પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરેલો, ટચલી આંગળી એ સત્ત્વગુણનું પ્રતીક છે, ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે ત્યારે સત્ત્વગુણનો આશ્રય કરો. સદ્ગ્રંથોનું સેવન કરો, સદ્ગ્રંથના અને મહાત્માઓના સત્સંગમાં રહેશો તો વાસનાનો વરસાદ સહન કરવાની શક્તિ આવશે. જીવ લાકડીનો ટેકો ભલે રાખે પણ ઠાકોરજીનો આધાર હોય, તો જીવન સફળ થાય છે. સંસાર-ગોવર્ધન એ ઠાકોરજીના આધારે છે. ભગવાનનો આધાર છે તેથી લીલાલહેર છે. ઠાકોરજીની કૃપા નહિ હોય, તો લાખની રાખ થતા વાર નહીં લાગે. દુઃખમાં, વિપત્તિમાં, ટેકો તો એક માત્ર ભગવાનનો લેવો અને રાખવો, દુઃખ આવે ત્યારે ભગવાનનાં ચરણનું શરણ લેવું. ગોવાળિયાઓએ ગોવર્ધનનાથનો આશરો લીધેલો તેમ. શરણે જવાથી ભગવાન જરૂર આપણને મદદ કરશે, દુ:ખમાંથી બચાવશે અને આપણું રક્ષણ કરશે. વ્રજભકતો પણ અન્ય દેવતાનું શરણ મૂકી, દૃઢ રીતે શ્રીકૃષ્ણના શરણમાં ગયા, ત્યારે ભગવાને તે સઘળા વ્રજભકતોના દુ:ખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો. આ ભાવ ગિરિરાજધરણની લીલામાં છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે, હે અર્જુન! અનન્ય પ્રેમથી જે મારું ભજન કરે છે, સર્વ સમર્પણ કરી મારી ભક્તિ કરે છે, તેવા શરણે આવેલા જીવોને સંસારનાં ભૌતિક દુ:ખોમાંથી છોડાવવાની જવાબદારી હું મારા માથે લઉં છું. તેઓના યોગક્ષેમનું હું વહન કરું છું. જ્ઞાન અને ભક્તિ વધે, તો પછી જીવને રાસલીલામાં પ્રવેશ મળે. જ્ઞાન અને ભક્તિને વધારવા પ્રયત્ન કરશો, ત્યારે ઇન્દ્રિયો વાસનાઓનો વરસાદ વરસાવશે, જેમ ઈન્દ્રએ વરસાદ વરસાવ્યો હતો તેમ. સર્વે પ્રયત્નો કર્યા પછી, છેવટે તો ઇશ્વરની કૃપા જ માંગવી પડે છે. ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્ત્વ રહેલું છે, તેમાં પૂજ્ય અને પૂજક એક બને છે. સેવક અને સેવ્ય એક બને છે. કહ્યું છે ને કે :-શિવો ભૂત્વા શિવં યજેત્. શિવ બનીને શિવનું પૂજન કરો, ઈશ્ર્વર જેવા બનવું, ઇશ્વર સાથે એક થવું એટલે શું? ઠાકોરજીની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૬
ભગવત ઈચ્છામાં જીવ જયારે પોતાની ઇચ્છા ભેળવી દે છે, ત્યારે જીવ ઈશ્વર સાથે એક થાય છે. ત્યારે જીવ ભક્તિમાર્ગમાં આગળ વધે છે. સતત બ્રહ્મસંબંધ કરો, તો તમે બ્રહ્મરૂપ થશો. આજે પૂજા કરનાર શ્રીકૃષ્ણ છે. અને જેની પૂજા થાય છે, તે ગોવર્ધન પર્વતમાં પણ શ્રીકૃષ્ણ બિરાજેલા છે. ભક્ત અને ભગવાન એક બને છે. ગોવર્ધનલીલામાં સેવક અને સેવ્યનો અભેદ બતાવ્યો છે. જીવ અને ઇશ્વર એક બને તો રાસલીલામાં પ્રવેશ મળે છે. કનૈયો ગોવર્ધનનાથને વંદન કરે છે એટલે પોતાની જાતને જ વંદન કરે છે. આ સો અહમ્ (સોડહમ્) ભાવ છે. ચાલો, આપણે પણ એ ગિરિરાજધારીને વંદન કરીએ અને સ્તુતિ કરીએ. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેણ યશોવિસારી । કુમારિતાનન્દિત ઘોષનારી મમ પ્રભુ: શ્રી ગિરિરાજધારી ।। ભક્તિની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાળલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. વૃંદાવન ગોધન વૃન્દચારી, મમ પ્રભુ: શ્રી ગિરિરાજધારી. ગોવર્ધનલીલાથી ગોપીઓને ખાત્રી થઇ કે કનૈયો એ ઇશ્વર છે. તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તે થઈ રાસલીલા. ભક્તિરસમાં ઈન્દ્રિયોને તરબોળ કરી દો, તો રાસલીલામાં પ્રવેશ મળશે. દેવોના દેવ શ્રીકૃષ્ણ છે. તેમણે બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો પરાભવ કર્યો. બ્રહ્માજીને અભિમાન હતું. જગતને હું જ ઉત્પન્ન કરું છું. ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરી, પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમવા લાગ્યા. બ્રહ્માજીનું અભિમાન દૂર થયું. ઈન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું, હું મોટો રાજા છું, ઈન્દ્રનું અભિમાન ગોવર્ધનલીલામાં દૂર કર્યું, ઈન્દ્રને ખાત્રી થઈ કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસાડનાર શ્રીકૃષ્ણ છે. શ્રીકૃષ્ણ અવતાર નથી. પૂર્ણ અવતારી, પૂર્ણ પુરુષોત્તમ છે. ૨૮મા અધ્યાયમાં, વરુણદેવના પરાભવની કથા છે. ૨૯મા અધ્યાયથી રાસ પંચાધ્યાયીની કથા શરુ થાય છે. રાસલીલા પહેલાં વરુણદેવના પરાજયની કથા આવે છે તે અગત્યની છે. આ વ્રજવાસીઓ, ગાયોની સેવા કરતાં, એકાદશી કરતાં, શ્રીકૃષ્ણકીર્તન કરતાં એટલે શ્રીકૃષ્ણનું મથુરામાં પ્રાગટય થયું અને ગોકુળ આવ્યા. આ વ્રજવાસીઓ ભોળા હતા.બહુ ભણેલા ન હતા, તેઓ યોગ વિદ્યા જાણતા ન હતા. તેમ છતાં તેમને ભગવાન મળ્યા, ભોળાને ભગવાન મળે છે.