પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
રૂકમણીનો પત્ર વાંચી શ્રીકૃષ્ણ પણ ડોલવા લાગ્યા. શ્રીકૃષ્ણ કેટલા સરળ છે, સ્પષ્ટ કહી દીધું. એ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા છે. તેમ મારી ઈચ્છા પણ, તે કન્યા સાથે લગ્ન કરવાની છે. જ્યારથી મેં સાંભળ્યું છે કે આ કન્યાના લગ્ન શિશુપાલ સાથે થવાનાં છે, ત્યારથી મને દિવસે ભૂખ અને રાત્રે નિંદ્રા આવતી નથી. જેવું મનમાં હોય, તેવું બોલો, મન વાણી અને ક્રિયામાં એક બને તેવી વ્યક્તિ શ્રીકૃષ્ણને ગમે છે. ભગવાને કહ્યું છે, કે મોહે છલ કપટ છિદ્ર નહિ ભાવા । રુક્મિણી શ્રીકૃષ્ણનાં આદ્યશક્તિ છે. તે શ્રીકૃષ્ણ વિના, બીજા સાથે લગ્ન કરી શકે નહિ. છતાં ભગવાને સ્પષ્ટ કહી દીધું. ભગવાને દારુક સારથિને રથ તૈયાર કરવા કહ્યું, સુદેવ બ્રાહ્મણને વંદન કરી શ્રીકૃષ્ણ રથમાં બેસે છે. રથમાં બેસતી વખતે, ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું.ગજાનનનો મંત્ર:-સુમુખશ્ર્વૈકદન્તશ્ર્ચ કપિલો ગજકર્ણક: । લંબોદરશ્ર્ચ વિકટો વિધ્નનાશો વિનાયક: ।। ધુમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચન્દ્રો ગજાનન: । દ્વાદશૈતાની નમાનિ ય: પઠેચ્છૂણૂયાદપી ।। આ મંત્ર બોલી ઘરથી બહાર નીકળો, તમને કોઇ વિઘ્ન નડશે નહિ. ભગવાન જગતને બોધ આપે છે, કે ઇશ્વર છું, મર્યાદા તોડતો નથી. મનુષ્ય મર્યાદા તોડે છે, એટલે દુ:ખી થાય છે. પરમાત્મા તમને વધારે સુખ આપે તો, ધર્મની મર્યાદા વધારે પાળજો. પણ મર્યાદા તોડશો નહીં. ભગવાને, પ્રથમ સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડયા. વિદ્વાન બ્રાહ્મણનું સન્માન કરો. લક્ષ્મીજી તમારા ઘરમાં નિત્ય રહેશે. પછી શ્રીકૃષ્ણ રથમાં બેઠા છે. અતિ આનંદ થાય છે. એક જ રાતમાં, વિદર્ભ નગરીમાં રથ આવ્યો. લોકોને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે. ત્યારે કહેવા લાગ્યા, રૂક્મિણી માટે લાયક વર તો આ જ છે. આ બન્ને લક્ષ્મીનારાયણ જેવા દેખાય છે. આ બાજુ સુદેવ બ્રાહ્મણ રૂક્મિણી પાસે જાય છે. પ્રાચીનકાળમાં રાજકન્યા પાસે કોઇ જઈ શકતું ન હતુ, પરંતુ બ્રાહ્મણ, વગર પૂછ્યે રાજકન્યા પાસે જઈ શકે છે. સુદેવ બ્રાહ્મણ હસતા હસતા આવ્યા. રૂક્મિણીએ પ્રણામ કર્યા. સુદેવે કહ્યું, બેટા! દ્વારકારનાથને લઇ આવ્યો છું. પ્રભુએ તારો સ્વીકાર કર્યો છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૧
