પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
શરદઋતુની રાત્રિ નિર્મળ હોય છે. તમે નિર્મળ થશો, સર્વ પ્રકારે શુદ્ધ થશો તો, તમે ઈશ્વર સાથે રમી શકશો, અને ત્યારે જીવનું ઈશ્વર સાથે મિલન થશે. જીવનું ઈશ્વર સાથે મિલન કયારે થાય-રાસ કયારે થાય તે જોઈએ. પહેલા પૂતના વધ-અવિદ્યાનો નાશ થવો જોઈએ. અવિદ્યાનો નાશ થાય, અવિદ્યા જાય, એટલે સંસારનું ગાડું સુધરે, એ બતાવવા શકટાસુરનો વધ કર્યો. સંસારનું ગાડુ સુધર્યું, પછી તૃણાવર્ત મર્યો, એટલે કે રજોગુણ નાશ થયો અને સત્ત્વગુણ વધ્યો. રજોગુણ મર્યો, એટલે માખણચોરીની લીલા આવી. શ્રીકૃષ્ણે મનની ચોરી કરી, એટલે જીવન સાત્ત્વિક બન્યું. જીવન સાત્ત્વિક બને, તો સંસારની આસક્તિ નષ્ટ થાય, દહીંની ગોળી ફોડી, એટલે કે સંસારની આસક્તિ ગઈ. સંસારની આસક્તિ જાય, એટલે પ્રભુ બંધાય. એ થઈ દામોદરલીલા. પ્રભુ બંધાયા, એટલે દંભ મર્યો. પાપતા૫ દૂર થયાં, એ થઇ બકાસુરવધની કથા, તે પછી આવી અઘાસુરવધની કથા. અને સંસારનો તાપ નાશ થયો. સંસારદાવાગ્નિ શાંત થયો, એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ થઈ, અને અંતઃકરણની વાસનાનો ક્ષય થયો તે બતાવવા નાગદમનલીલા. અને પ્રલંબાસુરવધની કથા આવી. જીવ ઈશ્વરને મળવા લાયક થતો ગયો, એટલે તેને વેણુગીતની વાંસળી સંભળાઈ. વેણુગીત એટલે નાદબ્રહ્મની ઉપાસના, તે પછી આવી ગોવર્ધનલીલા, ગો-ઈન્દ્રિયો. ઈન્દ્રિયોનું વર્ધન તે ગોવર્ધનલીલા. ઈન્દ્રિયોનું વર્ધન થયું, એટલે કે ઇન્દ્રિયો પુષ્ટ બની. ઈન્દ્રિયોની પુષ્ટિ એટલે કે વૃદ્ધિ, ભક્તિરસથી થાય છે. જો ઈન્દ્રિયો પુષ્ટ થાય તો ષડરસનો પરાભવ થાય, એટલે તે પછી વરુણદેવનો પરાભવ. ષડરસનો પરાભવ થયો. જીવ શુદ્ધ થયો. કોઈ વાસનાનું આવરણ ન રહ્યું. એટલે ચીરહરણલીલા થઈ અને તે પછી રાસલીલા થઈ, જીવ અને બ્રહ્મની એકતા થઈ. એકત્વ થયું. ચીરહરણલીલા પ્રથમ થઈ એટલે બ્રહ્માવરણ, બધી ઉપાધિઓનો નાશ ન થઈ જાય, ત્યાં સુધી રાસલીલા થતી નથી. ચીરહરણ ન થાય, ત્યાં સુધી રાસલીલા ન થાય, એટલે પહેલા ચીરહરણની કથા કહી. શરીરને વસ્ત્ર ઢાંકે છે. તેમ આ વાસના પરમાત્માને ઢાંકી રાખે છે. વાસનારૂપી પડદો દૂર ન થાય ત્યાં સુધી જીવ અને શિવનું મિલન થતું નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૬૯
