પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
અક્રૂર વિચારે છે, મારા ભગવાન મને નામથી નહીં બોલાવે? જો કે હું પાપી છું અને લાયક નથી પણ ઉંમરમાં વૃદ્ધ છું, તેમજ વસુદેવનો મિત્ર અને પિત્રાઈ ભાઈ થાઉં છુ. તેથી શ્રીકૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. ‘કાકા ઊભા થાવ, ઊઠો’ એમ કહેશે ત્યારે જ હું ઊભો થઈશ. કાકા ન કહે ત્યાં સુધી હું નહિ ઊઠું. શ્રીકૃષ્ણ મને કાકા કહેશે એટલે મારો જન્મ સફળ થશે. ભગવાન જેને માન ન આપે તેનું જીવન વૃથા છે. જીવમાત્રને માનની ભૂખ છે. જીવ જેને માન આપે છે, તેની માનની ભૂખ શાંત થાય છે. મારા માટે જગત શું બોલે છે તે જાણવાની ઈચ્છા ન કરો. જગતમાં આપણા માટે સારું બોલે છે તો સદ્ભાવ જાગે છે. અને ખરાબ બોલે છે, તો ખરાબ બોલનાર પ્રત્યે કુભાવ આવે છે. મારા માટે ભગવાન શું કહેતા હશે તે રોજ વિચારો. આપણા માટે ભગવાન આશા રાખે છે. પંદર દિવસની કથા સાંભળી છે. હવે તે પાપ છોડશે. ઇશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો. વગર સંબંધ સામાન્ય મનુષ્યને પણ લાગણી થતી નથી. સંબંધ વગર સ્નેહ થતો નથી. સંબંધ વગર ઈશ્વરને જીવની લાગણી થતી નથી. ભગવાનને પિતા માનો, સખા માનો, સ્વામી માનો, પણ કાંઇક સંબંધ જોડો. જો કે પ્રભુ આપણા સર્વસ્વ છે. પરંતુ કોઈક પ્રકારનો સંબંધ જોડયો હોય તો સારું. પરમાત્મા સાથે સંબંધ જોડવાની જરૂર છે. તુલસીદાસજી કહેતા, હું મારા રામજીનો સેવક છું. બ્રહ્મ તુ હૈં જીવ, તૂ ઠાકુર હૌં ચેરો । તાત, માત,ગુરુ સખા તૂ, સબ વિધિ હિતૂ મેરો ।। તોહિં મોહિં નાતે અનેક માનિયે જો ભાવે । જ્યોં ત્યોં તુલસી કૃપાલુ ચરન-સરન પાવે ।। વૃંદાવનમાં એક સંત રહેતા હતા. મહાત્માએ વિચાર્યું, જયાં સુધી યોગાભ્યાસ કરીએ છીએ ત્યાં સુધી મન સ્થિર રહે છે. પણ જયાં પ્રાણાયમ પૂરો થયો કે મન કૂદાકૂદ કરે છે. યોગાભ્યાસ પૂરો થાય કે મન ચંચળ થાય છે. તેણે સંસારને ભૂલવા એક યુક્તિ કરી. તેણે કનૈયાને બાળક માનવાની શરૂઆત કરી. કનૈયો મારો બાળક છે. હું નંદ છું. કનૈયો મારી ગોદમાં બેઠો છે. કનૈયો મારી દાઢી ખેંચે છે. શ્રીકૃષ્ણને પુત્ર માની આનંદ મનાવે, શ્રીકૃષ્ણ ઉપર તેનો વાત્સલ્યભાવ છે. સંસારના વિષયાવેશ ઉતરી જાય ત્યારે ભગવાન ઉપર ભાવ જાગશે. પુત્ર સુખ થોડું આપે છે, દુ:ખ ઘણું આપે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૮
આ મહાત્મા પરમાત્મા સાથે આવો સંબંધ જોડી સંસારને ભૂલી ગયા. પરમાત્મા સાથે તન્મય થયા છે. કનૈયાને પુત્ર માની લાડ કરવા મહાત્મા વિચારે છે, કનૈયો મારી પાસે કેરી માગે છે. બાબા, મને કેરી આપો. મહાત્મા મનથી કનૈયાને કેરી આપે છે. મહાત્મા આ પ્રમાણે કેવળ મનથી ભગવાનને સર્વ વસ્તુઓ આપતા. કનૈયો એવો ભોળો છે કે મનથી આપો તો પણ પ્રસન્ન થાય. મહાત્મા કોઈ કોઈ વાર શિષ્યોને કહે છે કે આ શરીરને ગંગાસ્નાન થયું નથી. મારે ગંગાસ્નાન કરવા જવું છે. પણ માનસી સેવામાં-વાત્સલ્યભાવનામાં તન્મય થાય કે કનૈયો કહે, બાબા! હું તમારો બાળક છું. નાનો છું. મને છોડીને કાશી જશો નહિ. મહાત્મા જયારે સેવામાં તન્મય થાય ત્યારે, ભાસ થાય કે મારો લાલો મને છોડી જવા ના પાડે છે, મારો કનૈયો હજુ બાળક છે. હું કનૈયાને છોડી જાત્રા કરવા કેમ જાઉં? મહાત્મા વૃદ્ધ થયા. એક દિવસ કૃષ્ણકીર્તન કરતાં કરતાં મરણ પામ્યા. આ ભાવાવેશમાં મહાત્માએ શરીરત્યાગ કર્યો. શિષ્યો કીર્તન કરતાં કરતાં મહાત્માના શબને સ્મશાનમાં લઈ ગયા. અગ્નિસંસ્કારની તૈયારી થઇ, તેવામાં એક સાત વર્ષનો બાળક ગંગાજળ લઇને આવ્યો. તેણે લોકોને કહ્યું, આ મારા પિતા છે. હું તેનો પુત્ર છું. પુત્ર તરીકે અગ્નિસંસ્કાર કરવાનો મને અધિકાર છે. હું તેનો અગ્નિસંસ્કાર કરીશ. મારા પિતાની એક ઈચ્છા હતી. એક વાર ગંગાસ્નાન કરવું. હું તે માટે આ ગંગાજળ લાવ્યો છું. તે બાળકે મહાત્માના શબને ગંગાસ્નાન કરાવ્યું, પુષ્પની માળા પહેરવી, વંદન કર્યા, જાતે અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં અનેક સાધુઓ હતા, પણ કોઇની બોલવાની હિંમત થઈ નહિ. અગ્નિસંસ્કાર કરીને બાળક એકદમ અંતર્ધાન થયો. પછી લોકોને ખ્યાલ આવ્યો કે મહાત્માને તો પુત્ર જ ન હતો. કહેવાની જરૂર નથી, પરમાત્મા જ તે મહાત્માના પુત્રરૂપે આવ્યા હતા. મહાત્માની ભાવના હતી, શ્રીકૃષ્ણ મારા પુત્ર છે. પરમાત્માએ તેની તે ભાવના પૂરી કરી. લાખોની સંપત્તિ વારસામાં મળી હોય, તેવો પુત્ર પણ કોઈ વખતે અણીના સમયે છોડીને ચાલી જાય છે. ત્યારે અંતકાળે મારા ભગવાન અવશ્ય આવશે નહિ કરે. મારા ભગવાન અંતકાળે દોડતા આવે છે. અણીના સમયે જીવ દગો દે છે. પણ કનૈયો દોડતો આવે છે. જે ભાવથી જીવ ઇશ્વરનું સ્મરણ કરે છે, તે પ્રમાણે તે ભાવથી ઇશ્વર તેને અપનાવે છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ જેવી ભાવના તેવી સિદ્ધિ.