પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
મામીઓ ભાણેજને કહે છે:-કનૈયા, તું રડીશ નહિ. જે થવાનું હતું તે થઈ ગયું. કનૈયા, તારા મામા બાળહત્યાના પાપથી મર્યા છે. શ્રીકૃષ્ણ નિર્દોષ છે. ભાગવતમાં કંસની રાણીઓ ન્યાય આપે છે. શ્રીકૃષ્ણ પરમાત્મા છે. પરમાત્મા નિર્દોષ છે. શ્રીકૃષ્ણ તો કોઈને મારતા નથી. તે તો સર્વને તારે છે. સર્વને આનંદ આપે છે. મંદોદરીએ રામાયણમાં ન્યાય આપ્યો છે, રાવણને રામે માર્યો નથી. રાવણ તેના પાપે મર્યો છે. ઉપરની કથા પાછળ થોડું રહસ્ય છે. કંસના મિત્રોનો પરિચય કરીએ. ૧. કુવલયાપીડ હાથી એટલે દર્પ-મદ અને, મોહને શ્રીકૃષ્ણ મારે છે. ૨. ચાણૂર એટલે કામ. કામને કૃષ્ણે માર્યો, કામને પરબ્રહ્મ મારે છે. ૩, મુષ્ટિક એટલે ક્રોધ, ક્રોધને બલરામે માર્યો. કંસના આ મિત્રોથી સાવધ રહેજો. કંસ એ અભિમાન છે. કંસની રાણીઓનાં નામ સૂચક છે. કંસની રાણીઓનાં નામ છે અસ્તિ અને પ્રાપ્તિ. આખો દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો જ, જે વિચાર કરે તે કંસ. અસ્તિ એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું મેળવીશ. એમ આખો દિવસ પૈસાનું ચિંતન કરે એ કંસ. નીતિ અનીતિથી દ્રવ્યોપાર્જન કરી મોજશોખમાં વાપરવાની ઇચ્છા રાખે છે તે કંસ છે. સંસારસુખ ભોગવવાની જ જેની ઈચ્છા તે કંસ છે. સંસારી જીવ સંસારસુખ ભોગવવાના જ વિચારો કરે છે. બીજાને રડાવી આનંદ ભોગવે એ કંસ. ઉગ્રસેનને કેદમાં રાખીને કંસ રાજ્ય ગાદી ઉપર બેઠેલો. કંસ એવો દુષ્ટ હતો. પહેલાં એક કંસ હતો. આજે સમાજમાં ઘણા કંસ વધી ગયા છે. જીવ કામ, ક્રોધનો હંમેશા માર ખાતો આવ્યો છે. તેને જીતીને જીવનમાં સંયમ કેળવવાનો છે. શબ્દબ્રહ્મની ઉપાસનાથી ક્રોધ શાંત થાય છે, ક્રોધ મરે છે. પરબ્રહ્મની ઉપાસનાથી કામ શાંત થાય છે, કામ મરે છે. કંસનો ઉદ્ધાર કર્યો. દુષ્ટમાં દુષ્ટ પુરુષ પણ ભગવાનનું' નામ લેતાં લેતાં દેહત્યાગ કરે તો, તેનો ઉદ્ધાર થાય છે. પરમાત્મા સાથે સંબંધ જોડો તો પરમાત્માને તમારા પર પ્રેમ થાય. સંબંધ વિના સ્નેહ થતો નથી. ગામમાં ઘણાને તાવ આવે છે, પણ આપણે તેની ખબર કાઢવા જતા નથી. સંબંધ વિના લાગણી થતી નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૭