રૂક્મિણી ફરી ફરી પ્રણામ કરે છે. સુદેવને કહે તમારી શું સેવા કરું? સુદેવ બ્રાહ્મણે કહ્યું, મારે કોઈ વસ્તુની જરૂર નથી. તારો જયજયકાર થાય, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. મેં જે કાર્ય કર્યું છે તે કોઈ વસ્તુ લેવા માટે નહીં. ખાલી હાથે સુદેવ ગયા છે, મારે કાંઈ લેવું નથી. રુક્મિણી વારંવાર તેમને વંદન કરે છે. રુક્મિણી વિચારે છે, કે પરમાત્મા પતિને મેળવી આપે તેને હું શું આપી શકું? હું જન્મોજન્મ તેમના ઋણમાં ૨હીશ. આ બાજુ શિશુપાલ, જરાસંધ વગેરે રાજાઓ સાથે કુંડિનપુર આવ્યો છે. શિશુપાલ વગેરે રાજાઓએ જાણ્યું કે શ્રીકૃષ્ણ આવ્યા છે. બધા રાજાઓ ગભરાયા. શિશુપાલ જરાસંધને કહે છે કે કૃષ્ણને ચોરી કરવાની આદત પડી છે. કયાંક મારી વહુને ચોરીને લઈ જશે તો? આ કન્યા સુંદર છે. તેને લઈ જાય તો મારું શું થશે? જરાસંધ કહે, તું શા માટે ગભરાય છે? અમે ફકત લાડવા ખાવા માટે આવ્યા નથી. અમે તારા માટે લડીશું. તે વખતે રુકમી ત્યાં આવ્યો છે. રુકમીએ કહ્યું, મેં એવો બંદોબસ્ત કર્યો છે કે મારી બહેન પાસે એક ચકલું પણ જઈ શકે નહીં. તે જયારે પાર્વતીના મંદિર પાસે જશે, ત્યારે સોળ કન્યાઓ અને મારા પહેલવાનો તેને ઘેરીને ચાલશે. છતાં કોઇ તોફાન થશે તો આપણે લડીશું. શિશુપાલને લાગ્યું, કે આવી વ્યવસ્થા છે તો કદાચ મારું લગ્ન થઇ જશે. આ બાજુ રુકમણીનું માંગલિક સ્નાન થયું છે. સ્નાન પછી શ્રૃંગાર થયો છે. શ્રૃંગાર થયા પછી રુક્મિણી તુલસીજીની પૂજા કરે છે, ત્યારબાદ માતાપિતાને વંદન કરે છે. માતાજી કહે છે, કે બેટા! તારું લગ્ન થવાનું છે. પાર્વતીના મંદિરે તું ચાલતી જાય, એ યોગ્ય છે. પિતાજીને વંદન કર્યા પછી, રૂક્મિણી માતાજીને ફરીથી વંદન કરે છે. માતાએ કહ્યું. બેટા! એક વખત તો મને પગે લાગી હતી, ફરીથી કેમ પગે લાગે છે? રૂક્મિણી કહે છે, કે મા! મને આશીર્વાદ આપ. માતાજીએ કહ્યું, બેટા! મારા તને આશીર્વાદ છે. રુક્મિણીએ વિચાર્યું, કે પાર્વતીના મંદિરે પૂજન કર્યા પછી, હું દ્વારકા જવાની છું. ઘરે આવવાની નથી એટલે માતાજીને ફરીથી વંદન કર્યા છે. ઘણા રાજાઓ રુક્મિણીને જોવા આવ્યા છે. રાજાઓ માતાજીનું સૌન્દર્ય જોવા ઈચ્છા કરે છે. પણ માતાજીનાં દર્શન થતાં નથી. રુક્મિણીજી પાર્વતીજીના મંદિરમાં આવ્યાં છે. રુક્મિણી પાર્વતીજીની પૂજા કરે છે પણ પાર્વતીની મૂર્તિમાં દેખાય છે દ્વારકાનાથ. આ છે અનન્ય ભક્તિ. રુક્મિણીએ ગણપતિ સાથે પાર્વતીની પૂજા કરી છે. પ્રાર્થના કરે છે. મા! હું રોજ પૂજા કરીશ પણ, શ્રીકૃષ્ણ મારા પતિ બને તેવું કરો. મારે પરમાત્મા સાથે પરણવું છે. પાર્વતીજીએ આશીર્વાદ આપ્યા છે.