પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉદ્ધવ! લાલાને પૂછજે, મેં કાંઈ અપરાધ કર્યોં છે એટલે તે આવતો નથી? હા, એકવાર મેં તેને ખાંડણિયા સાથે બાંધ્યો હતો, એટલે તો તે રિસાયો નથી ને? એ કોઇ દિવસ મને યાદ કરે છે કે? ના, ના, એની મા તો દેવકી છે. હું નહીં, હું તો લાલાની ધાવ છું, દેવકી મા છે. ઉદ્ધવ! દેવકીજીને કહેજે, તેમને કોઈ નોકરની જરૂર પડે, ત્યારે આ યશોદાને દાસી તરીકે ઘરમાં રાખે. હવે કૃષ્ણ વિયોગમાં મને મારશો નહિ. કનૈયો જયાં હોય ત્યાં મને લઇ જાવ. ઉદ્ધવ! તને પુણ્ય લાગશે. એમ બોલતાં બોલતાં યશોદાજી રડવા લાગ્યાં. ઉદ્ધવ! કનૈયાને બાંધ્યો તેથી તે રિસાયો છે? હવે કેમ અત્રે આવતો નથી? ઉદ્ધવ! હું નારાયણને મનાવું છું કે ભલે ગોકુળમાં ન આવે, અમારો કનૈયો જ્યાં હશે, ત્યાં સદા સર્વદા આનંદમાં રહે. એવં નિશા સા બ્રુવતોર્વ્ર્યતીતા નન્દસ્ય કૃષ્ણાનુચરસ્ય રાજન્ । ગોપ્ય: સમુત્થાય નિરૂપ્ય દીપાન્ વાસ્તૂન્ સમભ્યર્ચ્ય દધીન્યમન્થન્ ।। ભા.સ્કં.૧0.અ.૪૬.શ્ર્લો.૪૪. ઉદ્ગાયતીનામરવિન્દલોચનં વ્રજાઙ્ગનાનાં દિવમસ્પૃશદ્ ધ્વનિ: । દધ્નશ્ર્ચ નિર્મન્થનશબ્દમિશ્રિતો નિરસ્યતે યેન દિશામમઙ્ગલમ્ ।। ભા.સ્કં.૧0.અ.૪૬.શ્ર્લો.૪૬. ઉદ્ધવજીએ કહ્યું:-મા! શ્રીકૃષ્ણ તમને યાદ કરે છે, તમારા લાલાએ તમને પ્રણામ કહ્યા છે. એ જાતે જ આવવાના હતા. પરંતુ મથુરાનો રાજ્યકારભાર બધો જ એમના હાથમાં હોવાથી, એ આવી શકયા નથી. મને કહ્યું, કે હું મથુરામાં આવીને ફસાયો, ઉદ્ધવ! તું જા. મા! શ્રીકૃષ્ણ આવશે, નંદ-યશોદા સાથે વાતો કરતાં ઉદ્ધવનું અર્ધું જ્ઞાનાભિમાન ઉતરી ગયું. જેને પારણામાં, કદંબના ઝાડ ઉપર, ઝાડના પાનમાં, ઘરના પાત્રમાં પણ પ્રભુ, શ્રીકૃષ્ણ દેખાય એને બ્રહ્મ વ્યાપક છે, એવો ઉપદેશ હું કેવી રીતે આપું? કારણ કે બ્રહ્મનો વ્યાપક સ્વરૂપનો એ મન, બુદ્ધિથી સર્વત્ર અનુભવ કરે છે. એવી રીતે લાલાની વાતો કરતાં કરતાં, રાત કયારે પૂરી થઇ તેની ખબર પડી નહીં. બ્રહ્મમુહૂર્તમાં ગોપીઓ ઊઠે છે,
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૦
