે. અમારી ન્યાતની કન્યાએ બીજાનાં ઘરોને ઉજ્જડ કરવાનું શરૂ કરી દીધું છે. એમ વિચારી વૃક્ષો શોકનાં આંસુ વહાવવા લાગ્યાં શોકાતુર બની વૃક્ષો રડવા લાગ્યાં.