પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
તેવામાં વાણિયાઓની દુકાને ઘરાક આવ્યા. તેઓ ધંધામાં લાગી ગયા. તે પછી ભગવાન પૂછે છે કે ધનુષયાગ તરફ જવાનો રસ્તો કયો? વાણિયાઓ કહે છે:-અમને ધંધો કરવા દો. આગળ કોઈને માર્ગ પૂછી લેજો. ભગવાન હસે છે કે કેવા સ્વાર્થી છે, લક્ષ્મી આપી એટલે મને પણ ભૂલી ગયા? આ બધું યાદ રાખો તો ભાગવત મરણ સુધારે છે. એવું ન માનો કે તક્ષક નાગ પરીક્ષિતને જ કરડવા આવેલો, તક્ષક નાગ બધાને કરડવાનો છે. સાત વારમાંથી તમારે માટે પણ એકવાર તો નકકી જ છે. તક્ષક નાગ-કાળ નોટિસ આપીને આવે છે. પણ કુદરતની આ નોટિસને કોઈ ધ્યાનમાં લેતું નથી. માથાના વાળ ધોળા થાય, દાંત પડવા લાગે, ત્યારે માનો કાળની સૂચના આવી ગઈ છે. આ કાળની નોટિસ આવી જાય એટલે, સર્વ ત્યજી ભગવાનને ભજવા લાગો. ચાર દિવસ યજ્ઞના પૂરા થયા છે. આજે પાંચમો દિવસ છે. આજનો દિવસ નિર્વિઘ્ને પૂરો થાય તો, કંસને આંચ ન આવે. ધનુષયાગનું સ્થાન પૂછતાં પૂછતાં ભગવાન ત્યાં આવ્યા છે. ધનુષ્ય ઉઠાવીને ધનુષ્યનો ભંગ કર્યો. રક્ષકોનો સંહાર કરી નાખ્યો. બ્રાહ્મણોએ કંસને કહ્યું, તમારો યજ્ઞ અધૂરો રહ્યો છે. ધનુષ્ય તોડી નાંખ્યું છે. આ બાળકો પ્રતાપી છે. તેમને રાજ્ય આપી, આપ ઈશ્વરનું ભજન કરો. કંસ, બાપને કેદમાં રાખીને રાજા થયો છે. એવો તે દુષ્ટ હતો. કંસ સેવકોને કહેવા લાગ્યો, અલ્યા મૂર્ખાઓ, તમને બોલવાનું ભાનબાન છે કે નહીં? હું જ રાજા છું. હું કોઈને રાજ્ય આપવા તૈયાર નથી. સૂર્ય અસ્ત થયો એટલે બાળકો નંદબાબા પાસે આવ્યાં, તેઓ જ્યારે મથુરા જોવા નીકળેલાં ત્યારે નંદબાબાએ કહેલું, કનૈયા આ ગોકુળ નથી. આ તો શહેર છે. અને કંસ તેનો રાજા છે માટે શહેરમાં તોફાન કરતાં નહિ. તેઓ આવ્યાં અને નંદબાબાએ પૂછ્યું કનૈયા, શહેરમાં તોફાન કર્યું નથી ને? કનૈયો કહે છે:- ના, બાબા, અમે કાંઇ તોફાન કર્યું નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૬
અમે શહેર જોવા નીકળ્યા એટલે રસ્તામાં લોકો મને પૂછતાં, તું કોનો પુત્ર? હું કહેતો કે હું નંદબાબાનો પુત્ર છું યશોદા મારી મા છે, યશોદા મા સરળ હતાં, બધાને યશ આપતાં, કોઈને અપયશ આપતાં નહીં યશોદાજીનો હું દીકરો છું, બાબા હું તમારો પુત્ર એટલે શહેરના લોકોએ અમને કપડાં આપ્યાં, અને પુષ્પમાળાઓ પહેરાવી, અમારો સત્કાર કર્યો. નંદબાબા ભોળા હતા. તેઓએ બધું સાચું માની