પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
વિષયાનંદ હોય ત્યાં બ્રહ્માનંદ ન સંભવી શકે. માનવ કાયામાં વિષયાનંદ હોય ત્યાં સુધી બ્રહ્માનંદ હોય નહિ -બ્રહ્માનંદ ત્યાં આવે નહિ. એક જ મથુરામાં-માનવકાયામાં શ્રીકૃષ્ણ અને કંસ (કામ) સાથે બિરાજી શકે નહિ. કંસ એ કામ છે. કામ અને ઈશ્વર સાથે રહી શકે નહિ. આટલું સમજશો તોય ઘણું છે. જહાં કામ વહાં રામ નહીં, જહાં રામ વહાં નહીં કામ, તુલસી દોનોં નવ રહે, રવિરજની એક ઠામ. યશોદાજીએ દુધ વગેરે અનેક સામગ્રીઓ આપેલી હતી, આજે કૃષ્ણ વહાલી ગાયોને છોડીને આવ્યો છે. જમવા બેઠા, ત્યાં યશોદાનું સ્મરણ થયું. કૃષ્ણ ભોજન કરી શકયા નહિ. હાથનો કોળિયો હાથમાં જ રહ્યો. નંદબાબાની નજર કૃષ્ણ ઉપર પડી. બાબાએ જોયું કે કનૈયો ખાતો નથી. પૂછ્યું, તું કેમ ખાતો નથી? કનૈયો કહે:-મારી વહાલી ગાયો ન ખાય તો મારાથી કેમ ખવાય? બાબા, મારી મા તથા ગાયો ત્યાં ભૂખ્યાં હશે. કૃષ્ણ યશોદામાને યાદ કરે છે. પ્રભુ સાથે પ્રેમ એવી રીતે કરો કે, પરમાત્મા તમને યાદ કરે. ભક્તિ એવી કરો કે ભગવાન તમને યાદ કરે. જીવને ભગવાન યાદ ન કરે ત્યાં સુધી જીવનું બંધન તૂટતું તથી. ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને તમારા વિના ચેન ન પડે. યશોદાજીનો પ્રેમ પણ એવો હતો. જે દિવસે કનૈયાએ ગોકુળ છોડયું, તે દિવસે યશોદાજીએ ખાધું નથી. ગાયોએ ખાધું નથી. પછી સાંજના વખતે રામકૃષ્ણે મથુરામાં પ્રવેશ કર્યો, તેઓ મથુરા જોવા નીકળ્યા. મહાદ્વારમાં શ્રીકૃષ્ણ પ્રવેશ કરે છે. રોજની આદત પ્રમાણે બાળકો કનૈયાની જય બોલાવે છે. કનૈયાલાલકી જય. મથુરાની સ્ત્રીઓને કાને આ શબ્દ પડયો. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે, એવી ભાવના વકતા શ્રોતા કરે તો, કથામાં બહુ આનંદ આવે છે. એક સ્ત્રી બાળકને ધવડાવતી હતી તેને છોડીને દોડી, છોકરો તો રોજનો છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૪
કૃષ્ણદર્શન કયાં રોજ થવાના છે? તે બાળકને મૂકીને દોડી. બાળક રડે છે. પણ સાંભળે કોણ? આવી રીતે તેઓ પોતાનાં કામો પડતા મૂકી મૂકીને દોડી, આવી તન્મયતા જોઇએ, દર્શનમાં તન્મયતા થાય એટલે આનંદ થાય, અને આવી આતુરતા જીવ કેળવે તો ઈશ્વર દર્શન આપે. મથુરાની સ્ત્રીઓ શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં અનેક વાતો કરે છે. આગળ ચાલતાં રસ્તામાં કંસ રાજાનો માનીતો ધોબી મળ્યો. તે કંસનાં કીંમતી કપડાંઓ લઇને જતો હતો. આ એ જ ધોબી હતો જેણે રામાવતારમાં જાનકી માતાની નિંદા કરેલી. તે નિંદા કરનારો મથુરામાં ધોબી થઈ આવ્યો છે. નિંદા એ નરક સમાન છે. કાળ માથા ઉપર છે, જીવ ગાફેલ છે. ધોબી પાસે શ્રીકૃષ્ણે કપડાં માંગ્યાં. ધોબી મૂર્ખ હતો. અકકડમાં બોલવા લાગ્યો. આ તમારું ગામડું ગોકુળીયુ નથી, આ તો શહેર છે. આ કપડાં તો કંસ રાજાના છે. તમે તો શું, તમારા બાપદાદાએ પણ આવાં કપડાં કદી જોયાં હતાં? લો બોલ્યા, કપડાં આપો. વધારે બોલશો તો કંસ રાજાના સિપાઇઓ પકડીને લઈ જશે. ગામડાંના ગમારો, જીવવાની ઈચ્છા હોય તો અહીંથી તરત ચાલ્યા જાઓ. બળદેવજીથી આ સહન થયું નહિ, કનૈયા, આને મરણકાળનો સન્નિપાત થયો લાગે છે. તું એને માર. મોટાભાઇએ હુકમ કર્યો, એટલે ધોબીના મુખ ઉપર લપડાક મારી. તે મરી ગયો, ધોબીની આ દશા જોઈ તેની સાથેના સેવકો કપડાં મૂકીને નાસી ગયા. ઈશ્વરનો કાયદો છે કે જે ઇન્દ્રિયથી મનુષ્ય પાપ કરે તે ઇન્દ્રિયને ભગવાન સજા કરે છે, તે ઇન્દ્રિયને ભગવાન દુઃખી કરે છે. જે ઇન્દ્રિયથી પાપ કરો, તે ઈન્દ્રિયને અંતકાળે ભગવાન બહુ દુ:ખ આપે છે. જે વાણીથી પાપ કરે તેને અંતકાળે વાગદેવી દગો આપે છે. ધોબીએ મુખથી નિંદા કરેલી એટલે ધોબીના મુખ ઉપર લપડાક મારી અને માર્યો. ઇશ્વર સરળ સાથે સરળ છે. કુટિલ સાથે કુટિલ છે. જેનું મન પવિત્ર નથી તેનું મન અંતકાળે બહુ ગભરાય છે. કનૈયાને ચોરી કરવાની આદત પડી છે, કનૈયો ગોપમિત્રોને કહે છે. આ બધાં મારા કપડાં છે. તમે પોટલા છોડો. ગોપબાળકોની પોટલા છોડવાની હિંમત થતી નથી. કનૈયો ગોપમિત્રોને કપડાં આપે છે. બધાંને પિતાંબર આપ્યાં. બાળકો ખુશ થાય છે. કનૈયો જેને જે કપડાં આપે તેને તે બંધબેસતાં આવી જાય. આનંદથી તે બોલી ઉઠે છે કનૈયા, આ તો મને બરાબર બંધબેસતું આવી ગયું. કનૈયો મિત્રોના આનંદથી ખુશ થાય. મનમાં હસે કે કપડાં સીવનારા દરજી અદ્ભૂત છે ને એટલે કપડાં બંધબેસતા આવી ગયાં. આવો દરજી જગતમાં થયો નથી કે થવાનો નથી. કનૈયાની પ્રતિજ્ઞા હતી કે મારા મિત્રોને સારાં કપડાં પહેરાવીશ, પછી સારાં કપડા પહેરીશ.