Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૮

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

by Akash Rajbhar
Bhagavat ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૮

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

માનવકાયા –મથુરા, મથુરા બ્રહ્મવિદ્યાનો આશરો ભગવાનને લેવો પડયો. વૃદ્ધાવસ્થા કાળ સાથે તમારા શરીર ઉપર ચડાઈ કરશે તો તમારે પણ આ શરીર છોડવું પડશે. તો તે પહેલાં બ્રહ્મવિદ્યાને આશરે જજો. બ્રહ્મવિદ્યામાં-દ્વારકામાં કાળ (કાલયવન) અને વૃદ્ધાવસ્થા (જરાસંધ) પ્રવેશી શકતા નથી. બ્રહ્મનિષ્ટને કામભોગ, કાળ કે વૃદ્ધાવસ્થા પજવી શકતાં નથી. વૃદ્ધાવસ્થામાં મનુષ્ય સત્તર વખત માંદો પડે છે. પણ અઢારમી વાર છેવટે કાળ આવે છે એટલે મરે છે. જરાસંધનો ત્રાસ એટલે જન્મમરણનો ત્રાસ.જન્મ લીધો છે, એ દુ:ખ ભોગવવા લીધો છે. નરક કોને કહે છે ? શંકરસ્વામી કહે છે:-આ શરીર સાથે જે રમે છે, તે જ નરકવાસ. બીજો કયો નરકવાસ આવવાનો હતો? જન્મ ધારણ કરવો એ જ નરકવાસ. તેથી એવો પ્રયત્ન કરો કે, આ જન્મમરણનું દુઃખ જાય. કોઈના ગર્ભમાં જવાનો પ્રસંગ જ ન આવે. ભગવાનની પ્રેરણાથી કેટલાક મહાપુરુષો ભગવાનનું કાર્ય કરવા જન્મે છે, તે ઉત્તમ છે. પણ વાસનાના બંધનથી જન્મ મળે છે, તે બંધનરૂપ છે, તે જ નરકવાસ. જરાસંધ અને કાલયવન ધક્કા મારે અને મથુરા (આ શરીર) છોડીએ, એ કરતાં પોતે સમજીને મથુરા છોડીએ તે સારું છે. પ્રવૃત્તિ આપણને છોડે, તે કરતાં સમજીને પ્રવૃત્તિ છોડીએ તે સારું છે. કંસની રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પતિનું મૃત્યુ થયું, એટલે પિતાને ઘરે આવી. એના પિતાનું નામ જરાસંધ. જરાસંધે જયારે જાણ્યું કે મારી પુત્રીઓ વિધવા થઇ છે, અને શ્રીકૃષ્ણે કંસને મારી નાંખ્યો છે, ત્યારે તે ગુસ્સે થયો. અને તેણે મથુરા ઉપર ચઢાઈ કરી. આ પ્રમાણે સત્તર વાર જરાસંધ લડવા આવ્યો. અને કૃષ્ણબલરામે તેની સેનાઓનો નાશ કર્યો. તે પછી અઢારમી વાર કાલયવન અને જરાસંધ સંધિ કરીને આવ્યા છે. શ્રીકૃષ્ણે નિશ્ર્ચય કર્યો, હવે મારે મથુરામાં રહેવું નથી. હવે શાંતિથી આનર્તદેશમાં રહીશ.આનર્તદેશ એટલે હાલનું ઓખા મંડળ. હું આનર્તદેશમાં સમુદ્ર કિનારે રહીશ. વિશ્વકર્માને બોલાવ્યા. દ્વારિકાની રચના કરી. મોટા મોટા મહેલમાં બહાર નિકળવાના દરવાજા જલદી જોવામાં ન આવ્યા એટલે લોકો બોલવા લાગ્યા, દ્વાર કહાં હૈ, દ્વાર કહાં હૈ, એટલે તે નગરીનું નામ પડયું દ્વારિકા, કા એટલે બ્રહ્મ.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૭

ક શબ્દનો અર્થ ઉપનિષદમાં બ્રહ્મ કર્યો છે. જ્યાં પ્રત્યેક દ્વારે પરમાત્મા હોય, તેવી નગરી એ દ્વારકા. આ શરીરના દરેક દ્વાર ઉપર નાક, કાન, આંખ એમ દરેક ઇન્દ્રિય ઉપર પરમેશ્વરને પધરાવો. એટલે ત્યાં જરાસંધ અને કાલયવન પ્રવેશી શકશે નહિ અને પજવી શકશે નહિ. દ્વારિકામાં જરાસંધ અને કાલયવન પ્રવેશી શકતાં નથી. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે, તે કાલયવન ઉપર વિજય મેળવે છે. જરાસંધ પાછળ પડે, એટલે પ્રવર્ષણ પર્વત ઉપર જાવ. પ્રવર્ષણ પર્વત કયો? જ્યાં જ્ઞાનનો સતત વરસાદ પડે છે, તે પ્રવર્ષણ પર્વત. જરાસંધ લડવા આવે છે. પાછળ પડે છે. એટલે શ્રીકૃષ્ણ પણ પ્રવર્ષણ પર્વત ઉપર જાય છે. ભક્તિનો, કથાશ્રવણ વગેરેનો વરસાદ જ્યાં સતત પડતો હોય તે પર્વત પ્રવર્ષણ પર્વત. તમે પણ તમારા જીવનમાં એકાવનમાં વર્ષથી આવા પ્રવર્ષણ પર્વતોનો, ભક્તિનો આશરો લેજો. એકાવન,બાવનનો અર્થ એ છે કે હવે તમે ઘરમાં રહેવા લાયક નથી. હવે તમે વનપ્રવેશ કર્યો છે. એટલે વનમાં જાવ. વિલાસી લોકોના સંગમાં રહી, વિરક્ત જીવન ગાળવું કઠણ છે. જયાં ભક્તિ અને જ્ઞાનનો સતત વરસાદ પડતો હોય, એવી પવિત્ર ભૂમિમાં નિવાસ કરશો, તો જરાસંધના દુ:ખમાંથી છૂટી શકશો, ભોગભૂમિ ભક્તિમાં બાધક થાય છે માટે ઘર છોડી, ગંગાકિનારે પવિત્રભૂમિ ઉપર રહેવા જવું. શહેરમાં આજે જગ્યા મળતી નથી. બ્રાહ્મણોના મસ્તક ઉપર પાઘડી દેખાતી નથી. પાઘડી, મકાનના માથે ચઢી બેઠી છે. આ ડોસો, ડોસી ગંગાકિનારે રહેવા જાય તો, શહેરમાં થોડી જગ્યા તો થાય. જરાસંધનો ત્રાસ એ જન્મમરણનો ત્રાસ છે. હવે નિશ્ર્ચય કરો. મારે હવે પુરુષ થવું નથી. મારે સ્ત્રી થવું નથી. મારે હવે જન્મ જ લેવો નથી. જરાસંધના ત્રાસમાંથી છૂટવા માટે, જન્મમરણના ત્રાસમાંથી છૂટવા માટે રોજ ૨૧૦૦૦ નામજપ નિયમપૂર્વક કરો. જપ વિના પાપ અને વાસના છૂટતાં નથી. કથા સાંભળવાથી પાપ બળે છે. કથા માર્ગદર્શન પણ આપે છે. કથામાંથી કાંઈકે નિયમ લો. ભગવત ભક્તિનો નિયમ લો. નામજપનો નિયમ, કાંઇક ત્યાગ કરવાનો નિયમ કરો. નિશ્ચય કરો. ભાગવતની કથા સાંભળ્યા પછી, ભગવાન સાથે મારો સંબંધ થયો છે, તો હવે હું બ્રહ્મચર્ય પાળીશ. હવે હું ધ્યાન-જ૫ કરીશ.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More