પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. ખૂબ સત્કર્મ કરે, તો સ્વભાવ સુધરે. ખૂબ જપ-ધ્યાન કરો, તો સ્વભાવ સુધરશે. સત્સંગથી સ્વભાવ સુધરે છે. સત્સંગ એટલે કૃષ્ણનો સંગ, સાચા સંતોનો સંગ, સદ્ગ્રંથોનો સંગ. અક્રુરજી વંદન ભક્તિના આચાર્ય છે. પણ કુસંગથી તેની બુદ્ધિ બગડી અને સત્રાજીતને મારી નાંખવા શતધન્વાને ઉશ્કેર્યો. સત્સંગને ભક્તિની જરૂર છે અને ભક્તિને સત્સંગની જરૂર છે. સત્સંગ કરે, પણ પરમાત્માનું ભજન ન કરે, તો તે સત્સંગ કામનો નથી. પથ્થર નર્મદાજીમાં સ્નાન કરે છે, તેમ છતાં પીગળતો નથી. તેમ લોકો કથા સાંભળે પણ ભક્તિમાં રંગાયેલા ન હોય તો જીવન એવું ને એવું રહે છે. જીવન સુધરતું નથી. તું તારા મનને પહેલાં સુધાર. પછી દુનિયાને સુધારવા જજે. તમારા ચારિત્ર પરથી તમારા અંતરાત્માને સંતોષ થાય, તો માનવું કે સ્વભાવ સુધર્યો છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઇચ્છા ન થાય પાપ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન ન થાય અને શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ ન વધે, તો કથા સાંભળી નથી એમ માનજો. કથાની ભેટ છે:-પાપ છોડો, અને પ્રેમથી શ્રીકૃષ્ણનું ભજન કરો. ભાગવત સાંભળ્યા પછી એક ભગવાન સાથે જ લગ્ન કરો. દશમ સ્કંધના ઉતરાર્ધમાં ભગવાનના લગ્નની વાતો છે. તમે પણ તમારા જીવનની ઉત્તરાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં ફક્ત એક ભગવાન સાથે જ લગ્ન કરો. આ છે, તુલસી વિવાહનું રહસ્ય, ભગવાનનાં લગ્નોની કથાનું રહસ્ય. એક અધ્યાયમાં પછી, સોળ હજાર રાણીઓ સાથેની લગ્નની કથા સંભળાવે છે. ભૌમાસુરે ૧૬,૦૦૦ કન્યાઓ કેદમાં રાખેલી. ૧૬૦૦૦ કન્યાઓ એ વેદની ઋચાઓ છે.વેદના ત્રણ કાંડ અને લાખ મંત્રો છે. (૧) કર્મ કાંડ:-તેના ૮૦ હજાર મંત્રો. તે બ્રહ્મચારીઓ માટે. (૨) ઉપાસના કાંડ:-તેના ૧૬ હજાર મંત્રો. તે ગૃહસ્થાશ્રમીઓ માટે. (3) જ્ઞાન કાંડ:-તેના ૪ હજાર મંત્રો તે સંન્યાસીઓ અને વાનપ્રસ્થાશ્રમીઓ માટે. જે વિરક્ત છે, એને માટે વેદાન્તનું જ્ઞાન છે. જેનું જીવન વિલાસી છે, તે ઉપનિષદનું તત્ત્વજ્ઞાન સમજી શકતો નથી, ત્યારે ભાગવત સર્વ માટે છે. વેદોએ ઇશ્ર્વરના સ્વરૂપનું વર્ણન બહુ કર્યું, પણ ઇશ્વરનો પત્તો ન લાગ્યો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૩
