પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભગવાન કહે છે: જો હું તમારો સાચો પતિ હોઉં તો મારું કહ્યું તમારે માનવું પડે ને? હું તમને કહું છું કે તમે ઘરે જઇ, તમારા પતિની સેવા કરો. હું તમારો સાચો પતિ તમને ઘરે જવા કહું છું કે તમે પાછા જાવ. લૌકિક પતિ સ્વાર્થી હોવા છતાં મારી આજ્ઞા છે કે લૌકિક પતિની જ તમે સેવા કરો. ગોપીઓ કહે છે:-અમે હજારો જન્મોમાં રખડી રખડીને થાકી ગયાં છીએ. હવે જ્યારે આપ-ઈશ્વર મળ્યા છો ત્યારે અમે જવાનાં નથી. અમે પાછા જઈ શકીએ તેમ નથી. છતાં આપ કહો છો તો અમે ઘરે જવા તૈયાર છીએ. પરંતુ લૌકિક પતિની સેવા કરવા માટે મનની તો જરુર પડે ને? તે તો આપે ચોરી લીધું છે. તે અમારું મન અમને પાછું આપો. આપ અમારું મન ચોરીને બેઠા છો, તે અમને પાછુ આપો તો ઘરે જઇએ અને આપ કહો છો તેમ લૌકિક પતિની સેવા કરીએ. અમારા ચિત્ત ચોરી લીધાં છે તે આપો તો પાછાં જઇએ. જે પોતાનું મન ઈશ્વરને આપે છે, તેનું મન ઈશ્વરમાં મળી જાય છે. ઇશ્ર્વર પણ તે મન પાછું આપી શકતા નથી. પ્રભુએ કહ્યું:-જેનું ચિત્ત હું ચોરું છું. તેનું ચિત્ત મારામાં મળી જાય છે. એટલે તે હું પાછું આપી શક્તો નથી. તમારું મન મારામાં મળી ગયું છે તે પાછું આપી શકાય તેમ નથી. સાકર દૂધમાં ભળી ગયા પછી અલગ કરી શકાતી નથી, તેવી રીતે જેનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરે છે તેનું ચિત્ત કૃષ્ણમાં મળી જાય છે. પછી તે મનને ઈશ્વરથી અલગ કરી શકાતું નથી. તે મન ઈશ્વરથી અલગ રહી શક્તું નથી. ભગવાન: તમારું મન મારામાં કયાં મળી ગયું છે, હું પણ જાણતો નથી. તો તે પાછું કયાંથી આપી શકું? તમારું મન હું પાછું આપી શકું તેમ નથી. મન તમને પાછું આપતાં આવડતું નથી. ગોપીઓ:-તો મન વગર કેવી રીતે પાછું જવાય? તમે મન પાછું આપી શકતા નથી તો અમે અહીંથી જઇ શકતાં નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૮
પાદૌ પદં ન ચલતસ્તવ પાદમૂલાદ્ યામ: કથં બ્રજમથો કરવામ કિં વા । ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.૩૪. અમારા પગ તમારાં ચરણકમળ છોડીને એક પગલું પણ પાછળ હટવા માટે તૈયાર નથી. પછી અમે વ્રજમાં જઈએ કેવી રીતે? અને કદાચ ત્યાં જઈએ તો ત્યાં જઈને મન વગર કરીએ પણ શું? સખીઓ:-નાથ! હજારો જન્મથી ભટકતાં ભટકતાં અમે હવે થાકી ગયા છીએ. હવે અમારે સંસારમાં પાછાં ભટકવા જવું નથી. અમારા પગ પાછા જવાની ના પાડે છે. પ્રભુ:-ચાલ્યા વિના જ મારી યોગશક્તિથી તમને બધાંને તમારા ઘરે મૂકી દઉં તો? ગોપીઓ:-આપ શરીરને ઘરે મૂકી દેશો, પરંતુ મન તો પાછું જવાનું નથી. તો ઘરે જઇને અમે શું કરીશું? અમારું મન તમારામાં મળી ગયું છે. અમારે પણ હવે તમારામાં મળી જવું છે. તમારા સ્વરૂપમાં મળી જવું છે. મન જયાં મળી ગયું હોય ત્યાં જીવાત્મા પણ મળી જાય છે. મન જયારે મળશે ત્યારે ઇશ્વરમાં જ મળશે. સંસારના જડપદાર્થમાં મનનો લય થતો નથી. મન અને સંસાર સજાતીય નથી. મન અને ઈશ્ર્વર સજાતીય છે. સજાતીયમાં સજાતીય મળે. મન પૂર્ણ જડ નથી. તે ચેતન છે. ચેતન મન ચેતન પરમાત્માં માં મળી શકે છે. મન ઈશ્વરમાં જ સ્થિર થાય છે. તેથી જ્ઞાની જીવાત્મા ઇશ્વરને જ મન આપે છે. કોઈ સ્ત્રીને મન આપશો નહીં. કોઈ પુરુષને મન આપશો નહીં. મન આપવા લાયક કોઈ નથી. મન આપવા લાયક એક પરમાત્મા શ્રીકૃષ્ણ છે. મન જયાં મળી જાય, આત્મા પણ ત્યાં જ મળી જાય છે. નાથ અમારું મન તમારામાં મળી ગયું છે. તમને છોડીને જવાની ઈચ્છા નથી. અમે તમારા માટે જ જીવીએ છીએ. પ્રભુજીએ કહ્યું:-હું તમારો પ્રેમ જાણું છું, પણ તમે આજે તો ઘરે જાવ. ગોપીઓ કહે છે:-નાથ, અમે નહીં જઈ શકીએ. અમારા પ્રાણ જશે. ત્યારે પ્રભુ નિરુત્તર થયા, ગોપીઓને પૂછયું, તમારી શી ઈચ્છા છે? હું તમારું શું સ્વાગત કરું? ગોપીઓ બોલી:-નાથ, અમને બીજી કાંઈ ઇચ્છા નથી. ફકત તમારા અધરામૃતનું દાન કરો કે ફરીથી તમારો વિયોગ ન થાય. નિત્ય સંયોગનું દાન અમને કરો. ગોપીઓએ અધરામૃતની માંગણી કરી. આરંભમાં જ કહ્યું છે કે ભાગવતમાં સમાધિભાષા પ્રધાન છે. તેથી અધરામૃતનો લૌકિક અર્થ કરવો તે યોગ્ય નથી. પૃથ્વીનું નામ છે ધરા, ધરતિ ઈત ધરા । ધરાયા: અમૃતં ધરામૃતં । ધરામૃંત ન ભવતિ ઈતિ અધરામૃતં । પૃથ્વીને ધરા કહે છે. કારણ કે તે સર્વનું ધારણ પોષણ કરે છે. તેથી પૃથ્વી ઉપરનું અમૃત તે ધરામૃત. અને પૃથ્વી ઉપરનું નહિ એવું અમૃત તે અધરામૃત. અધરામૃત એટલે પ્રેમામૃત, અધરામૃત એટલે જ્ઞાનામૃત. જે અમૃતનો કદી નાશ થતો નથી તે જ્ઞાનામૃત.