લીધું, નંદબાબાએ માન્યું કે આ યાદવો મારા મિત્ર છે. આ યાદવોને ઘરે કોઈ પ્રસંગ આવે છે, ત્યારે આપવામાં હું કાંઇ કચાશ રાખતો નથી. મેં બધાને ખૂબ આપ્યું છે. આજ આટલાં વર્ષે મારા બાળકો મથુરા આવ્યાં એટલે યાદવો તેમને ભેટ સોગાદ આપે તેમાં શું નવાઇ? કનૈયો બાબાને કહ્યા કરે. બાબા અમે તમારા એટલે અમને માન મળ્યું છે. નંદજીનો પુત્ર ભાવના કાયમ રાખી છે. રાત્રે ભોજન કરવાનો સમય થયો, વ્રજવાસીઓ ખૂબ સામગ્રી લાવેલા, પણ કૃષ્ણને માતા યશોદા યાદ આવે છે. પોતાની ગંગી ગાય યાદ આવે છે. મારા વગર મારી ગાયોનું શું થતું હશે? તેઓ મારા વગર ખડ નહિ ખાતી હોય આ વિચારે શ્રીકૃષ્ણને ભોજન ભાવતું નથી. બીજે દિવસે પ્રાતઃકાળમાં દરબાર ભરાયો છે, કંસને મૃત્યુના ચિન્હો જણાવા લાગ્યાં. તેણે પોતાના મલ્લો ચાણૂર- મુષ્ટિકને બોલાવ્યાં. કંસે કહ્યું, આજે મલ્લયુદ્ધ વખતે તમે બળદેવ-કૃષ્ણને મારી નાંખજો. તેઓ ના પાડે તો પણ પરાણે કુસ્તીના અખાડામાં ઘસડી જજો. આ તરફ કૃષ્ણ-બળદેવ પણ નંદબાબા તથા ગોપમિત્રો સાથે ત્યાં આવ્યા. પહેલાં શ્રીકૃષ્ણ ઉપર કુવલયાપીડ હાથીને છોડવામાં આવે છે. પ્રભુએ લીલા કરી. કુવલયાપીડ હાથીને માર્યો. રંગભૂમિમાં શ્રીકૃષ્ણ પ્રવેશ કરે છે. ત્યારે તેઓ મલ્લોને વજ્ર જેવા, સામાન્ય પુરુષોને નવરત્ન જેવા,સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવ જેવા, ગોવાળિયાને સ્વજન જેવા, રાજાઓને શાસક જેવા, માતાપિતાની સમાન મોટા વૃદ્ધોને બાળક જેવા, કંસને મૃત્યુરૂપે, અજ્ઞાનીઓને વિરાટરૂપે, યોગીઓને પરમતત્ત્વ અને યાદવોને પરમદેવરૂપે જણાય છે. મલ્લાનામશનિર્નૃણાં નરવર: સ્ત્રીણાં સ્મરો મૂર્તિમાન્ ગોપાનાં સ્વજનોડસતાં ક્ષિતિભુજાં શાસ્તા સ્વપિત્રો: શિશુ: । મૃત્યુર્ભોજપતેર્વિરાડવિદુષાં તત્ત્વં પરં યોગિનાં વૃષ્ણીનાં પરદેવતેતિ વિદિતો રઙ્ગ ગત: સાગ્રજ: ।। ભા.સ્કં.૧0.અ.૪3.શ્ર્લો.૧૭. સર્વ લોકોને પોતપોતાનાં ભાવાનુસાર ક્રમશઃ-રૌદ્ર, અદ્ભુત, શ્રૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમભક્તિ રસનો અનુભવ થયો. જેવી જેની ભાવના તે પ્રમાણે દરેકે દર્શન કર્યાં, આજ પ્રમાણે રામચંદ્રજી જ્યારે જનકરાજાના દરબારમાં ધનુષ્ય ભંગ માટે પધારેલા, ત્યારે જેની જેવી ભાવના હતી તેવા તેમને તેઓ જણાયેલા. જિન્હ કી રહી ભાવના જૈસી । પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી ।