પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભગવાનની ઇચ્છા એવી નથી કે ગોપીઓ ઘરે જાય. પણ તેઓ જોવા માગે છે કે ગોપીઓને મારા પર પૂર્ણ પ્રેમ છે કે નહિ? એટલે તેઓ ગોપીઓની પરીક્ષા કરવા કહે છે. તારા ઘરમાં તને સુખ મળશે. તારા પતિ તને સુખ આપશે. ભગવાન ગોપીઓને આદર્શ સ્ત્રીધર્મ બતાવે છે. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ. પતિમાં ઈશ્વરભાવ ન રાખે, તેનો આ લોક અને પરલોક બન્ને બગડે છે. કળિયુગમાં શૂદ્રો અને સ્ત્રીઓને જલદી મુક્તિ મળશે. શૂદ્રો આચારવિચાર ન પાળે અને કેવળ રામ રામ કરે તો ચાલે. પણ બ્રાહ્મણ આચારવિચાર ન પાળે તો તેનું પતન થાય છે. બ્રાહ્મણના માથે વધારે જવાબદારી છે. ઘરની એક એક વ્યકિતની સેવા કરતાં સ્ત્રી ઇશ્વરનું સ્મરણ કરે તો તેને મંદિરમાં જવાની જરૂર નથી. યોગીઓને જે મુક્તિ મળે છે તેવી મુકિત તેમને અનાયાસે મળે છે. પતિવ્રતા, ઈશ્વરને પણ બાળક બનાવી શકે. અનસૂયાની જેમ. પ્રભુની સન્મુખ આવેલી ગોપીઓને પરમાત્માએ ધર્મોપદેશ કર્યો. સ્ત્રીએ બહાર બહુ ફરવાની જરૂર નથી. સ્ત્રી જો બહાર ભટકે, તો તે સ્વેચ્છાચારી બને છે અને તેનું પતન થાય છે. સ્ત્રી ઘરમાં રહી ગૃહિણીધર્મ બજાવે છે, તેને પવિત્ર રહેવાની અનુકૂળતા રહે છે. સ્ત્રી, પતિમાં તથા પતિનાં સંબંધીઓમાં ઇશ્વરની ભાવના રાખી સર્વેને માટે તન, મન ઘસે અને પરમાત્માનું સ્મરણ કરે તો સંન્યાસીઓ તેમજ યોગીઓને જે સદ્ગતિ મળે તે અનાયાસે સ્ત્રીને પ્રાપ્ત થાય છે. પતિમાં ઈશ્વરની ભાવના રાખી વિયોગમાં સ્મરણ અને ધ્યાન કરતાં ચિત્તની જેવી એકાગ્રતા થાય છે તેવી સંયોગમાં થવી કઠણ છે. તેથી ઘરે જાઓ. અનસૂયા માતાએ અલૌકિક પતિસેવાના બળથી ત્રિદેવોને પણ બાળકો બનાવ્યા હતા. પતિવ્રતા ધર્મ બહુ મોટો છે. એક પતિવ્રતા સ્ત્રી હતી. પતિની ખૂબ સેવા કરે છે, એક દિવસ પતિ બહાર ગામથી આવ્યા, રાત પડી છે. પતિ અત્યંત થાકી ગયા હતા. પથારી પાથરતાં પતિદેવ પોતાની પત્નીના ખોળામાં માથુ રાખી સૂઈ ગયા. તે વખતે સ્ત્રીનો દોઢ-બે વર્ષનો બાળક ખાટલામાં સૂતો હતો, શિયાળાના દિવસો હતા. છોકરાને શરદી ન થાય એટલે ખાટલા નીચે અગ્નિ રાખેલો. છોકરો આળોટતો હતો. સ્ત્રીએ જોયું કે છોકરો આળોટતો હમણાં અગ્નિમાં પડશે પણ હું તેને ઉઠાવવા કેમ જાઉં? તેમ કરું તો પતિદેવની ઊંઘમાં ખલેલ પડશે. તેઓ જાગી જશે. તેણે નિશ્ર્ચય કર્યો, પતિદેવને ત્રાસ આપી, હું પુત્રને ઉઠાવવા નહીં જાઉં. ઇશ્વર સ્મરણ કરતાં તે પતિસેવા કરતી હતી. છોકરો અગ્નિમાં પડયો, પરંતુ અગ્નિને બીક લાગી કે આવી પતિવ્રતા સ્ત્રીના પુત્રને બાળીશ, તો મને શ્રાપ આપશે. આજે અગ્નિ ચંદન જેવો શીતળ બને છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૫
