પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભગવાન ઉદ્ધવને કહે છે:-ઉદ્ધવ! હું કેમ દુ:ખી છું તે પૂછનાર મથુરામાં તમે એક મળ્યા. હું ગોકુળમાં હતો ત્યારે મારી મા મને મનાવીને ખવડાવતી હતી. ઉદ્ધવ! તમને શું કહું? દેવકી-વાસુદેવ મારા માતાપિતા છે. પરંતુ મારા સાચા માતાપિતા ગોકુળમાં છે. તે મને યાદ આવે છે. ઉદ્ધવ! મારી ગાયો મને યાદ આવે છે. મારા ગ્વાલ મિત્રો મને યાદ આવે છે. અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે આ ગ્વાલબાલો મારી પ્રતીક્ષા કરતા હતા. તેઓ પોતાના ઘરેથી જે કાંઈ લઈ આવે તે પ્રથમ મને પ્રેમથી ખવડાવે, તે પછી કુમળા પલ્લવોની પથારી કરી મને તેના ઉપર સુવડાવે, મારી ગાયોને સાચવે ઉદ્ધવ! આ બાળકોને હું ભૂલી શકતો નથી. ઉદ્ધવ! મારી સખીઓ મને યાદ આવે છે. મારી મા યશોદા મને યાદ આવે છે. ઉદ્ધવ! જ્યારે કાલિયનાગને નાથવા હું યમુનાના ધરામાં કૂદી પડયો ત્યારે મારી ગાયો રડતી હતી. હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે જ ગાયોને આનંદ થયો. ઉદ્ધવ! વ્રજની એ ગાયો મને યાદ આવે છે. ઉદ્ધવ! વૃંદાવનની એ પ્રેમભૂમિ છોડીને હું અત્રે આવ્યો છું તેથી આનંદ નથી. અહીં તો તમે બધાએ મને રાજા બનાવ્યો છે. ઉદ્ધવ! મથુરામાં મને બધા વંદન કરે છે. સર્વ લોકો મને માન આપે છે. મને મથુરાનાથ કહે છે, પણ કોઇ મારી સાથે પ્રેમથી વાતો કરતું નથી. મને કોઈ પ્રેમથી બોલાવતું નથી. લોકોએ મને મથુરાનો રાજા બનાવ્યો પણ વ્રજ મારાથી ભૂલાતું નથી. મારી માનો પ્રેમ અત્રે કયાં છે? ઉદ્ધવ! આ કૃષ્ણ, પ્રેમનો ભૂખ્યો છે. તેને બીજી કોઇ વસ્તુની અપેક્ષા નથી. ઉદ્ધવ! મને માનની ભૂખ નથી, પ્રેમની ભૂખ છે. જીવ ઉપર પરમાત્મા પ્રેમનો વરસાદ વરસાવે છે. આ જીવ લાયક નથી હોતો તેમ છતાં પરમાત્મા તેને પૈસો અને પ્રતિષ્ઠા આપે છે. જીવ દુષ્ટ છે પણ પરમાત્મા દયાળુ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૪
આપણા પાપના પ્રમાણમાં ભગવાન આપણને બહુ ઓછી સજા કરે છે. મનુષ્ય આંખ અને મનથી વારંવાર પાપ કરે છે, તે બધા પાપની જો ભગવાન સજા કરે તો મનુષ્યને પીવા માટે પાણી પણ ન મળે. છતાં દુઃખની વાત એ છે કે એવા પરમાત્મા ઉપર જીવ પ્રેમ કરતો નથી. કહે છે હું ઇશ્વરને માનતો નથી. ઉદ્ધવ! યશોદાનો પ્રેમ મને મથુરામાં મળતો નથી. હું ન ખાઉં ત્યાં સુધી મારી મા ખાતી ન હતી. ઉદ્ધવ! મારા માટે આ મથુરામાં છપ્પન ભોગ બનાવે છે, પરંતુ દરવાજો બંધ કરીને કહે કે આરોગજો. હું તેમ આરોગતો નથી. ઉદ્ધવ! તને શું કહું? ગોકુળ છોડીને મથુરામાં આવ્યા પછી મારા ભોગ મરી ગયા છે. મને કોઇ પ્રેમથી ન મનાવે ત્યાં સુધી હું ખાતો નથી. હજારવાર મને કોઇ મનાવે છે, ત્યારે એક કોળિયો હું ખાઉં છું. ઉદ્ધવ! અત્રે છપ્પન ભોગ બને છે પણ મને આનંદ નથી. એટલે જ્યારે હું અત્રે ભોજન કરવા બેસું છુ ત્યારે મારી મા મને યાદ આવે છે. મથુરામાં મારે માટે છપ્પન ભોગ બનાવે છે. પરંતુ કોઈ મને પ્રેમથી આરોગાવતા નથી. વ્રજમાં મારી મા મને વારંવાર મનાવી, સમજાવીને જમાડતી હતી. ઉદ્ધવ! મથુરામાં હું છપ્પન ભોગને નિહાળું છું પણ આરોગતો નથી. ઉદ્ધવ! આ કૃષ્ણ ભોગનો ભુખ્યો નથી. પ્રેમનો ભૂખ્યો છે. ગોકુળમાં જે આનંદ હતો તે મથુરામાં નથી. ઉદ્ધવ! મને વ્રજવાસીઓ યાદ આવે છે. હું વ્રજને ભૂલી શકતો નથી. મારી મા, મારી ગોપીઓ, મારી ગાયો સર્વને છોડીને હું આવ્યો છું. મારી વહાલી ગોપીઓ મને યાદ કરતી હશે. મારી ગાયો દુ:ખી હશે. ઉદ્ધવ! આ વ્રજ ભૂલાતું નથી. મને વ્રજ વારંવાર યાદ આવે છે. ઉદ્ધવ જ્ઞાની છે. પણ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કેવો છે તે જાણતા નથી. જે જ્ઞાન ગુરુકૃપાથી મળેલું હોતું નથી તે જ્ઞાનમાં વિવેક આવતો નથી. જેને જ્ઞાન પ્રયત્નથી જ મળ્યું છે, ગુરુકૃપાથી, પ્રુભુકૃપાથી મળ્યું નથી તેને અભિમાન આવે છે. ઉદ્ધવનું જ્ઞાન આ પ્રકારનું હતું. તેથી ઉદ્ધવ ભગવાનને ઉપદેશ આપે છે. ઉદ્ધવ કહે છે:-આપ નાના હતા ત્યારે વ્રજમાં ગોપબાળકો સાથે બહુ રમતા હતા, તેમ મેં સાંભળ્યું છે. પરંતુ હવે તો તમે મથુરાના રાજા થયા છો. હવે ગામડાના ગોવાળો સાથે રમવાનો વિચાર પણ કરશો નહિ. એ વ્રજવાસીઓને ભૂલી જાવ. એ ગોકુળને ભૂલી જશો તો જ મથુરાની રાજસંપત્તિમાં આપને આનંદ મળશે. તો જ મથુરાના ઐશ્વર્યમાં તમને આનંદ આવશે. જ્ઞાનાભિમાનને કારણે ઉદ્ધવને ભાન નથી, કે તે કોને ઉપદેશ આપે છે.