પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
આ જીવ અને બહ્મનું મિલન છે એવી રીતે, પરમ અદ્વૈતરૂપ ફળનું આ વર્ણન છે. અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ રાસલીલામાં અદ્વૈતનું વર્ણન કર્યું છે. રાસમાં સંગીત, સાહિત્ય અને નૃત્યનો સમન્વય હોય છે. રાજા, આ રાસલીલામાં કામની ગંધ નથી. રાસલીલા ખુલ્લા મેદાનમાં થયેલી છે અને દેવો, ગંધર્વો, નારદ, બ્રહ્માજી વગેરે રાસલીલાનાં દર્શન કરવા આકાશમાં આવ્યા છે. રાસલીલાનાં દર્શન કરતાં બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે શ્રીકૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ છે. ગોપીઓને દેહભાન નથી છતાં એવી લીલા કરવાથી મર્યાદાનો ભંગ થાય છે. કૃષ્ણાવતાર ધર્મમર્યાદા માટે છે. શ્રીકૃષ્ણ આ પ્રમાણે પરસ્ત્રીઓ સાથે રમે તો ધર્મની મર્યાદાનો ભંગ થાય. બ્રહ્માજી રજોગુણના અધિષ્ઠાતા દેવ છે. જેની આંખમાં રજોગુણ હોય તે જ્યાં દોષ ન હોય ત્યાં પણ, દોષ શોધી કાઢે છે. બ્રહ્માના મનમાં શંકા આવી છે. પ્રભુએ વિચાર કર્યો, એ ડોસાને ધર્મ મેં શીખવ્યો છે અને તે મને જ ધર્મ શીખવાડવા આવ્યો છે. બ્રહ્માને ખબર નથી, આ ધર્મ નથી. આ તો ધર્મનું ફળ છે. આ તો ધર્મી મળવા છતાં હજી ધર્મને જ પકડી રાખે છે. પ્રભુએ તે સમયે ગમ્મત કરી. પ્રભુએ પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી કૃષ્ણરૂપ બનાવી, બ્રહ્મા જૂએ છે તો સર્વ શ્રીકૃષ્ણ જ છે. શ્રીકૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે. હવે ગોપી, ગોપી રહી નથી. બધાં પીતાંબરધારી કૃષ્ણ જ રમે છે. રમે રમેશો । તેથી બ્રહ્માને ખાતરી થઈ કે આ તો સ્ત્રી-પુરુષનું મિલન નથી. પછી બ્રહ્માને દેખાયું કે શ્રીકૃષ્ણ પણ ગોપીરૂપ થયા છે, બ્રહ્માજીએ પ્રણામ કર્યા, આમાં ધર્મનો ભંગ નથી, આ તો ધર્મનું ફળ છે. આ વિજાતીય તત્ત્વનું રમણ નથી. આ કોઈ ગોપીમાં સ્ત્રીત્વ નથી. હવે અંશ અંશીમાં મળ્યો છે. બધાં શ્રીકૃષ્ણના જ સ્વરૂપો છે. આજે ગોપી બ્રહ્મરૂપ થઈ છે. ગોપી શ્રીકૃષ્ણ રૂપ થઇ છે. બ્રહ્માજી કહે, મારી ભૂલ થઇ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૦
મને માફ કરો. જીવ બ્રહ્મરૂપ થયો. પછી તેનામાં જીવપણું રહ્યું કયાં? બ્રહ્માજીને ખાત્રી થઈ એટલે ફ઼રીથી એક એક ગોપી પાસે, એક એક શ્રીકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું છે. બ્રહ્મા વિસ્મયમાં પડયા છે. રાસવિહારીલાલની જય. પ્રભુએ જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપો ધારણ કરી, સખીઓને સર્વે પ્રકારે આનંદનું દાન કર્યું. શુકદેવજી કહે:-રાજન્! આમાં કામની ગંધ હોત તો આ લીલા કોઈ ઓરડામાં કરી હોત અને ઓરડાના દરવાજા બંધ કર્યા હોત. આ તો ખુલ્લા મેદાનમાં લીલા થઇ છે. જો આમાં લૌકિક કામાચાર હોત તો, દેવલોક આકાશમાં આ રાસલીલા જોવા ન આવત, માટે આમાં લૌકિક કામાચાર નથી. વ્રજમાં રાસલીલા રમાય છે. વ્રજમાં એવો નિયમ છે કે અગિયાર વર્ષથી નાની ઉંમરનાં બાળકોને રાસલીલામાં લે છે. કારણ કે અગિયાર વર્ષની ઉંમર પછી શરીરમાં કામવિકાર શરૂ થાય છે. એટલે અગિયાર વર્ષની ઉંમર પછી રાસમાં લેતા નથી. શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે. જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસવિહારી શ્રીકૃષ્ણનું ધ્યાન કરો. તેથી તમારો કામ મરશે. ઇશ્વરનું ધ્યાન ખૂબ કરશો તો કામ મરશે. આ સિવાય કામને મારવાનું બીજું સાધન રહ્યું નથી. ગોપીઓ, શ્રીકૃષ્ણ તેઓને માથે હાથ મૂકે તેવી ઈચ્છા કરે છે, એટલે કે ઈશ્ર્વરની કૃપાની માગણી કરે છે. કામનો નાશ કરવાની માંગણી કરે છે. ઇશ્વરની કૃપા થાય એટલે, લૌકિક કામનો નાશ થાય છે. રતિપતિ કામનો નાશ થાય છે. તન્નો નિધેહિ કરપઙ્કજમાર્તબન્ધો તપ્ત સ્તનેષુ શિરસ્સુ ચ કિંકરીણામ । ભા.સ્કં.૧0.અ.૨૯.શ્ર્લો.૪ ૧. તે બતાવે છે કે આ લૌકિક કામની વાત નથી. પુરુષત્વ એ અભિમાન, અહમનું સૂચક છે. ઈશ્ર્વરના ઘરમાં પુરુષને એટલે કે અભિમાનીને સ્થાન મળતું નથી. ગોપી બનીને, નમ્ર બનીને જે જાય છે તેને ત્યાં પ્રવેશ મળે છે. ગોપી દીન બનીને જે જાય છે તેને પ્રવેશ મળે છે. નારદજીને દુઃખ થયું કે હું પુરુષ થયો, સ્ત્રી થઇને આવ્યો હોત તો રાસરસનું દાન મળત, નારદજીને ખબર નથી, પુરુષ એક પુરુષોત્તમ, ઓર સબ વ્રજનારી હૈ. તે વખતે રાધાજીની નજર નારદજીના મ્લાન મુખ ઉપર પડી, વૃન્દાવનના અધીશ્વરી દેવી રાધાજી છે. વૃન્દાવનમાં આવેલો કોઈ જીવ દુ:ખી ન થાય, કોઈ ન રડે તેની કાળજી રાધાજી રાખે છે. રાધાજીએ નારદજીને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? નારદજી:-ગોપીઓ જેવો આનંદ મને મળે. મારે શ્રીકૃષ્ણ સાથે રમવું છે. રાધાજી:-રાધાકુંડમાં તમે સ્નાન કરો, તમને રાસલીલામાં પ્રવેશ મળશે. નારદજીએ રાધાકુંડમાં સ્નાન કર્યું એટલે નારદ, નારદી બન્યા છે. નારદજીએ વિચાર્યું કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં શું વાંધો છે? આજ સુધી હું પુરુષ હું, કીર્તનકાર એવા અભિમાનમાં જ હું મરી ગયો.