પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
શ્રી રાધાજી આદ્યશક્તિ છે, સંયોજીકા શક્તિ છે. આહલાદિકા શક્તિ છે. જગતના વિખૂટા પડેલા જીવોને, શ્રીકૃષ્ણ સાથે મિલન કરાવી આપનારી શક્તિ તે રાધાશક્તિ છે. વ્રજની અધીશ્વરી દેવી શ્રી રાધિકાજી છે. તેથી વૃન્દાવનના મહાત્માઓ, રાધે રાધે જપ કરે છે. રાધાજીની કૃપા થાય તો તે જીવને ભગવાનનાં દર્શન કરાવે છે. તે કૃપા કરે છે ત્યારે પ્રભુ પાસે જીવને લઇ જાય છે. શુકદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા. માટે ભાગવતમાં શુકદેવજી ઉવાચને બદલે શ્રી શુક ઉવાચ એમ લખ્યું છે. શ્રી શબ્દનો અર્થ થાય છે રાધા. શ્રી શુક એ ગુરુ શિષ્ય નામ છે. ભાગવતમાં, કોઈના નામ સાથે શ્રી વિશેષણ લખવામાં આવેલ નથી. બ્રહ્મા ઉવાચ, સનતકુમાર ઉવાચ, વ્યાસ ઉવાચ એમ લખ્યું છે, વ્યાસજીના નામ સાથે પણ શ્રી વિશેષણ વાપર્યું નથી. ફકત શુકદેવજી અને ભગવાનને શ્રી વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવાન રાધાજીના અધીશ્વર છે એટલે ભગવાન સાથે શ્રી વિશેષણ આપ્યું છે. રાધાજી શ્રીકૃષ્ણને કહે છે, આ પોપટ મને ખૂબ ગમે છે. રાધાજીએ શ્રીકૃષ્ણના હાથમાં પોપટ આપ્યો. અંતરંગમાં રાધાજી, શુકદેવજીના ગુરુ છે. પરમાત્મા સાથે સંબંધ જોડી આપે, એ મહાગુરુ. તેનું નામ પ્રગટરૂપે લેવાય નહિ. ભાગવતમાં શ્રી રાધાજીનું નામ પ્રગટરૂપે શુકદેવજીએ લીધું નથી. રાધાજીનું નામ જેમ ભાગવતમાં આવતું નથી તેમ કોઇ ગોપીનું નામ પણ પ્રગટરૂપે આપવામાં આવ્યુ નથી. શુકદેવજી કથા બહુ વિવેકથી કરે છે. ગોપી પ્રેમની વાત બહુ જાહેરમાં કરવાની નથી. રાજા પરીક્ષિતને સાત દિવસમાં મોક્ષ અપાવવો છે. રાધે રાધે બોલે તો ગુરુનું નામ લેતાં શુકદેવજીને સમાધિ લાગે તો રાજાનું શું થાય ? કથા વિયોગમાં થાય છે. પૂર્ણ સંયોગમાં વાતો થતી નથી. આ અંતરંગ લીલા છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૦
આમાં કામની ગંધ નથી. અગિયાર વર્ષના બાળકમાં કામભાવ જાગે નહિ. એક પતિની અનેક પત્નીઓ હોય તો તેમાં માંહોમાંહે મત્સર હોય પણ આ ગોપીઓમાં મત્સર ન હતો. આ સાધારણ સ્ત્રીપુરુષનું મિલન નથી. અને જો હોય તો શુકદેવજી આવી કથા કરે નહિ. શુકદેવજી મહાયોગી છે. ગોપી નામની કોઈ સ્ત્રી છે, એવી કલ્પના ન કરો. ગોપી એ શુદ્ધ જીવ છે. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે, પ્રેમભાવ છે. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિરસનું પાન કરતાં, જે દેહભાન ભૂલ્યો છે તેવો વિશુદ્ધ જીવ એ ગોપી છે. સાધારણ જીવ, આ ગોપીની કથા કરવા અને સાંભળવાનો અધિકારી નથી. નિત્યસિદ્ધા અને સાધનસિદ્ધા, ગોપીઓના ભેદ અગાઉ બતાવ્યા છે. કેટલાક જ્ઞાનીઓને બ્રહ્મરૂપ થવું છે. કેટલીક ગોપીઓને, ઈશ્વર સાથે એક થવું નથી. એક થાય તો ઇશ્વરના રસાસ્વાદનો અનુભવ કરી શકે નહિ. જીવ ઇશ્વર સાથે એક થાય તો ઇશ્વરના રસાત્મક સ્વરુપનો તે અનુભવ કરી શકતો નથી. ઇશ્વર રસરૂપ હોવાથી જ્ઞાની પુરુષો તેમાં ડૂબી જાય છે, પણ રસાત્મક સ્વરૂપનો અનુભવ તો જ કરી શકાય કે જો જીવ ઇશ્વરથી સહેજ અલગ રહે. ઈશ્વરથી અલગ રહે તો જ રસાનુભવ કરી શકાય. નિત્યસિદ્ધ ગોપીઓ તે છે, જે કનૈયા સાથે આવેલી છે. સાધનસિદ્ધ ગોપીઓના અનેક ભેદ છે. (૧) શ્રુતિરૂપા:-વેદના મંત્રો ગોપીઓ થઇને આવેલા છે, વેદોએ ઈશ્વરનું વર્ણન પુષ્કળ કર્યું, પણ ઈશ્વરનો અનુભવ ન થયો. ઈશ્વર કેવળ વાણીનો વિષય નથી. તે માટે ધ્યાન કરવાની જરૂર છે. સંસારનું વિસ્મરણ ન થાય, ત્યાં સુધી ઇશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. આ વેદાભિમાની દેવો ગોકુળમાં ગોપીઓ થઈને આવ્યા છે. (૨) ઋષિરૂપા ગોપીઓ:-જીવનો મોટામાં મોટો શત્રુ કામ છે. ઋષિઓએ કામને મારવા ઘણો પ્રયત્ન કર્યો, પણ આ કામ મર્યો નહિ. તપ કરવાથી શરીર અને ઇન્દ્રિયોમાંથી કામ જાય છે. પણ બુદ્ધિમાંથી કામ જતો નથી. એ કામ હવે શ્રીકૃષ્ણને અર્પણ કરવો છે. બ્રહ્મસંબંધ થયા વિના બુદ્ધિમાંથી કામ જતો નથી. વિશ્વામિત્ર, પરાશર કામાધીન થયા છે. સૂર્યને ઢાંકવાની જે મુનિમાં શક્તિ હતી, તેઓ કામને વશ કરી શકયા નહીં. આ કામને મારો તો શ્રીકૃષ્ણ દૂર નથી. સાત્ત્વિક ભોજન વિના કામ મરતો નથી. કામ અનંગ છે. તે જીવને મારે છે. આત્મશક્તિનો ક્ષય કરે છે. કામ મર્યો નહીં. એટલે કંટાળી ગયેલા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. હવે શ્રીકૃષ્ણને કામ સ્પર્શ કરી શકે નહિ શ્રીકૃષ્ણને અર્પણ કરેલા કામથી, અમે પણ નિષ્કામ થઇશું. શ્રીકૃષ્ણને કામ સ્પર્શ કરી શકે નહિ. શ્રીકૃષ્ણનું ચિંતન કરનારને કામ અસર કરી શકે નહિ, તો શ્રીકૃષ્ણને કામ શું અસર કરી શકે?