પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
નંદ-યશોદા વ્યાકુળ થઇને રડે છે. શ્રીકૃષ્ણનું વારંવાર સ્મરણ થાય છે. રોજનો આ ક્રમ હતો. કનૈયાની વાતો કરે અને રડી પડે. કોઇ બહુ આગ્રહ કરે ત્યારે કંદમૂળ ખાય. નંદયશોદા આંગણામાં બેઠા હતાં. કૃષ્ણલીલાના સ્મરણમાં તન્મય હતાં, તે સમયે એક કાગડો આંગણામાં આવ્યો. કાગડો કા કા બોલે છે. કાગડાની વાણીને શુકન જાણી યશોદા કહે છે, મને લાગે છે કે આજે મથુરાથી કોઈ આવશે. મને લાગે છે કે કનૈયો આજે આવશે મને કહી ગયો હતો કે હું આવીશ. પ્રેમમાં પાગલ થયેલા યશોદા કાગડાને કહેવા લાગ્યાં, કાગડા! મારો કૃષ્ણ આવવાનો છે, તેથી તું કા કા કરે છે. મારો કનૈયો આવશે તો તારી ચાંચ સોનેથી મઢાવીશ. તને મિષ્ટાન્ન ખવડાવીશ. કૃષ્ણ આવે છે, તેવો શબ્દ મને કોઇ કહેશે, તો હું તેની જન્મોજન્મ સેવા કરીશ. કાગડા! કહે મારો કનૈયો આવશે? આ બાજુ ઉદ્ધવ રથમાં બેસી વિચાર કરતાં કરતાં ધીરે ધીરે આવે છે. મથુરાની ભૂમિ પૂરી થઇ, ઉદ્ધવે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો. વ્રજનાં પશુપક્ષીઓ દિવ્ય છે. પક્ષીઓ પણ રાધાકૃષ્ણનું કીર્તન કરે છે. વ્રજભૂમિ, એ પ્રેમભૂમિ છે. વ્રજભૂમિ સાત્ત્વિકભૂમિ છે. વૃંદાવનનાં પશુ, પક્ષીઓ, વૃક્ષો દિવ્ય છે. વૃંદાવનનો મહિમા કોણ વર્ણવી શકે? શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી, ગ્વાલ બાલો મથુરા જવાના માર્ગ ઉપર બેસી રહી, રોજ કનૈયાની પ્રતીક્ષા કરતા. મને લાલાએ કહ્યું, છે કે, હું આવીશ. સાંજ પડે તેમ છતાં શ્રીકૃષ્ણ ન આવે, એટલે રડતાં રડતાં ઘરે જાય. આજે નહીં તો કાલે આવશે, એમ વિચારે. રોજનો આ ક્રમ છે. એક દિવસ ગ્વાલબાલો આ પ્રમાણે બેઠા હતા. શ્રીદામા, મધુમંગલ, જે કનૈયાના ખાસ મિત્રો હતા, તે પણ તેમાં હતા. આજે તો દૂરથી રથ આવતો દેખાયો. બાળકોએ મનથી વિચાર કર્યો, અમારો કૃષ્ણ આવતો હશે. બાળકો રથ પાસે દોડતાં દોડતાં આવ્યાં. પણ ઉદ્ધવ રથમાંથી નીચે ઉતર્યા નહીં, અરે! આ કૃષ્ણ નથી. આ બીજો કોઈ લાગે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૧૮