સ્નાન કરે છે અને પ્રાતઃકાળે દધિમંથન કરે છે, કૃષ્ણકીર્તન કરતાં કરતાં આંખો ભીની બને છે. ઉદ્ધવજીએ કહ્યું, મા! હું યમુનામાં સ્નાન કરીને આવું, મારે સખીઓને સંદેશો પણ કહેવો છે. આજ્ઞા લઇ ઉદ્ધવજી સ્નાન કરવા જાય છે. દધિમંથન કરતાં કરતાં સખીઓ કૃષ્ણલીલા ગાય છે. ઉદ્ધવજી તે સાંભળે છે. આશ્ર્ચર્ય થયું, જેનો કંઠ મધુર, જેની વાણી મધુર એનું તન કેવું હશે? ઉદ્ધવજીને હજુ ગોપીઓનાં દર્શન થયાં નથી. બ્રહ્મમુહૂર્તમાં શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં આ લોકોનાં હ્રદય પીગળે છે. ધન્ય છે આ વ્રજભક્તોને. વ્રજમાં કહેવત છે. વ્રજમાં ગયા પછી ઉદ્ધવ વ્રજમેં સીધો ભયો હૈ ઉદ્ધવનો જ્ઞાનગર્વ જતો રહ્યો ઉદ્ધવ ઊલટો હતો, તે સીધો થયો. ઉદ્ધવનું જ્ઞાન ભક્તિ વગરનું હતું તેથી શ્રીકૃષ્ણે તેને વ્રજમાં મોકલ્યો હતો. ઉદ્ધવને આનંદ થયો છે, નંદબાબાનો પ્રેમ કેવો છે, યશોદા તો પ્રેમની મૂર્તિ છે. આ બાજુ ગોપીઓનો નિયમ હતો કે દધિમંથન કર્યા પછી ઘરમાંથી બહાર નીકળે. નંદબાબાના મહેલને જોઇ વંદન કરે. નંદબાબાના આંગણામાં નંદ, નંદનને પ્રણામ કરે છે આજે તે પ્રમાણે પ્રણામ કરતાં આંગણામાં રથ જોયો. આંગણામાં રથને જોતાં અક્રૂરનો પ્રસંગ યાદ આવ્યો, એક ગોપી બોલી, અરે સખી, પેલો અક્રૂર પાછો આવ્યો લાગે છે.આપણા પ્રાણને તે તો લઈ ગયો છે, હવે શા માટે પાછો આવ્યો હશે? લલીતા કૃષ્ણ વિરહમાં વ્યાકુળ થઈ, કૃષ્ણ કૃષ્ણ બોલવા લાગી, ત્યારે વિશાખા કહે છે:-અરી સખી, કૃષ્ણ તો સ્વાર્થી છે, કપટી છે. હવે મથુરાનો રાજા થયો છે. તું શ્રીકૃષ્ણને ભૂલી જા. ઘરના કામમાં મન લગાડી, સંસાર વ્યવહારનું ચિંતન કર. લલિતાએ કહ્યું:-હું જેમ જેમ શ્રીકૃષ્ણને ભૂલી જવા પ્રયત્ન કરં છું, તેમ તેમ તે વધારે યાદ આવે છે. ગઇ કાલે હું કૂવા ઉપર જળ ભરવા ગઇ હતી. ત્યાં એકાએક કનૈયાની મધુર વાંસળીનો અવાજ મારે કાને પડયો. મને થયું, આ વાંસળીનો અવાજ કયાંથી આવે છે? કોણ વાંસળી વગાડે છે? મેં નજર કરી, તો લાલાને ઝાડની ડાળ ઉપર બેઠેલો જોયો. લાલાને જોઈ હું તો એવી પાગલ થઇ ગઇ, કે દેહનું ભાન રહ્યું નહીં. ઘડાને દોરી બાંધવાની હતી. અરી સખી, તને શું કહું, મેં ઘડાને બદલે મારા બાળકને દોરી બાંધી. ઘડાને બદલે, મેં બાળકને કૂવામાં નાંખ્યો, મને તો ભાન નહિ. પરંતુ લાલાએ તે જોયું. ઝાડ ઉપરથી તેણે કૂદકો માર્યો. આવીને મને કહે, અરી બાવરી ગોપી, તું આ શું કરે છે? લાલાએ મારા બાળકને બહાર કાઢયું. બાળક હસવા લાગ્યો, કનૈયો આવીને મારા ઘર સુધી મૂકી ગયો. હું શ્રીકૃષ્ણને ભૂલવા પ્રયત્ન કરું છું, તો પણ તે ભૂલાતો નથી.