તેથી આ વેદની ઋચાઓ-કન્યાઓ થઇને શ્રીકૃષ્ણને પરણવા આવેલી. વેદના મંત્રો કેવળ શબ્દરૂપ છે તેમ નથી. એક એક વેદમંત્રના ઋષિ અને દેવ છે. આ વેદમંત્રના દેવો તપશ્ચર્યા કરી થાકી ગયા પણ બ્રહ્મસંબંધ થયો નહીં. તેથી આ વેદમંત્રના દેવો કન્યાઓ રૂપે આવ્યા છે. વેદની ઋચાઓ સોળ હજાર કન્યાઓ બની. આજે ભગવાનની સેવા કરવા આવી. ગૃહસ્થાશ્રમધર્મનું વર્ણન વેદના સોળ હજાર મંત્રોમાં કરેલું છે. એટલે શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓ બતાવી છે. સોળ હજાર કન્યાઓને ભગવાને કેદમાંથી છોડાવી છે, કન્યાઓને કારાગૃહમાંથી છોડાવી, પરંતુ આ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી, એટલે જગતનો કોઈ પુરુષ તેમની સાથે લગ્ન કરવા તૈયાર થતો નથી. કન્યાઓ શ્રીકૃષ્ણ ભગવાનને શરણે આવી છે. ભગવાને વિચાર્યું, રામાવતારમાં ખૂબ મર્યાદાઓ પાળી. હવે આ અવતારમાં મર્યાદા પાળવી નથી. આ સોળ હજાર કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. આ વેદમંત્રોને ભૌમાસુરે કેદમાં રાખ્યા છે. ભૌમ એટલે શરીર. શરીર સાથે રમવામાં સુખ માને તે ભૌમાસુર. ભૌમાસુર કામી હતો. વિલાસી જીવ એ ભૌમાસુર. શરીર સાથે રમે તે ભૌમાસુર, જે શરીરસુખમાં રચ્યો રહે તે ભૌમાસુર. તેવા કામી જીવે આ રાજકન્યાઓને કેદમાં રાખેલી હતી એટલે કે અતિકામીના હાથમાં આ મંત્રો જાય તો તે, મંત્રોના અર્થનો અનર્થ કરી તેની દુર્દશા કરે છે. તેથી મંત્રોની દુર્દશા થાય છે. કામી લોકો પોતાની વાસના પૂર્ણ કરવા મંત્રોના અનર્થ કરે છે. વિલાસી લોકો વેદમંત્રનો અવળો અર્થ પોતાની વાસનાને પોષે તેવો, પોતાના લાભમાં કરે છે. આ વેદના મંત્રો કામીના હાથમાં જાય, તો તે તેનો દુરુપયોગ કરે છે. કામીના હાથમાં વેદમંત્રો જાય તો, તેનો અર્થ તે પોતાની ઇચ્છાનુસાર કરે છે. વેદનો તે અવળો અર્થ કરે છે. વિલાસી લોકો કહે છે કે ગીતામાં પણ ભગવાને મજા કરવાનું કહ્યું છે, તો શા માટે મજા ન કરવી? અને તેના અનુસંધાનમાં શ્લોક ટાંકે છે. સિદ્ધિં ભવતિ કર્મજા । તેનો સાચો અર્થ છે, કર્મોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને બદલે વિલાસી અર્થ કરે છે, કર મજા મજા કર. ખરેખર રીતે જોઇએ તો આ શ્લોકમાં અનાસકિતનો બોધ આપ્યો છે. સર્વસ્ય ચાહમ:-સર્વમાં હું ચા સ્વરૂપે છું, ચા મળે તો તે સ્મૃતિ નહિતર અપોહનં એટલે વિસ્મૃતિ. ગીતાના આ શ્લોકનો આવો અવળો અર્થ કરે છે. વેદનું તાત્પર્ય ભોગમાં નથી. ત્યાગમાં છે. વેદનો ત્યાગ ઈષ્ટ છે ભોગ ઈષ્ટ નથી. વેદને નિવૃત્તિ પ્રિય છે. વેદોનું તાત્પર્ય ભોગપરક નથી. નિવૃત્તિપરક છે. એકદમ પ્રવૃત્તિ છોડી શકાય નહિ. એટલે ધર્મની મર્યાદામાં રહી પ્રવૃત્તિ કરો. ધર્મની મર્યાદામાં રહી અર્થોપાર્જન કરો. ધર્મની મર્યાદામાં રહી કામસુખ ભોગવે તે ઈષ્ટ છે. મનુષ્ય પ્રવૃત્તિ છોડી શકતો નથી, તેથી કામસુખ ભોગવીને ત્યાગ તરફ વળે એવી વેદે આજ્ઞા કરી.