પરમાત્મા સાથે કોઇપણ સંબંધ જોડો. સંબંધ વગર રહેશો નહિ. પરમાત્માના કોઈ સ્વરૂપને ઈષ્ટદેવ માની તે ઈષ્ટદેવ સાથે સંબંધ જોડો. ગામમાં કોઇને તાવ આવશે, તો તેનો સંબંધી મળવા આવશે. લૌકિક વ્યવહારમાં પણ સંબંધ વગર લાગણી થતી નથી. કોઈપણ રીતે ઈશ્વર સાથે સંબંધ જોડવાની ખાસ જરૂર છે. લોકો ધનવાન, વિદ્વાન સાથે સંબંધ જોડે છે. પણ ઇશ્વર સાથે જે સંબંધ જોડે છે, તેને બધું મળે છે. એક જ પરમાત્માના અનેક સ્વરૂપો છે. શ્રુતિ એમ વર્ણન કરે છે, ઈશ્વર એક જ છે. ઇશ્વરનાં સ્વરૂપો અનેક છે. વંદન પૂજન દરેક દેવનું કરો, પણ ધ્યાન એક જ દેવનું કરો. સર્વનુ વંદન પૂજન કરો. પણ સર્વનું ધ્યાન ન કરો. ધ્યાન એકનું જ કરો, એક જ વિષયમાં મન ચોંટેલું રહે તો ધ્યાન શક્તિ વધે છે. એક જ સ્વરૂપનું ધ્યાન કરવાથી મન તે સ્વરૂપમાં સ્થિર થાય છે. કંસ વેરથી કૃષ્ણનું ધ્યાન કરતો હતો. પરંતુ ધ્યાન કરતો હતો એક કૃષ્ણનું જ. કંસ રાજાએ કૃષ્ણ સાથે વેરથી સંબંધ જોડેલો. કંસ ભલે વેરભાવથી પણ સતત ચિંતન કૃષ્ણનું કર્યું તેથી ભગવાને તેને મુક્તિ આપી. ઇશ્વરના મારમાં પણ પ્યાર હોય છે. ઇશ્વર જેને મારે છે, તેને પણ તારે છે. કંસને મારતા નથી. કંસને સદ્ગતિ આપી છે. ભગવાન વેરીને સદ્ગતિ આપે, તો પ્રેમી ભગવાનનું સ્મરણ કરે, સેવા કરે, તેને સદ્ગતિ ન આપે? વસુદેવ-દેવકીને વંદન કરવા શ્રીકૃષ્ણ કારાગૃહમાં આવ્યા છે. કારાગૃહમાંથી વાસુદેવ-દેવકીને છોડાવે છે. માતાપિતાને હાથે પગે બેડીઓ છે. સેવકોને બેડી તોડવાના સાધનો લાવવામાં વાર લાગી, શ્રીકૃષ્ણ પોતાના દાંતો વડે માતાપિતાની બેડીઓ તોડી નાંખે છે. વસુદેવ-દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા. સંપત્તિ ગઈ. સંતતિ ગઇ, પણ પદે પદે ભગવાનના નામનું રટણ કરે છે. તો બંધનમાં પડેલાને-સંસારરૂપી કારાગૃહમાં પડેલાને, વસુદેવ-દેવકીની જેમ, શ્રીકૃષ્ણ મુક્ત કરે છે. તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. ધ્યાનથી તન્મયતા થાય છે. વસુદેવ-દેવકીએ અગિયાર વર્ષ ધ્યાન કર્યું. ધ્યાન વગર સાક્ષાત્કાર થતો નથી. ધ્યાન કર્યા વગર પ્રભુનાં દર્શન થતાં નથી. આજે અગિયાર વર્ષ પછી કનૈયો મળ્યો છે. પ્રેમ શાસ્ત્રના કાયદા જુદા છે. માતાપિતાનું હ્રદય ભરાયું છે. બોલવાની ઈચ્છા છે પણ બોલી શકતાં નથી. એકબીજાને પ્રેમથી નિહાળે છે. એક અક્ષર કોઇ બોલી શકતું નથી, એ વખતે પરમાત્માએ ધૈર્ય ધારણ કર્યું છે અને બોલ્યા છે; ચાર પુરૂષાર્થો સિદ્ધ કરી આપનાર આ માનવ શરીર છે. એવું આ શરીર માતાપિતા આપે છે. આપ મારા અપરાધની ક્ષમા કરો. હવે હું આપને છોડીને નહીં જાઉં. તે પછી કનૈયાને હાથી ઉપર બેસાડી ગામમાં ફેરવવામાં આવે છે.