પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ઉદ્ધવ! હું તને શું કહું? એકવાર મિત્રો સાથે સંતાકુકડી રમતા હતા. રમતમાં શ્રીદામા એની પાછળ પડયો તેથી તે આ કુંડમાં આવીને સંતાયા, તેથી આ કુંડને અમે દામાકુંડ કહીએ છીએ. ત્યાંથી દોડતા દોડતા તે મારે ઘરે આવ્યા, મને કહે,અલી, શ્રીદામા મારી પાછળ પડયો છે, મને તે શોધી કાઢશે, તો મારે ઘોડી બનવું પડશે. મને તું સંતાડી દે. મેં કનૈયાને ગોદમાં લીધો અને મારી સાડીના પાલવમાં સંતાડી દીધો. રોજ જયારે આડી પડું છું, ત્યારે ભાસ થાય, કે મારા લાલાને મેં મારી ગોદમાં સંતાડયો છે. ઉદ્ધવ! રોજ પાગલ જેવી હું બેસી રહું છું. આ દિવ્ય લીલા સાંભળતાં, ઉદ્ધવજીની આંખમાંથી આંસુ નીકળ્યાં. ખરેખર બ્રહ્માનુભવનો અનુભવ ગોપીઓ કરે છે. શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે:-ગોલોક ધામમાં તમારો અને મારો નિત્ય સંબંધ છે. તમારો, મારો વિયોગ થઈ શકે નહીં. જ્ઞાનદ્રષ્ટિથી જોઈએ તો હું સર્વ વ્યાપક છું. એટલે તમને છોડીને ગયો નથી. હે ગોપીઓ, મારા વિરહમાં તમે સતત મારું ધ્યાન કરો, મારા સ્વરૂપમાં તન્મય થાવ, તે માટે મેં તમને વિરહનું દાન કર્યું છે. તમારાથી દૂર જવાનું આ જ કારણ છે. જો હું તમારાથી દૂર હોઉં, તો તમે હંમેશા મારું ધ્યાન કરો-સ્મરણ કરો. વિરહાવસ્થામાં ચિત્ત એકાગ્ર થાય છે, તેથી મારા સાન્નિધ્યનો તમે અનુભવ કરી શકો. આ અનાવરત ધ્યાન તમારા મનને નિત્ય મારી પાસે રાખશે. સંયોગમાં ચક્ષુદર્શન, વિયોગમાં માનસદર્શન. વિયોગમાં મનસંયોગ થાય છે. સાથે રહેતા પતિ કરતાં, પરદેશ ગયેલા પ્રિયતમમાં પત્નીનું મન નિશ્ર્ચલભાવથી લાગી રહે છે. ગોપીઓને વિશિષ્ટ યોગ, વિયોગ એ વિશિષ્ટ યોગ છે, તેનું દાન કરવા શ્રીકૃષ્ણ, તેમનાથી જુદા પડયા છે. ગોપીઓ! તમારો મારો વિયોગ થઇ શકે નહીં, હું તમારી પાસે જ છું. તમે તમારા સ્વરૂપને યાદ કરો, તમે ગોલોકની નિત્યસિદ્ધા ગોપીઓ છો. કોઇ વખત કૃષ્ણ વિરહમાં ગોપીઓ વ્યાકુળ થાય પણ ઉદ્ધવના સત્સંગથી ગોપીઓની ભક્તિ, દિવ્ય બની છે. તેમને ખાત્રી થાય છે, ના, ના, શ્રીકૃષ્ણ અમને છોડીને ગયા નથી, તે અમારી પાસે જ છે. પ્રેમલક્ષણા ભક્તિ, પાંચમો પુરુષાર્થ છે, ભક્તિમાં અભેદ સિદ્ધ થાય છે. જ્ઞાનમાં પણ અભેદ સિદ્ધ થાય છે. પરંતુ ભક્તિમાર્ગ સરળ છે. ત્યારે જ્ઞાનમાર્ગ અઘરો છે. રોજ પ્રભુને કહો, નાથ! હું તારો છું, પણ તમે મારા નથી. સમુદ્રના તરંગ છે, પણ તરંગને સમુદ્ર ન કહી શકાય. યશોદા, નંદબાબા અને ગોપીઓનો કૃષ્ણપ્રેમ જોઈ, ઉદ્ધવનો જ્ઞાનગર્વ ઊતરી ગયો. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે તેનું ભાન થયું, ઉદ્ધવને ખાત્રી થઇ, જ્ઞાન કરતાં પ્રેમ શ્રેષ્ઠ છે. ઉદ્ધવને ગોકુળ છોડવાની ઈચ્છા થતી નથી. ઉદ્ધવજી ગોકુળમાં ગયેલા ગુરુ થવા પણ ચેલા બનીને, ગોપીઓના ચેલા બનીને આવ્યાં. ઉદ્ધવ કહે છે, આવ્યો હતો ગુરુ થવા, અને ચેલો થઇને જાઉં છું. ઉદ્ધવ, ભગવાન પાસે, ગોપીઓ જેવી અનન્યા ભક્તિ માંગે છે. મારે બીજુ કાંઈ જોઈતું નથી, ફકત પ્રેમલક્ષણા ભક્તિ આપો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૪
