પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ગો એટલે ઇન્દ્રિયો, એવો અર્થ થાય છે. ઇન્દ્રિયોની વૃદ્ધિ ત્યાગથી થાય છે, ભોગથી નહિ. ભોગમાં ઈન્દ્રિયો ઘસાય છે. ભોગના માર્ગમાંથી હઠાવી ભક્તિ માર્ગ તરફ ઈન્દ્રિયોને વાળજો પરંતુ તે વખતે ઈન્દ્ર બહુ વરસાદ પાડે છે. ઈન્દ્રાદિ દેવો વાસનાનો વરસાદ વરસાવે છે. જ્ઞાન ભક્તિ વધારવાનો મનુષ્યનો પ્રયત્ન ઈન્દ્રાદિ દેવોથી પણ સહન થતો નથી. પ્રવૃત્તિ માર્ગ છોડી, નિવૃત્તિમાં બેસો ત્યારે આ વિષયો વાસનાનો વરસાદ વરસાવે છે. એટલે નિવૃત્તિ લીધા પછી જીવને નિવૃત્તિનો આનંદ મળતો નથી. તેથી તે ગભરાય છે ઇન્દ્ર એ ઇન્દ્રિયોના અધિપતિ દેવ છે. એટલે જીવ જ્યારે નિવૃત્તિ લઈ પ્રભુ ભજનમાં બેસે ત્યારે તે વિઘ્ન કરે છે. ઉપનિષદમાં વર્ણન આવે છે કે જે કોઈ સતત બ્રહ્મચિંતન કરે તેના ચિંતનમાં ઈન્દ્ર વિઘ્ન કરે છે. આ ધ્યાનમાં, આગળ વધશે તો અમારા માથા ઉપર પગ મૂકીને જશે. એટલે મનુષ્યના ધ્યાનમાં, સત્કર્મમાં બીજા મનુષ્યો વિઘ્ન કરે છે. એટલું જ નહીં, પણ સ્વર્ગના દેવો પણ પરમાત્માના ધ્યાનમાં વિઘ્ન કરે છે. જીવ સતત પરમાત્માનું ધ્યાન કરે તો દેવો કરતાં પણ તે શ્રેષ્ઠ બને છે, તેથી દેવો વિઘ્ન કરે છે, તે વખતે મારા ગોવર્ધનનાથનો આશ્રય લેજો. ગોવર્ધનલીલામાં ગમ્મત છે. ગોવર્ધનલીલા રાસલીલાનો પ્રારંભ છે. ગોવર્ધનલીલામાં પૂજય અને પૂજક એક બને છે. પૂજા કરનાર શ્રીકૃષ્ણ છે અને જેની પૂજા થાય છે તે પણ શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે. પૂજય અને પૂજક એક ન બને ત્યાં સુધી આનંદ આવતો નથી. આ અદ્વૈતનું પહેલું પગથિયું છે. રાસલીલા એ ફળ છે. ગોવર્ધનલીલા જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે. જ્ઞાન અને ભક્તિ વધે છે, ત્યારે રાસલીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિ વધે છે ત્યારે ઈન્દ્રિયો વાસનાનો વરસાદ વરસાવે છે. ત્યારે ખૂબ સંભાળવાનું છે. પૂજય અને પૂજક, સેવ્ય અને સેવક એક બને ત્યારે બરાબર સેવા થઇ શકે. શરીરના એક એક અંગમાં પરમાત્માની સ્થાપના કર્યા વિના, પવિત્ર થયા વિના પ્રભુપૂજાનો અધિકાર મળતો નથી. તેથી શાસ્ત્રોમાં અંગન્યાસ-કરન્યાસ કરવાની વિધિ છે. દિવાળીના દિવસે ગોવર્ધનપૂજા કરવાની વિધિ છે, કારણ પાછલાં બધાં દુ:ખો ભૂલ્યા વિના વેર જતું નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૪
