પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
અખાડામાં ચાણૂર-મુષ્ટિક મદિરાપાન કરીને બેઠા છે, પ્રભુએ પ્રવેશ કર્યો એટલે ચાણૂર બોલવા લાગ્યો, એય કૃષ્ણ! એય બળરામ! અહીં આવો. અમારા મહારાજને કુસ્તી જોવાનો શોખ છે. જેની જીત થાય તેને મહારાજ ભેટ આપવાના છે, કૃષ્ણ બોલ્યા:-રાજાને રાજી કરવા એ મારું કર્તવ્ય છે. પરંતુ અમે બાળક છીએ. બાળક સાથે બાળકની કુસ્તી શોભે. હું તમારી સાથે કેવી રીતે કુસ્તી કરી શકું? મદિરાપાનથી ઉન્મત્ત થયેલો ચાણૂર બોલવા લાગ્યો:-એ કાંઈ ચાલે નહીં તું બાળક શાનો? મોટા મોટા રાક્ષસોને મારનારા તું પહેલવાન છે. તમે કેવા બાળક છો, તે અમે જાણીએ છીએ. તમારા પરાક્રમ અમે સાંભળ્યાં છે, એમ કહી ચાણૂરે કૃષ્ણનો હાથ પકડીને અખાડામાં ખેંચ્યો, કૃષ્ણે કહ્યું:-અધર્મનું યુદ્ધ છે, ચાણૂરે કહ્યું, પરવા નથી. કૃષ્ણે કહ્યું:-છોડી દે મારો હાથ. મારો હાથ પકડવાની શી જરૂર છે? મારી માએ મને ખૂબ માખણ ખવડાવ્યું છે. તારી ઇચ્છા જ છે તો હું લડવા તૈયાર છું. ચાણૂર સાથે કૃષ્ણની અને મુષ્ટિક સાથે બળરામની કુસ્તી થાય છે. કંસના સેવકો કંસના કહેવા પ્રમાણે, મલ્લોને શૂરાતન ચડાવવા નગારાં વગાડે છે. કથા પાછળ થોડું રહસ્ય છે. સંસાર અખાડો છે, ચાણુરૂ એટલે કામ, મુષ્ટિક એટલે ક્રોધ, સંસાર અખાડામાં કામ ક્રોધ એ મહામલ્લો છે. તેમની સાથે કુસ્તી કરવાની છે. અનાદિ કાળથી તે જીવને મારતા આવ્યા છે. અત્યંત સાવધ રહેશો તો કામ, ક્રોધને મારી શકાશે. ગાફેલને કામ મારે છે.એક ક્ષણ પણ તમે ગાફેલ થશો, તો કામ છાતી ઉપર ચઢી બેસશે. મનુષ્યનો અવતાર કામનો વિનાશ કરવા માટે અને ક્રોધ ઉપર વિજય કરવા માટે છે. નંદબાબા ગભરાયા. કયાં મારો નાનો કનૈયો અને કયાં આ મોટા મલ્લો? આ મોટો પહેલવાન મારા કનૈયાને મારશે. શ્રીકૃષ્ણ પરમાત્મા છે. પણ નંદજીના બાળક છે. નંદનો વાત્સલ્યભાવ હતો. નંદે આંખો બંધ કરી. નંદબાબા રોજ નંદેશ્વર મહાદેવની (શિવજીની) પૂજા કરતા હતા. નંદબાબાએ તેની બાધા રાખી. હે નંદેશ્વર, મારા કનૈયાનું રક્ષણ કરો. ઘરે જઈને ૧૧ મણ લાડુ ધરાવીશ.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૭
પછી યાદ આવ્યું કે કુસ્તીના માલિક દેવ હનુમાનજી છે. હે હનુમાનજી! પ્રસન્ન થાઓ. મારા કનૈયાનું રક્ષણ કરો. તમને ૧૧ મણ લાડુ અર્પણ કરીશ. જય જય જય હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવકી નાઈ । કનૈયાએ જોયું કે બાબા ગભરાયા છે અને દેવોની બાધા રાખે છે. હવે કામ જલ્દી પતાવવું જોઈએ. ચાણૂરને ખાત્રી થઈ, આ બાળક નથી, પણ મારો કાળ છે. હવે નાસી જઈશ તો કંસ મને મારી નાંખશે. એના કરતાં હું કૃષ્ણને હાથે મરીશ. ગાફેલને કામ મારી શકે, પણ સાવધાન હોય તેને કામ મારી શકે નહિ. કૃષ્ણે કહ્યું, તું મને શું મારી શકે? હું સાવધાન છું. પ્રતિક્ષણ જે સાવધ હોય છે તે કામને મારે છે. શ્રીકૃષ્ણે ચાણૂરનો વધ કર્યો અને બળરામે મુષ્ટિકનો. કંસના યોદ્ધાઓ મર્યા, તેમ છતાં સેવકો તો આંખ મીંચીને જોરથી નગારાં વગાડયે જ રાખે છે. કંસ ગુસ્સે થઇ ગયો. સેવકોને કહેવા લાગ્યો. મૂર્ખાઓ! તમને કંઈ શરમ છે? મારા મોટા મોટા પહેલવાનો મરી ગયા. તમે વાજા શાનાં વગાડો છો? તમે નગારાં વગાડવાનું બંધ કરો. નગારાં વગાડનારાઓને ભૂલ સમજાઈ. નગારાં વગાડવાનાં બંધ કર્યા. કંસને મરણકાળનો બકવાટ ઊપડયો. બોલવા લાગ્યો અરે આ છોકરાઓને મારી નાંખો, નંદજીને કેદ કરો, વસુદેવનો વધ કરો. પ્રભુએ કુબ્જા ઉપર કૃપા કરી, પ્રભુએ અનુગ્રહ શક્તિ બતાવી. ચાણૂર-મુષ્ટિકને નિગ્રહ શક્તિ બતાવી. આ પ્રમાણે નિગ્રહ અને અનુગ્રહ શક્તિ બતાવી, પણ કંસને હજુ અક્કલ આવતી નથી. શ્રીકૃષ્ણને જોતાં કંસ ગભરાયો. મારો કાળ આવ્યો છે. શ્રીકૃષ્ણે તેના વાળ પકડ્યા અને કહ્યું, હું દેવકીનો આઠમો પુત્ર તને મારવા આવ્યો છું. શ્રીકૃષ્ણે તેના વાળ પકડી હલાવ્યો, અને જોરથી ભૂમિ ઉપર પછાડયો. કંસના પ્રાણ નીકળી ગયા. બધાને આનંદ થયો. માત્ર કંસની રાણીઓને દુ:ખ થયું. કનૈયો મામીઓ પાસે ગયો. કનૈયાને બધા નાટક કરતાં આવડે, મામીઓ સાથે તેણે પોક મૂકી, ઓ મારા મામા રે, મામીઓને શ્રીકૃષ્ણ સમજાવે છે. મામી, મામી, હું અગિયાર વર્ષે મારા મામાને મળવા આવ્યો પણ મામાનું હ્રદય બંધ થઇ ગયું. ઓ મારા મામા રે.