ઉદ્ધવે છેવટે માંગ્યુ છે, કે ગોપીઓની ચરણરજનો સ્પર્શ થાય, એટલે વૃંદાવનમાં લતા, કે વૃક્ષ બનું. મહામુનિઓને પણ શોધવા યોગ્ય ભગવાનને ગોપીઓએ આ વિના પ્રયાસે પ્રાપ્ત કર્યા. એવી આ ગોપીઓની ચરણરજમાં સ્નાન કરી, હું ધન્ય બની જઇશ. આ વૃંદાવનમાં મને મનુષ્ય અવતાર ન મળે તો કાંઈ નહિ, પણ હું વૃક્ષ, લતા કે ઔષધિના છોડ તરીકે જન્મું તો પણ ઘણું છે. તો પણ હું કૃતાર્થ થઈશ. આ મારી પ્રાર્થના છે. ગોપીઓના સત્સંગમાં રહીને, ગોપીઓની આ જ્ઞાનોત્તર ભક્તિનો અનુભવ ઉદ્ધવને થયો છે. ઉદ્ધવને, પ્રેમલક્ષણા ભક્તિનું જ્ઞાન થયું છે. ઉદ્ધવ દરેકના ચરણમાં વંદન કરે છે. આજે ખાતરી થઈ, આ વ્રજવાસીઓ ધન્ય છે. કૃષ્ણવિરહમાં જીવનું વર્તન કેવું હોય, જીવનું જીવન કેવું હોય, તેનો આદર્શ, આ ગોપીઓએ જગતને બતાવ્યો છે. ઉદ્ધવને છેવટે જવાની આજ્ઞા આપી છે. ઉદ્ધવ જવા તૈયાર થયા છે. રાધાજીએ કહ્યું, ઉદ્ધવ! તારા મિત્રને, મારો સંદેશ કહેજે. ભગવાન જલદી ગોકુળમાં આવે અને ગોકુળને સનાથ કરે. ઉદ્ધવને કેટલીક ભેટો, શ્રીકૃષ્ણ માટે આપી છે. તે સમયે નંદ- યશોદા પણ ત્યાં આવ્યા છે, નંદ-યશોદાએ ઉદ્ધવને કહ્યું, અમારો આટલો સંદેશો લાલાને કહેજે. મનસો વૃત્તયો ન: સ્યુ કૃષ્ણાપાદામ્બુજાશ્રયા: । વાચોડભિધાયિનીર્નામ્નાં કાયસ્તત્પ્રહ્વણાદિષુ ।। કર્મભિર્ભ્રામ્યમાણાનાં યત્ર ક્વાપીશ્ર્વરેચ્છયા । મઙ્ગલાચરિતૈર્દાનૈ રતિર્ન: કૃષ્ણ ઈશ્ર્વરે ।। ભા.સ્કં.૧0.અ.૪૭.શ્ર્લો.૬૬.૬૭. ઉદ્ધવજી! હવે અમે એટલું જ ઈચ્છીએ છીએ, કે અમારા મનની એક એક વૃત્તિ, એક એક સંક૯પ, શ્રીકૃષ્ણના ચરણ કમલોનો જ આશ્રય કરીને રહે. તેની સેવા કરવા માટે ઊઠે અને તેમાં જ લાગી રહે. અમારી વાણી નિરંતર તેના નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેને પ્રણામ કરવામાં તેની આજ્ઞાનું પાલન કરવામાં અને તેની સેવામાં લાગી રહે. ઉદ્ધવજી! અમે સાચું કહીએ છીએ, કે અમને મોક્ષની પણ બિલકુલ ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છાથી, અમારાં કર્મોને અનુસાર જે કોઇ યોનિમાં અમારો જન્મ થાય. તે તે જન્મમાં અમે શુભ આચરણ કરીએ. દાન કરીએ અને તેનું ફળ અમને એ જ મળે, કે અમારા ઇશ્વર શ્રીકૃષ્ણમાં અમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જ રહે. સંદેશો કહેતાં નંદબાબા અને સર્વ ગોપગોપીઓ રડી પડયાં, નંદબાબાએ આટલું જ માંગ્યુ, આ શ્લોક ભાગવતનું હાર્દ બતાવે છે. આ બે શ્લોકો મારા પ્રિય શ્લોકો છે. વિષયોમાં વૈરાગ્ય આવે અને કૃષ્ણભક્તિ મળે તે માટે ઘણા મહાત્માઓ, આ શ્લોકોનો સંપુટ આપી આખા ભાગવતનો પાઠ કરે છે. ઉદ્ધવ! મારા કૃષ્ણને કહેજે કે મારું મન સદાસર્વદા શ્રીકૃષ્ણનું ચિંતન કરે.