વિરોધ ન જાય, ત્યાં સુધી પૂજા થતી નથી. ગોવર્ધન પૂજા વખતે ભગવાન શ્રીકૃષ્ણની ઉંમર સાત વર્ષની હતી. પૂજય અને પૂજક એક થયા પછી રાસફળ મળે. એટલે જ ગોવર્ધનલીલા પછી રાસલીલા આવે છે. દર વર્ષે નંદબાબા ઈન્દ્રનો યજ્ઞ કરતા. ઈન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી. કનૈયો પૂછે છે, બાબા આ શાની તૈયારી થાય છે ? આ યજ્ઞ શા માટે? કયા દેવને ઉદ્દેશીને આ યજ્ઞ કરાય છે? નંદબાબા સમજાવે છે:-ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ઇન્દ્ર વરસાદ વરસાવે તો ગાયો માટે ઘાસ થાય. આપણા માટે અનાજ થાય. તેના વડે સર્વ પ્રાણીઓ જીવે છે. ઈન્દ્ર એ આપણા માટે ઈશ્વર છે. ઈન્દ્રને રાજી કરવા આ યજ્ઞ કરીએ છીએ. શ્રીકૃષ્ણ દેવનું અપમાન કરતા નથી. ઇન્દ્રની પૂજા છોડો એમ કહ્યું નથી. તેમણે કહ્યું, ઇન્દ્રનો યજ્ઞ કરો એ ઠીક છે. પણ તમે ઇન્દ્રને ઇશ્વર માનો એ બરાબર નથી. કોઈ પણ સો યજ્ઞ કરે તે ઈન્દ્ર થઇ શકે છે. ઇન્દ્રનો પણ ઈન્દ્ર કોણ છે તે તમે જાણતા નથી. નંદબાબા પૂછે છે:-કનૈયા ઈન્દ્રનો ઈન્દ્ર કોણ છે?કનૈયો:-આ મારા ગોવર્ધનનાથ ઇન્દ્રના પણ ઇન્દ્ર છે, ચાર દિશાના ચાર દેવ છે. પૂર્વમાં જગન્નાથજી, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકાનાથ અને ઉત્તરમાં બદ્રિનાથ છે. આ પ્રમાણે ચાર દિશાના ચાર નાથ, પણ વચમાં મારો ગોવર્ધનનાથ બેઠો છે. મારો ગોવર્ધનનાથ સર્વનો માલીક એટલે મધ્યમાં બેઠેલો છે. તે સર્વથી શ્રેષ્ઠ છે, બાબા તમે એની પૂજા કરો. બાબા, એક વાત પુછું? તમે ઘણા વર્ષોથી ઇન્દ્રનું પૂજન કરો છો, પણ તમને એનાં દર્શન થયા છે? નંદબાબાએ ના પાડી. કહે છે કે મેં ઈન્દ્ર દેવને જોયા નથી. શ્રીકૃષ્ણ કહે છે:-ઘણા વરસથી ઈન્દ્રની પૂજા કરો છો. પણ ઈન્દ્ર દર્શન આપતો નથી. તેથી લાગે છે કે ઈન્દ્રને કાંઈ અભિમાન છે. જે દેવને તમે જોયા નથી તે દેવની તમે પૂજા કરો છો? પણ પિતાજી આપણો આ ગોવર્ધન પર્વત છે તે તો આપણા પ્રત્યક્ષ દેવ છે. બાબા! આ તમને પહાડ દેખાય છે, તે તો મારા ગોવર્ધનનાથનું આધિભૌતિક સ્વરૂપ છે. તેમનું આધિદૈવિક સ્વરૂપ જુંદું છે. મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મરૂપે આમાં બિરાજેલા છે. ગોવર્ધનનાથ આપણા બધાનું રક્ષણ કરે છે, બાબા! ગોવર્ધનનાથે મને ઘણીવાર દર્શન આપ્યાં છે. મારો ગોવર્ધનનાથ તે જીવતી જાગતી જ્યોત છે. બાબા! તમે ગોવર્ધનની પૂજા કરો, મારા ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે.