પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
આ અધ્યાયનો ભાવ દિવ્ય છે. સ્ત્રીને એ બાધક નથી. પણ સ્ત્રીમાં રહેલી આસક્તિ બાધક છે. પતિ પત્ની એક ઘરમાં રહે, એક બીજા પ્રત્યે પ્રેમ રાખે પણ એક બીજામાં આસક્ત ન બને. શુદ્ધ પ્રેમમાં વિકાર વાસના નથી. સેવા કરો ત્યારે આંખ અને મનને સેવ્યમાં પરોવી રાખો. આજે રુક્મિણી શ્રીકૃષ્ણની સેવા કરે છે, પણ મનથી ચિંતન કરે છે પોતાના શ્રૃંગારનું અને સૌન્દર્યનું, તેથી સેવામાં વિક્ષેપ પડયો, ભગવાને તેથી કહ્યું. દેવી! હું પૂર્ણ નિષ્કામ છું. તેથી તમારા સૌન્દર્યનાં વખાણ હું નહિ કરું. જેનો આનંદ આત્મા સિવાય કોઈ અન્ય વસ્તુમાં હોય તે સુખી થઈ શકતો નથી. જે અનાસક્તિનો ઉપદેશ ભગવાને ગીતાજીમાં કર્યો છે તે અનાસક્તિ તેમના જીવનમાં પરિપૂર્ણ છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણની અનાસક્તિ બતાવી છે. શ્રીકૃષ્ણ ભોગી છે અને ત્યાગી પણ છે. અનાસક્ત બુદ્ધિથી ભોગ ભોગવે તે, ભોગ બાધક નથી. ભગવાનને કોઇમાં આસક્તિ નથી ૧૬,૧૦૮ રાણીઓ હતી, સોનાની દ્વારિકા હતી, ત્યારે જે સ્થિતિ હતી તે જ સ્થિતિ આ બધાનો નાશ થયો ત્યારે પણ હતી. સોનાની દ્વારકા ડૂબ્યા પછી જ ભગવાન ઉદ્ધવને બોધ આપે છે. ઉદ્ધવ! આ જગત મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, સર્વ જગત ખોટું છે. આ ફકત કનૈયો જ સાચો છે. આ અનાસક્તિનો બોધ છે. ત્યાર પછી પરીક્ષિત રાજા પ્રશ્ર્ન કરે છે. મને ઉષા અને અનિરુદ્ધના લગ્નની કથા સંભળાવો. શુકદેવજી વર્ણન કરે છે. બાણાસુર મહાન શિવભક્ત છે. તેને ઉષા નામની કન્યા હતી. ઉષા સુંદર છે, ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધનાં દર્શન થયાં. સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે તેનાં લગ્ન થાય છે. ઉષા, હે નાથ! હે નાથ! કહી અનિરુદ્ધને બોલાવે છે. ઉષાની સખી હતી ચિત્રલેખા. ઉષાને ઉદાસ જોઇ ચિત્રલેખા તેની ઉદાસીનતાનું કારણ પૂછે છે. ઉષા તેને સ્વપ્નની હકીકત કહે છે. ચિત્રલેખા કહે છે, તું ચિંતા ન કર.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૩૫
જગતમાં તે પુરુષ જયાં હશે ત્યાંથી તેને ઉઠાવીને લઈ આવીશ. ચિત્રલેખા ચિત્રો દોરી દોરીને ઉષાને બતાવે છે. બોલ, તે પુરુષ આવો હતો? ઉષા ના પાડે છે. છેવટે ચિત્રલેખાએ અનિરુદ્ધનું ચિત્ર ચીતરી પૂછ્યું, તે પુરુષ આ હતો? ઉષા શરમાઈ જાય છે. ચિત્રલેખા દ્વારકા અનિરુદ્ધનું હરણ કરવા આવી છે. પણ દ્વારકાને ફરતો સુદર્શનનો પહેરો છે. ચિત્રલેખા વિચારમાં પડી. વિચાર્યું કાંઈ યુકિત કરવી પડશે. ત્યાં નારદજી મળ્યા. ચિત્રલેખાએ નારદજીને કહ્યું, આપ સાધુ છો, બીજાનું કામ સાધી આપે તે સાધુ, હું ચોરી કરવા જાઉં છું, તો તમે મારી સાથે ચોરી કરવા ચાલો. નારદજી પૂછે છે:-બહેન! તું કોની ચોરી કરવા જાય છે? ચિત્રલેખાએ કહ્યું-હું અનિરુદ્ધની ચોરી કરવા જાઉં છું. ચોરી રોજ કરો, પણ અનિરુદ્ધની કરો. અનિરુદ્ધ એ મનના માલિક દેવ છે. ચિત્રલેખા એ ચિત્રવિચિત્ર સંકલ્પ કરનારી બુદ્ધિ છે. અનિરુદ્ધ મનનું સ્વરૂપ છે. આ બુદ્ધિ અનિરુદ્ધ-મનને પકડવા જાય છે, પણ તે કયારે પકડી શકે કે જ્યારે, તેને નારદની મદદ મળે ત્યારે. નારદ એટલે બ્રહ્મચર્ય. બુદ્ધિ એ મનથી પર છે પણ બ્રહ્મચર્યનો સાથ હોય તો બુદ્ધિ મનને પકડી શકે છે. ખૂબ બ્રહ્મચર્ય પાળવાનો આગ્રહ રાખશો તો જ મન હાથમાં આવશે. નારદજી સુદર્શન સાથે વાતો કરવા પ્રયત્ન કરે છે. સુદર્શન કહે છે, મારે આખી રાત પહેરો ભરવાનો છે. મને અત્યારે વાતો કરવાની ફુરસદ નથી. નારદજી કહે છે, તું પહેરો ભરે છે તે ઠીક છે. પણ કોઇ વૈષ્ણવ આવે ત્યારે તારે સત્સંગ પણ કરવો જોઇએ. તું શું રક્ષણ કરવાનો હતો? રક્ષણ કરનાર તો એક શ્રીકૃષ્ણ છે. આ તારું અજ્ઞાન સત્સંગ વગર જશે નહિ. સુદર્શન! નારદજી સાથે વાતોએ વળગે છે. તકનો લાભ લઇ ચિત્રલેખાએ મહેલમાં પ્રવેશ કર્યો. પોતાની યોગવિદ્યાથી પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવીને ચિત્રલેખા લઈ જાય છે. ઉપરથી પુષ્પની માળા ગળામાં પડે છે. સુદર્શને ઉપર નજર કરી તો વિમાન જેવું જોયું. સુદર્શન નારદજીને પૂછે છે, મહારાજ, મહેલમાં કાંઈ ચોરી તો નથી થઈને? નારદજી કહે છે, તને ચોરીના જ વિચારો આવે છે. મને કથા કરવામાં વાંધો નથી પણ તારે તારા માલિકની આજ્ઞા છોડી, આ સત્સંગ કરવાની શી જરૂર છે ? તારે તારા માલિકની આજ્ઞા માનવી જોઇએ. કદાચ દ્વારકામાં ચોરી થઈ હોય તે હું જાણતો નથી, ચોરી થઈ હોય તો મારુ નામ દઇશ નહિ. હું જાઉં છું, નારાયણ, નારાયણ.Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