પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભકત ભગવાનને કહી શકે છે, બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા પુંડલીકે એક ઇંટ ફેંકી, બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા. પુંડલીકને આવતાં વાર લાગતા ભગવાન થાક્યા અને કેડ ઉપર હાથ રાખ્યો તે સૂચવે છે કે કેડપુર જળમાં કોઈ ડૂબે નહિ. જે મારા ચરણનો આશ્રય કરે તેને માટે સંસાર આટલો જ ઊંડો છે. કેડ સમાણો ઊંડો છે. બાકી તો ઘણા આ સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પત્તો પણ નથી. પુંડલીક માતાપિતાની સેવા કર્યા પછી બહાર આવ્યા છે. પુંડલીકને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા તો પણ માતાપિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નહીં. સાધન છૂટશે તો ભગવાન અંતર્ધાન થશે. અદૃશ્ય થશે. પુંડલીકની જેમ સાધ્ય મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું તેથી ભગવાન અદ્દશ્ય થયા.અભિમાન જાગે ત્યારે જ સાધનમાં ઉપેક્ષા જાગે છે.ગોપીઓએ માન્યું કે કૃષ્ણ તો ઉપરથી ના પાડતા હતા. બાકી અમારા સૌન્દર્યમાં તેઓ આસક્ત છે.ભગવાન અંતર્ધાન થયા એટલે કે ત્યાં જ હતા, પણ ગોપીઓને દેખાતા ન હતા. અંતર્ધાન થયા એટલે શ્રીકૃષ્ણે ગોપીઓના હ્રદયમાં પ્રવેશ કર્યો. ગોપી હ્રદયમાં શોધવાને બદલે શ્રીકૃષ્ણને બહાર શોધવા લાગી એટલે શ્રીકૃષ્ણ ન દેખાયા. જવું અને આવવું, એ ક્રિયા ઈશ્વરને થઈ શક્તી નથી. કારણ કે તે તો સર્વવ્યાપક છે.ઈશ્વર તમારી પાસે છે પણ વાસના તેના સ્વરૂપને ઢાંકે છે. ઈશ્વર સર્વના હ્રદયમાં છે. છતાં તે કેમ દેખાતાં નથી? જીવ ભગવાન સન્મુખ ન આવે ત્યાં સુધી ભગવાન તેની સુધ લેતા નથી. ભગવાન કહે છે:-હું તો જીવને અપનાવવા તૈયાર છું પણ તે મારી સન્મુખ આવે ત્યારે હું તેને અપનાવું ને? ગોપીઓ શ્રીકૃષ્ણને બહાર શોધે છે, મંડળમાં શોધતી નથી. જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર નહીં. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે, તો તેના વિયોગથી તમને દુઃખ થશે. તમારો આનંદ કોઇને આધીન ન હોવો જોઈએ. જો તે કોઇને આધીન હશે તો તે દુ:ખ આપશે જ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૮૩
અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હ્રદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદરૂપ છે. બાકી આ જગત તો દુ:ખરૂપ છે. ગીતામાં આ સંસારને અનિત્યમસુખં કહ્યો છે. ગી.અ.૯.શ્ર્લો.33. વિયોગમાં-ધ્યાનમાં તન્મયતા છે. તન્મયતા થયા પછી એક જ સ્વરૂપ દેખાય છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. બહિરંગમાં વિયોગ. અંતરંગમાં સંયોગ છે. ગોપીનું મન શ્રીકૃષ્ણમાં છે. વૃતિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયોગ છે. બહિરંગમાં વિયોગ છે. ગોપીઓ એક એક વસ્તુમાં ભગવાનને શોધે છે. સખીઓ શ્રીકૃષ્ણને શોધવા નીકળે છે. ગોપીઓને થાય છે, આ વૃક્ષમાં શ્રીકૃષ્ણ છે. વૃક્ષને પૂછે છે, મારા શ્યામસુંદર કયાં છે, તે જાણતા હોય તો કહો. વિયોગમાં તન્મયતા થઈ હોવાથી ગોપીઓને ભાન ન હતું, કે આ વૃક્ષ છે. તે બોલી શકે નહિ. પછી વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. લાલી મેરે લાલકી જિત દેખું તિત લાલ, લાલી દેખન મૈ ગઈ; મૈ ભી હો ગઈ લાલ. અરે સખી! હું જ કૃષ્ણ છું. આ ધ્યાનની પરાકાષ્ઠા છે. ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતાં કરતાં સંસારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી ‘હું પણુ’ ભૂલાય છે. તે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને છે તે જ મુક્તિ છે. ગોપીઓ શ્રીકૃષ્ણનું ચિંતન કરતા બોલી, અલી સખી, હું જ કૃષ્ણ છું. કૃષ્ણોડહમ્ પશ્યતૂ ગતિં ।। હું કૃષ્ણ છું. પહેલાં ગોપીઓએ શ્રીકૃષ્ણને કહેલું કે અમે તમારી દાસીઓ છીએ. પહેલાં દાસોડહમ્ હતું હવે કૃષ્ણોડહમ્ થયું. ધ્યાનમાં તન્મયતા થઈ, એટલે ગોપીઓને સર્વમાં શ્રીકૃષ્ણ દેખાય છે. દરેક દેવોએ પશુઓને પોતાનાં વાહન કેમ બનાવ્યાં છે? મનુષ્યને પશુ-પક્ષીમાં પણ ઈશ્વર ભાવના થાય, પશુ-પક્ષીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે એટલા માટે. પહેલાં તો દરેકમાં ઈશ્વરની ભાવના કરવાની. મૈં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવન્ । સર્વમાં ઇશ્વરનો અનુભવ કરનાર પોતે પણ ઇશ્વરમય બને છે. તે ગોપીના મુખ ઉપર શ્રીકૃષ્ણના જેવું તેજ આવ્યું છે. જીવ જેનું સતત ધ્યાન કરે છે તેની આકૃતિ તેના મુખ ઉપર પડે છે. એક ગોપી, બની છે બાલકૃષ્ણ. કહે છે હું કાલિયનાગને નાથીશ.બીજી ગોપી બની છે કાલિયનાગ. પહેલી ગોપી બીજી ગોપીના માથા ઉપર ચઢી છે. માથા ઉપર ઉભી ઉભી કહે છે. એય કાલિય, તું અહીંથી ચાલ્યો જા, મેં દુષ્ટોનું દમન કરવા માટે જન્મ લીધો છે. વિચારો, માથા ઉપર ઉભવું કેટલું કઠણ છે. આ રાસની કથા છે. સાધારણ વકતા, શ્રોતા આ કથા સાંભળવાના અધિકારી નથી.