મારો કૃષ્ણ હોય તો તે રથમાંથી કૂદી પડે. આમ બેસી ન રહે. આ કોઈ અભિમાની લાગે છે. ઉદ્ધવજી તો બાળકોને જોયાં છતાં રથમાં બેસી રહ્યા હતા. ગ્વાલ બાલો રથને ઘેરીને ઊભાં છે. ઉદ્ધવે કહ્યું, તમારા શ્રીકૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું, શ્રીકૃષ્ણ આવવાના છે. બાળકો કહે છે:-હે ઉદ્ધવ! કનૈયો સુખી થાય, એટલે અમે સેવા કરતાં હતાં. અમને લાગતું ન હતું કે તે આવો નિષ્ઠૂર થશે. ઉદ્ધવ! કૃષ્ણ વગર અમારી એક ક્ષણ પણ જતી નથી. આ બધું ખાવા દોડે છે. બધું સૂનું સૂનું લાગે છે. બંસીઘાટ સૂનો સૂનો, જમુના તીર, ઉદ્ધવજી! કનૈયા વગર આ વૃંદાવન સૂનું છે. ઉદ્ધવ! તે અહિં હતો ત્યારે અમારી સાથે ઘણો પ્રેમ કરતો, અને હવે અમને ભૂલી ગયો છે. ઉદ્ધવજી! કનૈયાને કહેજો, આ ગોવર્ધનનાથ તેને યાદ કરે છે. ઉદ્ધવ! વ્રજ ઉજ્જડ થયું છે. ઉદ્ધવજી! કહો, શ્રીકૃષ્ણ કયારે આવશે? બાળકોએ ઉદ્ધવજીને કહ્યું, કે આ માર્ગથી તમે રથ લઈ જાવ, ઉદ્ધવજી! તમે આવ્યા તેથી સારું થયું, મારે એક સંદેશો કહેવો છે પરંતુ તમે જલદી નંદબાબાને ત્યાં જાવ. નંદ-યશોદા કનૈયાની પ્રતિક્ષા કરે છે. તમે ત્યાં જાવ, અમે પછી ત્યાં આવીશું. ઉદ્ધવજીનો રથ નંદબાબાના આંગણામાં આવ્યો, તે સમયે યશોદા પાગલ થઇ કાગડા સાથે ઉપર જણાવ્યા પ્રમાણે વાતો કરતાં હતાં. નંદબાબા આંગણામાં બેઠા હતા. રથને દૂરથી જોતાં, કનૈયો જ આવ્યો છે એમ માન્યું. કનૈયો આવ્યો જાણી મડદામાં પ્રાણ આવ્યા. પ્રેમમાં તન્મય થયેલા નંદ દોડતા આવ્યા. યશોદાને કહ્યું, અલી આપણો કનૈયો આવ્યો. કનૈયો આવ્યો. પતિ-પત્ની, મડદામાં પ્રાણનો સંચાર થયો હોય, તેમ દોડતાં દોડતાં રથ પાસે આવ્યાં છે. કનૈયાને જોવા માટે, નંદજીએ આંખો ઉઘાડેલી, પણ રથમાં કનૈયો દેખાયો નહિ. આ બીજો બેઠેલો દેખાય છે. આ મારો કૃષ્ણ નથી. આ મારો કૃષ્ણ નથી. કૃષ્ણ કૃષ્ણ કહેતાં, નંદજીને ત્યાં જ મૂર્છા આવી છે. આંખો બંધ કરી કૃષ્ણ કૃષ્ણ બોલતા નંદજી મૂર્છામાં પડયા છે. ઉદ્ધવને આશ્ર્ચર્ય થયું. આ લોકો કૃષ્ણ કૃષ્ણ કેમ બોલતા હશે? આ લોકો કેમ રડતાં હશે? આ કાંઈ સમજાતું નથી. નંદબાબાને મૂર્છા કેમ આવી, તે ઉદ્ધવ કાંઈ સમજી શક્યો નહિ. યશોદાજીએ ધૈર્ય રાખી રડતાં રડતાં દાસીઓને કહ્યું:-આ કોઈ મોટા ઘરનો મહેમાન લાગે છે. તેમનું સ્વાગત કરો. ઉદ્ધવનું સ્નાન થયું. ભોજન થયું, ઉદ્ધવને જમાડી દાસીઓ, તેને માટે પથારી તૈયાર કરે છે. નંદબાબા પાસે ઉદ્ધવની પથારી થઈ છે. દાસીઓ આવી અને મૂર્છામાં પડેલા નંદજીના કાનમાં કહ્યું, બાબા! કનૈયાનો ખાસ મિત્ર તમને મળવા આવ્યો છે. કનૈયો શબ્દ કાનમાં પડયો. નંદબાબાએ આંખો ઉઘાડી છે, ઉદ્ધવે કહ્યું, તમારા કનૈયાનો મિત્ર હું ઉદ્ધવ. તમને મળવા આવ્યો છુ. લાલાએ સંદેશ મોકલ્યો છે. તે સાંભળી નંદબાબા બેઠા થયા છે. ઉદ્ધવે પ્રણામ કર્યાં. નંદબાબાએ તેનું સ્વાગત કર્યું.