પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉદ્ધવ! હવે આ હૈયામાં બીજા કોઇ માટે, બિલકુલ જગ્યા રહી નથી. ચાલતાં ફરતાં, દિવસે જાગતાં, રાત્રે સૂતાં સ્વપ્નમાં હ્રદયમાંથી એ શ્યામની મૂર્તિ, એક પળ પણ ખસતી નથી. નાહીન રહ્યો હિયમેં ઠૌર । નંદ નંદન અછત કૈસે આનિયે ઉર ઐર ।। ચલત ચિતવત દિવસ જાગત, સ્વપન સોવત રાત । ત્રદયતેં વહ શ્યામ મૂરતિ, છિન ન ઈત ઉત જાત ।। શ્યામ ગાત સરોવર આનન, લલિત ગતિ મૃદુ હાસ । સૂર એસે રુપ કારન, ભરત લોચન પ્યાસ ।। ઉદ્ધવ! તને શું કહીએ? અમને રાસલીલાનો અનુભવ કરાવ્યો અને હવે અમને વિસારી દીધી. ઉદ્ધવ! તેને કહેજે, કે આવા નિષ્ઠુર કેમ થયા છો? ઉદ્ધવજી કહે છે:- શ્રીકૃષ્ણ તમને યાદ કરે છે, તે નિષ્ઠુર નથી. ગોપીઓ કહે છે:-ઉદ્ધવ! તને શું કહીએ? કૃષ્ણ કેવા છે, તે તને ખબર નથી.શ્રીકૃષ્ણના અસલી સ્વરુપનું તને જ્ઞાન થયું હોત, તો તેને છોડી, અત્રે આવત નહીં. તું શ્રીકૃષ્ણને બરાબર જાણતો નથી. ઉદ્ધવ! સાચું કહું, તને આ બ્રહ્મજ્ઞાનની વાત કરી, તેણે તને ભરમાવ્યો છે. ઉદ્ધવ! કનૈયો કેવો છે, તે અમે જાણીએ. ઉદ્ધવ! શ્રીકૃષ્ણને છોડીને તું આવ્યો, તેથી મને લાગે છે, કે તને અસલી સ્વરૂપનાં દર્શન થયાં નથી. જેને તેનાં અસલી સ્વરૂપના દર્શન થાય, તે એક ક્ષણ પણ તેને છોડી શકે નહીં. ઉદ્ધવ! કહે, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? ઉદ્ધવ! આ અનાથ વ્રજને તે સનાથ કયારે કરશે? ગોપીઓ પ્રેમમાં પાગલ બની છે. ત્યાં એક સખીને ઝાડમાં શ્રીકૃષ્ણનો અનુભવ થયો. જઈને ઝાડને આલિંગન આપે છે, આ મારા શ્રીકૃષ્ણ છે. ઉદ્ધવ વિચારે છે, આને વૃક્ષમાં પણ શ્રીકૃષ્ણ દેખાય છે. ઉદ્ધવને લાગ્યું, કે હું વ્યાપક બ્રહ્મનું રટણ-ચિંતન કરતો હતો, પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ થયો નથી. વ્યાપક બ્રહ્મનો અનુભવ, તો આ ગોપીઓ કરે છે. જો કે તેઓ તત્ત્વજ્ઞાન જાણતી નથી. ઉદ્ધવને લાગ્યું, વેદાન્ત ગોખીને આવ્યો હતો, પણ વેદાંતનો અનુભવ તો આ નંદ, યશોદા અને ગોપીઓ કરી રહ્યાં છે. તેમને પારણામાં, ઝાડ ઉપર સર્વમાં શ્રીકૃષ્ણ દેખાય છે. જ્ઞાન હોવું એ એક વાત છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૨