વસ્ત્રહરણ દ્ધારા બુદ્ધિગત કામની ચોરી કરે છે. વસ્ત્રો સ્નાન કરવા છતાં જળથી ભીંજાતા નથી. એ બતાવે છે, કે તે કાંઈ સામાન્ય વસ્ત્ર ન હતાં. વાસનારૂપી વસ્ત્ર, જીવ અને પરમાત્માનું મિલન થતું અટકાવે છે. ઈન્દ્રિઓ વગેરેમાંથી કામને કાઢવો સહેલો છે. પણ બુદ્ધિગત કામને કાઢવો મુશ્કેલ છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. પ્રકૃતિ ઉપર વિજય મેળવવો ઘણો મુશ્કેલ છે. યોગીના શરીરમાંથી કામ જાય છે, પણ બુદ્ધિમાંથી કામ જતો નથી.વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થતાં કામ ઈન્દ્રિયોમાંથી જાય છે. પરંતુ બુદ્ધિમાંથી નીકળતો નથી. ઋષિઓ પણ કામથી હારેલા. તેઓને લાગ્યું, કે કામને મારવો કઠણ છે, તેથી તે ઋષિઓ આજે ગોપીઓ થઈને આવ્યા છે. ઋષિઓએ નિશ્ચય કર્યો, આ કામભાવ હવે શ્રીકૃષ્ણને અર્પણ કરીશું અને નિષ્કામ થઈશું. દશમ સ્કંધ એ ગોવર્ધનનાથનું હ્રદય છે અને રાસલીલા પ્રાણ છે, હ્રદયમાં પંચપ્રાણ રહેલા હોય છે. શ્રીમદ્ ભાગવતના પંચપ્રાણ. આ રાસ પંચાઘ્યાયી છે. પંચાધ્યાયીના પાંચ અધ્યાય છે. રાસ પંચાધ્યાયીને ફળ પ્રકરણ કહે છે. શ્રીધરસ્વામીએ કહ્યું છે, રાસલીલા એ નિવૃત્તિ ધર્મનું પરમફ્ળ છે. આ રાસલીલાની કથા કહેતાં શુકદેવજીને સંકોચ થયો હતો. સમાજમાં આ રાસલીલાની કથાના કેટલાક અધિકારી છે, અને કેટલાક અનાધિકારી છે. આ કથા કરું કે નહિ ? જે અનાધિકારી હશે તેમને આ લીલામાં કામ દેખાશે. શ્રી રાધાજી શુકદેવજીના ગુરુ છે. રાધાજીએ શુકદેવજીને બ્રહ્મસંબંધ કરાવ્યો. શ્રી રાધાજીની કૃપા વગર રાસનું મહત્ત્વ સમજવું કઠિન છે. આ રાસલીલાનું તત્ત્વ ગૂઢ છે, તેને સમજવું મુશ્કેલ છે. શુકદેવજી અગાઉના જન્મમાં પોપટ હતા, લીલા નિકુંજમાં, હે રાધે, હે રાધે, નિત્ય બોલતા હતા. શ્રી રાધાજી દયાની મૂર્તિ છે. શુકદેવજી રાધાજીના નામનું અખંડ કીર્તન કરતા હતા. રાધાજીને દયા આવી. એક દિવસ રાધાજી ત્યાં પધાર્યા, આ કોણ મારા નામનો જપ કરે છે? ત્યાં પોપટ ઉપર દ્દષ્ટિ પડી. પોપટ જપ કરે છે. પોપટને બોલાવ્યો. પોપટને હથેલી ઉપર રાખ્યો. પોપટને કહે, વત્સ! કૃષ્ણંવદ કૃષ્ણંવદ, રાધેતિ મા વદ. બેટા! કૃષ્ણ કહો, કૃષ્ણ. તું મારું નામ લે છે પણ તારા સાચા પિતા શ્રીકૃષ્ણ છે. માટે કૃષ્ણ બોલ, રાધાજી પોપટને આ પ્રમાણે મંત્રદીક્ષા આપતાં હતાં, તે વખતે શ્રીકૃષ્ણ પધાર્યા.