પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
અધરામૃતનું દાન કરો, એટલે કે હે નાથ! અમને એવું જ્ઞાન આપો કે આપ ઇશ્વરથી હું અલગ છું, એવું જ્ઞાન જ ન રહે. તમારી સાથે એક બનું એવું અમૃત આપો. એવું જ્ઞાનામૃત આપો કે, એક ક્ષણ તમારાથી અલગ ન થાઉં. જ્ઞાનામૃત-અધરામૃત મળ્યું નથી, ત્યાં સુધી હ્રદયમાં રહેલો અગ્નિ બાળે છે. તેથી એવું જ્ઞાન આપો કે સર્વમાં આપનાં દર્શન થાય. પ્રત્યેકમાં ઈશ્વરની ભાવના રાખી વ્યવહાર કરો અને રાખો, તો જગત ગોકુળ બની જશે. જગત વૈકુંઠ બની જશે, પરસ્પર દેવો ભવ: । ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. તે તો સર્વ લૌકિક સુખનો ત્યાગ કરીને આવી છે. એટલે તેઓ લૌકિક અમૃત માગતી નથી. તે અલૌકિક અમૃત માંગે છે. નાથ! એવા જ્ઞાનામૃતની માંગણી કરું છું કે તમારો અને અમારો વિયોગ ન થાય. તમારો અને અમારો નિત્ય સંયોગ રહે. તમારાથી હું અલગ ન થાઉં. નાથ, તમારાથી જુદા થઇએ છીએ, તો માયા અમને વળગે છે. ગોપીઓને કોઈ લૌકિક સુખની ઈચ્છા નથી. નિત્ય સંયોગરૂપ અધરામૃત તેઓ માગે છે કે, જેથી વિયોગ ન થાય. આપ એવું જ્ઞાનામૃત આપો કે તમારા સ્વરૂપ સાથે નિત્ય સંયોગનો અનુભવ કરતાં વિયોગનું એક ક્ષણ પણ ભાન ન થાય, કારણ કે તમારો વિયોગ એ જ મહાન દુ:ખ છે, તમારો સંયોગ એ જ સુખ છે. એવા અધરામૃતનું દાન કરો. પ્રભુએ કહ્યું:-તમે આવું અધરામૃત માંગો છો? એવું નિત્ય સંયોગરૂપ અધરામૃત આપવું કે ન આપવું તે મારી ઇચ્છાની વાત છે. નિત્ય સંયોગાત્મક પ્રેમામૃતનું તમને દાન કરવાની મારી ઇચ્છા નથી. તમને અધરામૃતનું દાન ન કરું તો? ત્યારે સખીઓએ કહ્યું:-વધારે રોફ ન કરો. છેલ્લો ઉપાય અમારા હાથમાં છે. અમે જે તમને મનાવીએ છીએ તે અમારા માટે નહિ પરંતુ તમારી કીર્તિને કલંક ન લાગે તેટલા માટે જ. નાથ! તમારી કીર્તિ વધારવા માટે મનાવીએ છીએ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૯
તમે નિત્ય સંયોગરૂપી અધરામૃત આપો તો તમારી પ્રતિષ્ઠા વધશે, નહિતર વિરહાગ્નિમાં અમે શરીરનો ત્યાગ કરીશું. અમે સાંભળ્યું છે, મરણ વખતે જેનું ચિંતન કરવામાં આવે તે તેને મળે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે અંતકાળે જેનું ચિંતન કરતા જીવ શરીર છોડે છે તે મય તે થાય છે. અમારા મનમાં તમારા સિવાય કાંઈ નથી. અમને તો ખાતરી જ છે કે છેલ્લા શ્વાસ સુધી તમારુ સ્મરણ, ચિંતન કરતાં કરતાં પ્રાણ ત્યાગ કરીશું, એટલે તમારી પ્રાપ્તિ તો થવાની જ છે. તમારા વિરહમાં અમે મરીશું એટલે તમે તો મળવાના જ. તમે જશો કયાં? પરંતુ તે જોઇ જગત શું કહેશે? લોકો કહેશે, શ્રીકૃષ્ણ નિષ્ઠૂર હતા. ગોપીઓએ આટલો ત્યાગ કર્યો, તેમ છતાં તેમના ઉપર પ્રભુએ કૃપા ન કરી. લોકો કહેશે, છેવટે શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં ગોપીઓએ શરીરનો ત્યાગ કર્યો. ગોપીઓનો પ્રેમ સાચો હતો, પણ શ્રીકૃષ્ણ નિષ્ઠૂર હતા, ગોપીઓના પ્રાણ ગયા પછી તેમને પરમાત્મા મળ્યા. નાથ! અમે પ્રાણત્યાગ કરીશું. નાથ! અમારી એક જ ઈચ્છા છે. અમારા શ્રીકૃષ્ણની અપકીર્તિ ન થાય. એટલે તમને મનાવીએ છીએ. ઇશ્વર સર્વ વ્યાપક છે. તમે સર્વત્ર છો. એટલે તમારી પ્રાપ્તિ થવાની છે. જ્ઞાનમાર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. પણ મર્યા પછી તમારી પ્રાપ્તિ થાય તો તેમાં તમારી અપકીર્તિ થશે. ગોપીઓના આ વચનોથી ઈશ્વરની પણ હાર થઈ છે. તેથી મહાપ્રભુજીએ, ગોપીઓનાં આ વચનોનો જય જયકાર ગાયો છે. તાસાં વાચો જયન્તિ હિ । ભગવાનની કોઈ ઠેકાણે હાર થઈ નથી. પણ ગોપીઓ સાથે વાત કરવામાં ભગવાનની હાર અને ગોપીઓની જીત થઈ છે. આ જીવ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે. જીવની કસોટી કર્યા પછી ઈશ્ર્વર જીવને અપનાવે છે. ગોપીઓની સર્વ રીતે પરીક્ષા કર્યા પછી જ, તેઓને શ્રીકૃષ્ણે દિવ્યરસનું અદ્વૈતરસનું પાન કરાવ્યું. ભગવાને વિચાર્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે. આજે હું તેઓનો ત્યાગ કરીશ તો તેઓ પ્રાણત્યાગ કરશે. પ્રભુને ખાત્રી થઈ કે આ જીવ શુદ્ધ ભાવથી મને મળવા આવ્યો છે એટલે ભગવાને તેને અપનાવ્યો. છેવટે પરમાત્માની હાર થઈ અને સખીઓની જીત થઇ. તેથી પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યાં. પ્રભુએ, જેટલી ગોપીઓ હતી તેટલાં સ્વરૂપ ધારણ કર્યાં. પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપને રાખી, રાસનો આરંભ કર્યો. અષ્ટ સખીઓ સેવામાં હાજર છે. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો. ગોપી કૃષ્ણની સન્મુખ આવી. પ્રભુએ છાતી સાથે મેળવી આલિંગન આપ્યું. ગોપીઓને પરમાનંદનું દાન કર્યું. જીવ ઇશ્વરનું મિલન થયું. જીવ ઇશ્વર એક બન્યા છે. જીવ ઇશ્વરનું મિલન થતાં પરસ્પરને અતિશય આનંદ થયો. ગોપી કૃષ્ણમય, ભગવાનમય થઈ છે. ગોપીઓનાં હાથમાં બે હાથ આપ્યા છે અને નૃત્ય કરે છે. ગોપીઓ કૃષ્ણ સાથે આનંદથી નાચવા લાગી.