પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ભોગ ભોગવવાની આજ્ઞા આપવાની કાંઈ જરૂર હોય? ભોગ ભોગવી ધીરે ધીરે સંયમને વધારી ભોગનો ત્યાગ કરો. વેદનું કહેવું છે, વેદનું તાત્પર્ય ત્યાગમાં છે, ભોગ ભોગવવા માટે નથી. જીવને અનેક જન્મોના સંસ્કારથી ભોગ ભોગવવાની ટેવ પડી છે. જીવના મનમાં અનેક જન્મોના સંસ્કાર હોવાથી તે જલદી ત્યાગ કરી શકશે નહીં. નિવૃત્તિ લઈ શકશે નહી. તેથી વેદમાં કોઈ કોઈ ઠેકાણે પ્રવૃત્તિ બતાવી છે. વેદમાં સુરાપાન કરવાનું કહ્યું છે. તેનો અર્થ એવો નથી, કે સુરાપાન કરવું જોઈએ. મનુષ્ય પોતાનો એક સિદ્ધાંત નક્કી કરે છે અને પછી પોતાને યોગ્ય લાગે તેવો વેદનો અર્થ કરે છે. ગીતામાં પણ મુખ્ય અનાસક્તિ યોગનો બોધ છે. પણ અનેક લોકો જુદું જુદું કહે છે. કેટલાક લોક કહે છે, કે ગીતા એકલી કર્મપ્રધાન છે. કેટલાક કહે છે કે ગીતા ભક્તિ પ્રધાન છે. ત્યારે કેટલાક કહે છે ગીતા જ્ઞાનપ્રધાન છે. આ ત્રણે વર્ગોનું કહેવું યોગ્ય નથી. ગીતામાં જ્ઞાન અને ભક્તિને ગૌણ માન્યા નથી. ગીતામાં ત્રણેય પ્રધાન છે. શંકરસ્વામી ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેને પ્રધાન માને છે. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે ચિત્તશુદ્ધિ માટે કર્મ આવશ્યક છે. તે પછી ચિત્તની એકાગ્રતા કરવા માટે ઉપાસનાની જરૂર છે. કર્મ કરો, તે ભક્તિપૂર્વક કરો તો ચિત્ત એકાગ્ર થાય છે. ભક્તિ મનને એકાગ્ર કરે છે. ઉપાસનામાં મન એકાગ્ર થશે. ઈશ્વરમાં મન એકાગ્ર થાય, એટલે જ્ઞાન મળવાનું જ. જ્ઞાન એ પરમાત્માનો અનુભવ સિદ્ધ કરી આપે છે. ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સમન્વય છે. ગીતામાં ૧ થી ૬ અધ્યાયો કર્મયોગના. ગીતામાં ૭ થી ૧૨ અધ્યાયો ભકિતયોગના. ગીતામાં ૧૩ થી ૧૮ અધ્યાયો જ્ઞાનયોગના. આમાંથી કોને ગૌણ ઠરાવશો? કોઈને ગૌણ ઠરાવી શકાય તેમ નથી. જીવનમાં એ ત્રણેની જરૂર છે. શુકદેવજી વર્ણન કરે છે, તેવી રીતે વેદમાં સિદ્ધાંતો આપ્યા છે. કર્મ, શક્તિ, જ્ઞાન, આ ત્રણેમાંથી કોઈને ગૌણ ગણો એ ઈષ્ટ નથી. કેવળ પ્રવૃત્તિપરક અર્થ કરનાર કર્મને પ્રધાન ગણે છે. ગીતાને માત્ર કર્મપરક માનો તે ઈષ્ટ નથી. વિલાસીના હાથમાં વેદમંત્રો કે ગીતાજી જાય, પોતે પોતાની વિલાસી વાતોને અનુરૂપ અર્થ કરે છે. આ પ્રમાણે ભગવાનનાં લગ્નોની કથાનું વર્ણન કર્યા પછી એક અધ્યાયમાં ભગવાનની અનાસક્તિ બતાવી છે. સર્વ સાથે સ્નેહ કરો, પણ કોઇમાં આસક્ત ન બનો. વાસનાના ગુલામ ન બનો. રુક્મિણીને એક વખત થયું કે શ્રીકૃષ્ણ મારામાં આસક્ત છે. તેઓ મારે આધીન છે. ઉનાળાની ઋતુ હતી. રુક્મિણી સ્વામીનાથની સેવા કરે છે. સેવા કરતી વખતે રુક્મિણી પોતાની સુંદરતાનો વિચાર કરે છે. હું સર્વથી સુંદર છું. હું સર્વ રાણીઓમાં શ્રેષ્ઠ છું. શ્રીકૃષ્ણને મારામાં વધારે પ્રેમ છે, તેઓ મારામાં વધારે આસક્ત છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૪