પતિવ્રતા સ્ત્રી અગ્નિને પણ બાળે છે. મહાપતિવ્રતા સ્ત્રીથી તો અગ્નિ પણ ગભરાય છે. આવો શ્રેષ્ઠ પતિવ્રતા ધર્મ છે. તેને છોડી તમે મારી પાસે કેમ આવો છો? ઘરમાં રહેવાથી જ તમારું કલ્યાણ થશે. મારા સંયોગ કરતાં, મારા વિયોગમાં અનેકગણું સુખ મળે છે. વિયોગમાં મારું ધ્યાન બરાબર થશે. વિયોગમાં પ્રેમ પુષ્ટ બને છે. વિયોગમાં ગુણ દેખાય છે. સંયોગમાં દોષ દેખાય છે. તમારો પ્રેમ શુદ્ધ હશે તો મારું ધ્યાન કરતાં તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થશો. માટે તમે તમારા પતિને છોડીને આવ્યા તે યોગ્ય નથી. સાધક જયારે ધ્યાનનો આરંભ કરે છે, ત્યારે મન ચંચળ હોવાથી તેને ઈશ્વર દર્શન થતું નથી, પણ અંધારું દેખાય છે. તે નિરાશ ન થાય અને પ્રયત્ન ચાલુ રાખશે, તો અંધારામાંથી પ્રકાશ નીકળશે. ભગવાન ગોપીઓને ઘરે જવાની આજ્ઞા કરે છે. ગોપીઓને દુ:ખ થયું. ઇશ્વર આજ નિષ્ઠૂર થયા છે. ગોપીઓ ભગવાનને સામો જવાબ આપે છે. પ્રભુએ ગોપીઓને દેહધર્મનો ઉપદેશ કર્યો. પતિ એ તો દેહનો પતિ છે. આ શરીરનો કોઈ પતિ હશે, શરીરનો કોઇ પિતા હશે, પણ આત્માનો કોઈ પતિ નથી, આત્માનો કોઇ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે, ગોપીઓ પ્રભુને આત્મધર્મનો ઉપદેશ આપે છે. સખીઓ બોલે છે, નાથ! આવું કડવું ન બોલો. આપે ગીતામાં કહ્યું છે કે જે ભાવે જીવ મને ભજે છે તે ભાવે અમે તમને ભજીએ છીએ તો હવે અમને ઘરે જવા કેમ કહો છો? આપ પતિતપાવન છો. દયાના સાગર છો. એવા વિશ્વાસથી આપના ચરણનો આશ્રય કર્યો છે. આપ નિષ્ઠૂર જેવું કેમ બોલો છો? સંસારના સર્વ વિષયોનો મનથી ત્યાગ કરી, કેવળ આપના ચરણોનો દૃઢ આશ્રય કર્યો છે. સર્વ વિષયોનો મનથી પણ ત્યાગ કરીને આવે તે ગોપી. મૈવં વિભોડર્હતિ ભવાન્ ગદિતું નૃશંસં સન્ત્યજય સર્વવિષયાંસ્તવ પાદમૂલમ્ । ભક્તા ભજસ્વ દુરવગ્રહ મા ત્યજાસ્માન્ દેવો યથાડડદિપુરુષો ભજતે મુમુક્ષૂન્ ।। ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.૩૧. ત્યકત્વા શબ્દ શરીરથી વિષયોનો ત્યાગ બતાવવા વપરાય છે. આ શબ્દ, સાધારણ ત્યાગ માટે વપરાય છે. સન્ત્યજય શબ્દ મનથી વિષયોનો ત્યાગ બતાવવા વપરાય છે. અસાધારણ સાચો ત્યાગ બતાવવા વપરાય છે. અમે સર્વ વિષયો છોડી કેવળ તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ. તમારા માટે અમે મનથી સર્વ વિષયસુખનો ત્યાગ કર્યો છે. સંસારના સર્વ વિષયોનો અમે વિવેકથી ત્યાગ કર્યો છે. સર્વનો ત્યાગ કરી કેવળ આપને મળવા આવ્યાં છીએ. અમારો પરિત્યાગ ન કરો. આપ અમારી ઉપેક્ષા ન કરો, અમારા મનમાં તમારા વિના બીજું કાંઈ નથી. જેના મનમાં શ્રીકૃષ્ણ વિના બીજું કાંઇ નથી, એ જ ગોપી છે.