પણ તે જ્ઞાનને જીવનમાં ઉતારવું અને તેનો અનુભવ કરવો, એ જુદી વાત છે. મારું જ્ઞાન તો શુષ્ક હતું. હું બુદ્ધિથી ફ્કત માનતો કે બ્રહ્મ સર્વમાં વ્યાપક છે. પણ તેનો અનુભવ કર્યો ન હતો, નંદ-યશોદા-ગોપીઓ આ સિદ્ધાંતનો અનુભવ કરી રહ્યાં છે. સખીઓ કહે છે, ઉદ્ધવ! તું આવ્યો તે સારું થયું. તું રાધાજીનાં દર્શન કરવા ચાલ. સખીઓ ઉદ્ધવને રાધાજીનાં દર્શન કરાવવા લઈ જાય છે. સખીઓનાં મંડળમાં શ્રીરાધાજી બિરાજેલાં છે, અતિ સાત્વિક, દિવ્ય તેજ મુખ ઉપર છે. સાદો શ્રૃંગાર, નવ વર્ષની અવસ્થા, પ્રેમની મૂર્તિ, જગતને આનંદ આપનાર, શ્રીકૃષ્ણને પણ આનંદ આપનાર, શ્રીરાધાજીને ઉદ્ધવ પ્રણામ કરે છે. રાધાજીનું સ્વરૂપ દિવ્ય છે. પણ શ્યામસુંદરના વિયોગથી, શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયેલું હતું. મન વ્યાકુળ અને વ્યથિત હતું. મસ્તક ઉપર વાળ સુકા અને વિખરાયેલા હતાં.ચંદ્ર જેવું મુખ કરમાઇ ગયેલું હતું. મુખમાંથી વેદનાભરી આહ નીકળી રહી હતી. આંખો આંસુઓથી ભરેલી હતી, અને શરીર ઉપરનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં. આ પ્રમાણે તેના દુઃખની વેલી પૂર્ણરૂપથી ફાલી રહી હતી. મધુપ કિતવબન્ધો મા સ્પૃશાઙૂઘ્રિ સપત્ન્યા: કુચવિલુલિતમાલાકુઙકુમશ્મશ્રુભિર્ન: । વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદં યદુસદસિ વિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમીદૃક્ ।। ભા.સ્કં.૧0.અ.૪૭.શ્ર્લો.૧૨. સુખકર કાંટા હુઆ તન, થા બિકલ બેહાલ મન । બાલ બિખરે શુષ્ક થે મુરજા હુઆ થા વિધુ-વદન ।। મુખ નિકલતી આહ થી, થી આંખ આંસુસે ભરી । વસન અસ્તવ્યસ્ત થે, થી દુખલતા પૂરી હરી ।। રાધાજી પૂછે છે:-ઉદ્ધવ! તું કોનો સંદેશો લાવ્યો છે ? ઉદ્ધવ! તું કયા કૃષ્ણનો સંદેશો લાવ્યો છે, તે જ સમજ પડતી નથી. મારા શ્રીકૃષ્ણ તો અહીં જ છે. શ્રીકૃષ્ણ તો મારી પાસે જ છે. મને તેનો વિયોગ થયો નથી. રાધાજી ચિંતનમાં તન્મય થયાં છે. તેમને અંતરમાં સંયોગ છે. ઉદ્ધવ, ફરીથી વંદન કરે છે અને કહે છે:-હું મથુરાથી આવ્યો છું. શ્રીકૃષ્ણ આવવાના છે. શ્રી રાધાજી:-ઉદ્ધવ! તું મારા સ્વામીનો સંદેશ લઈને આવ્યો છે એમ ને? તેઓ જરૂર આવવાના છે એમ કહેવડાવ્યું છે. પણ ઉદ્ધવ, તારા આ સંદેશથી મને શાંતિ મળતી નથી. વિરહી જ વિરહના દુઃખને જાણે. રામબાણ વાગ્યાં હોય તે જાણે. ઉદ્ધવ! મને શાંતિ મળતી નથી. એવું કોઈ શાસ્ત્ર નથી, એવો કોઈ ઉપદેશ નથી. જે મને શાંતિ આપી શકે. જગતનો એવો કોઈ મંત્ર નથી કે જેથી તેને હું એક ક્ષણ પણ ભૂલી શકું. હું તો સતત કૃષ્ણને ભજું છું. કૃષ્ણને નિહાળુ છું અને કૃષ્ણનું ધ્યાન કરૂં છું.