સેવાનો અર્થ એ છે કે સેવ્ય શ્રીકૃષ્ણમાં આંખ અને મનને પરોવી રાખવાં. રુક્મિણી સેવા કરે છે શ્રીકૃષ્ણની, પણ ચિંતન કરે છે, પોતાના સૌન્દર્યનું. રુક્મિણીને આ પ્રમાણે ગર્વ થયો એટલે સેવામાં થોડો પ્રમાદ થયો. ભગવાન સમજી ગયા. ભગવાનને લાગ્યું આ રુક્મિણીને મારા કરતાં પોતાના સૌન્દર્યમાં અને શ્રૃંગારમાં અધિક પ્રેમ છે. ભગવાને આજે રુક્મિણીનો ગર્વ ઉતારવા નકકી કર્યું, શ્રીકૃષ્ણે રુક્મિણીને કહ્યું, દેવી! તમે અતિ સુંદર છો પણ તમારા સૌન્દર્યની કદર તો કોઈ રાજા મહારાજા કરી શકે. હું તો રહ્યો કેવળ ગોવાળ. સાધુઓએ મારા વખાણ કરી તમને ભોળવ્યાં. તમારું અને મારું કજોડુ થયું છે. તમે ગોરાં અને હું કાળો, તમે રાજકન્યા અને હું ગોવાળ છું. દેવી! મારું તમારું કજોડુ થયું છે. મોટાં મોટાં રાજાઓને છોડી, તમે મને શા માટે પરણ્યાં? મારા ઘરમાં તમને સુખ મળશે નહિ તમને ખરું કહું છું, કે મને કશા સુખની અપેક્ષા નથી. હું નિરપેક્ષ છું, હું ઉદાસીન છું. મારો આનંદ નથી સ્ત્રીમાં કે મને નથી સોનાની દ્વારકામાં. મને એકાંત પ્રિય છે, મને કોઈ સ્ત્રી પ્રિય નથી. દેવી! હજુ શું બગડી ગયું છે? હજુ તમે બીજા કોઇ રાજા સાથે લગ્ન કરી સુખી થાવ. મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. રુક્મિણીનો મનથી ત્યાગ કરે છે, તેવું રુક્મિણીને બતાવે છે. આ સાંભળી રુક્મિણી ગભરાયાં. નાથ! મારો ત્યાગ ન કરો. એમ કહેતાં મૂર્છા આવી. મૂર્છા ના કારણે જમીન ઉપર પડયાં. રુક્મિણીને ઊચકીને પલંગ પર સુવાડી, ભગવાન પંખો નાખવા લાગ્યા. શ્રીકૃષ્ણને બધા નાટક કરતાં આવડે. હવે રુક્મિણીને મનાવવા લાગ્યાં, દેવી હું તો મશ્કરીમાં બોલતો હતો, બાકી તું તો મને પ્રાણથી પણ પ્યારી છે. રૂક્મિણી સમજી ગયાં, કે મારું અભિમાન દૂર કરવા, પ્રભુએ આ લીલા કરી છે. હું માનતી હતી કે મારામાં શ્રીકૃષ્ણ આસક્ત છે, પણ આને કોઈમાં આસક્તિ નથી. રૂક્મિણી કહેવા લાગ્યાં. નાથ! તમે સાચું કહ્યું, કે મારું અને તમારું કજોડું થયું છે. કયાં હું અને કયાં તમે? મુર્ખાઓ મારું ભજન કરે છે અને જ્ઞાનીઓ તમારૂં ભજન કરે છે. મૂર્ખાઓ મારી પાછળ પડે છે અને જ્ઞાનીઓ તમારી પાછળ પડે છે. આજથી તમારા ઘરમાં મહારાણી તરીકે નહિ પરંતુ દાસી થઇને રહીશ. નાથ! આપે કૃપા કરી આ દાસીને સેવા કરવાની તક આપી છે. સંસારના જીવો કાળને આધીન છે. એવા જગતના જીવો સાથે કોણ લગ્ન કરે? મને તો તમારા ચરણની સેવા મળી છે. હું ધન્ય થઈ છું. સંસારનું લૌકિક સુખ ભોગવવાની ઈચ્છાથી મેં તમારી સાથે લગ્ન કર્યું નથી. આજથી હું તમારી રાણી નહિ પણ તમારી દાસી છું. રુક્મિણીમાં દૈન્ય આવ્યું. રુક્મિણીમાં અભિમાન હતું, ત્યારે ભગવાને કહ્યું કે તમારા માટે હું લાયક નથી. અભિમાન ગયું, ત્યારે રુક્મિણી કહે છે કે હું તમારા માટે લાયક નથી. હું રાણી નહીં પણ તમારા ઘરની સાવરણી છું. ત્યારે ભગવાન તેને ખૂબ માન અપવા લાગ્યા. જીવ સર્વ પ્રકારે દીન બની ઠાકોરજીને શરણે આવે, તો પરમાત્મા તે જીવને ખૂબ માન આપે છે.
 
			         
			         
                                                        