પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
એક વૃદ્ધ વ્રજવાસી કહે, અરે તમને આજે શંકા થઈ? મને તો કનૈયાના જન્મથી શંકા જતી હતી. નંદ-યશોદા ગોરા અને આ તો કાળો છે. બોલાવો નંદબાબાને. નંદબાબા આવ્યા. બોલો, આ છોકરો કોનો છે? નંદબાબા કહે છે, તમે શંકા ન કરો. કનૈયો, મારો પુત્ર છે. ગર્ગાચાર્યે કહેલું, કે કનૈયામાં નારાયણ જેવા ગુણો છે. યશોદાએ આ સાંભળ્યું, યશોદા કનૈયાને પૂછે છે, કનૈયા, તું કોનો? કનૈયો જવાબ આપે છે, મા, હું તારો છું. યશોદા કહે છે:-લોકોને શંકા થાય છે, કે યશોદા-નંદ ગોરા અને તું કાળો કેમ? કનૈયો, માતા યશોદાજીને કહે છે:-મા, મારા જન્મ વખતે તો હું ગોરો જ હતો, પણ તેં ભૂલ કરી, તેથી કાળો થયો છું. મારા જન્મ વખતે અંધારું હતું. મારો જન્મ થયો, ત્યારે બધા સૂતેલા હતા. તું પણ સૂઈ ગયેલી હતી. હું આખી રાત અંધારામાં આળોટયા કર્યો, તેથી અંધારું મને વળગી ગયું, ને હું કાળો થયો. યશોદા કનૈયાની વાત સાચી માને છે. બાર વાગ્યા સુધી હું જાગતી હતી. પછી શું થયું? તેની મને ખબર નથી, યશોદા ભોળાં છે. મેં ભૂલ કરી, એટલે કનૈયો કાળો થયો. એકનાથ મહારાજે કારણ જુદું બતાવ્યું છે. મનુષ્યનું કાળજું કાળું છે. કામનો રંગ કાળો છે. મનુષ્યના કાળજામાં કામ છે, તેથી તે કાળું છે. જે વારંવાર શ્રીકૃષ્ણકીર્તન કરે, સતત ધ્યાન, ધારણા, સ્મરણ કરે, ઇશ્વરનું ચિંતન કરે, તેના કાળજાની કાળાશ કનૈયો ખેંચી લે છે અને વૈષ્ણવોનું કાળજું ઉજ્જવળ બનાવે છે, એટલે કનૈયો કાળો થયો છે. ભકતોના કાળજાની કાળાશ તે ખેંચી લે છે. ભકતોની કામવાસના તે ખેંચી લે છે, તેથી તે કાળો થયો છે. વિષયોનું ચિંતન કરે, એનું કાળજું કાળું થાય છે. કનૈયો કહે છે, મારા ભકતોના હ્રદયને હું ઉજળું કરુ છું. ગોપીઓમાં ચર્ચા થાય છે કે કૃષ્ણ કાળા કેમ? તે ગોપીઓની આંખમાં રહ્યો છે, તે ગોપીઓની આંખમાં નિત્ય વસે છે. ગોપીઓ કહે છે કે અમે આંખમાં મેશ આંજીએ છીએ એટલે અમારી આંખની મેશ લાગી જવાથી, કનૈયો કાળો થયો છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં કથા છે. દુર્યોધન કૃષ્ણને કહે છે. વિષ્ટિ કરવા આવ્યા છો? હજુ બેમાંથી તમારો બાપ કોણ છે, તે નક્કી નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૫
જો નંદ-યશોદા તમારા માતાપિતા હોય તો તેઓ ગોરા અને તમે કાળા કેમ? શ્રીકૃષ્ણ:-હું કૌરવોના કાળ તરીકે જન્મ્યો છું. તેથી કાળો થઈને આવ્યો છું. દુર્યોધનને જવાબ જુદો આપ્યો છે. ત્યારે રાધાજીને તે જુદું જ કારણ આપે છે. એક દિવસ લીલાનિકુંજમાં રાધાકૃષ્ણ રમતા હતાં. રાધાજીએ પ્યાર થી પૂછયું, નાથ! તમે સુંદર છો, પણ સહેજ કાળા લાગો છો, તમે કાળા કેમ થયા? શ્રીકૃષ્ણ રાધાજીને કહે છે:-હું તો ગોરો હતો પણ તારી શોભા વધારવા, હું કાળો થયો છું. તમારું સૌન્દર્ય વધે, લોકો તમારાં વખાણ કરે. એટલે કાળો થયો છું. તારી શોભા વધારવા, હું શ્યામ થયો છું. આપણે બંને ગોરા હોત, તો તારી કિંમત કરત કોણ? ઈન્દ્ર ગભરાયો. ઈન્દ્રાદિક દેવો, શ્રીકૃષ્ણની પૂજા કરવા આવ્યા. અમે આપના સ્વરૂપને ઓળખી શકયા નહિ, ક્ષમા કરો. સુરભિએ કનૈયાનો અભિષેક કર્યો ને ક્ષમા માગી. પહેલાં ગોવર્ધનલીલા આવે છે અને પછી રાસલીલા, જ્ઞાન અને ભક્તિ વધારનારી લીલા એ ગોવર્ધનલીલા. જ્ઞાન અને ભક્તિ ક્યારે વધે? જયારે પોતાને ઈશ્ર્વર વ્યાપક સ્વરૂપનો અનુભવ થાય ત્યારે. ગોવર્ધનલીલામાં સર્વને પ્રસાદ આપ્યો, પશુ-પક્ષીઓને પણ. ઈશ્વરના સ્વરૂપમાં જગત રહ્યું છે અને જગતના સર્વ પદાર્થોમાં ઇશ્વર રહેલો છે. શિલ કેવલોડહમ્ । એ તો વેદાંતની ટોચ છે. પંરંતુ આરંભમાં તો સર્વમાં ઇશ્વરને નિહાળો. ઉપાસનાના બે ભેદ છે:-(૧) વ્યકત ઉપાસના, (૨) અવ્યકત ઉપાસના. પ્રત્યેકમાં ઈશ્વરને જોશો, તો વાસના જાગશે નહિ. સુંદર સ્ત્રીને જુઓ, ત્યારે તેમાં માતાની ભાવના કરો તો તમારામાં તે સ્ત્રી પ્રત્યે કામના જાગશે? નહિ જ. તેમ, સર્વમાં શ્રીકૃષ્ણને નિહાળો. પહાડ-જડમાં પણ ચેતનની ભાવના કરવાની, જડ-ચેતન દરેકમાં ઇશ્વર રહેલા છે, તેમ માનો, એમ બતાવવાનું આ ગાવર્ધનલીલાનું મુખ્ય પ્રયોજન છે. ઇન્દ્રિયો જ્યારે જ્ઞાન તરફ વળે છે, ભક્તિ તરફ વળે છે, ત્યારે વાસનાઓ, વિષયરૂપી વરસાદ વરસાવે છે. વાસનાનો વરસાદ વેગથી આવે છે. ઈન્દ્રે પણ ધોધમાર વરસાદ વરસાવ્યો. દૂધને એકદમ ઊભરો આવે, ત્યારે તેમાં થોડું પાણી નાંખો તો તે શાંત થાય છે. વાસનાનો વેગ સહન કરવા, શ્રીકૃષ્ણનો આશ્રય કરો. નામસેવા અને સ્વરૂપસેવાનો આશ્રય કરો. ભાગવતાશ્રય કરવાથી વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે.