પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
પોષ સુદ સપ્તમીને દિવસે સુદામા દ્વારકાનાથને મળવા ગયા. બહુ ઠંડી પડતી હતી. શરીર થરથર કાંપે છે. સુદામા સાત દિવસથી ભૂખ્યા છે. ભૂખને લઇને શરીર દુર્બળ થયું હતું, શરીર અશકત હતું. બે માઈલ ચાલીને સુદામા થાકી ગયા. સુદામા રસ્તામાં વિચાર કરતાં કરતાં જાય છે. મને દ્વારકાનાથના દર્શન થશે કે નહિ? દ્વારકા પહોચી શકીશ કે નહિ? એમ વિચારતા સુદામાને રસ્તામાં ચક્કર આવે છે. મૂર્છા આવી. આ બાજુ દ્વારકનાથને ખબર પડી કે મારો સુદામા મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપશ્ર્ચર્યા છોડી મારા ઘરે આવે છે. આવો તપસ્વી બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહિ તે મારા આંગણે આવે છે. તો ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું. તે ચાલતો આવે તે ઠીક નથી. ભગવાનને ચિંતા થઇ કે દુર્બળ અને અશકત દેહે તે દ્વારકા કેમ પહોંચશે? ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદામાને ઉઠાવીને દ્વારકામાં મૂકી દે. ગરુડ તે પ્રમાણે સુદામાને દ્વારકા લાવે છે. સુદામા મૂર્છામાંથી જાગે છે. લોકોને પૂછે, કે આ ગામનું નામ શું? લોકોએ જવાબ આપ્યો, દ્વારકા. શું આ દ્વારકા છે? તો તો દ્વારકા બહુ દૂર નથી. હું સવારે નીકળેલો તે અત્યારે દ્વારકા પહોંચી ગયો. સુદામાને ખબર નથી કે ગરુડજી તેમને ઊચકીને લાવ્યા છે. ભગવાન માટે વીસ ડગલા ચાલશો, તો ભગવાન તમારે માટે વીસ ગાઉ ચાલશે. સુદામા લોકોને પૂછે છે મને દ્વારકાનાથનો મહેલ કોઇ બતાવશે? મારે દ્વારકાનાથને મળવું છે. લોકો પૂછે છે તમારે શા માટે મળવું છે? સુદામા કહે છે, શ્રીકૃષ્ણ મારા મિત્ર છે. લોકો હસે છે. લોકોને આશ્ર્ચર્ય થાય છે. ફાટેલી પોતડી પહેરી છે. શરીરના હાડકાં દેખાય છે અને કહે છે હું દ્વારકાનાથનો મિત્ર છું. શ્રીકૃષ્ણને શું બીજો કોઈ ન મળ્યો કે આ દરિદ્રને મિત્ર બનાવ્યો. સુદામા ભગવતસ્મરણ કરતા, શ્રીકૃષ્ણના મહેલ પાસે આવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૧
આ કોઈ ભિખારી માગવા માટે આવ્યો છે, એમ જાણી તેમને મહેલમાં દાખલ થતાં અટકાવે છે. સિપાઇઓ કહેવા લાગ્યા, મહેલની અંદર જવાની મનાઈ છે. તમારે જે દક્ષિણા જોઇએ તે અમારી પાસે માંગી લો. અમને હુક્મ છે કે જે કોઈ ભિક્ષા માંગવા આવે તેને જે જોઈએ તે દક્ષિણા આપવી. આપ આજ્ઞા કરો. આપની શું સેવા કરીએ? સુદામા દ્વારપાળને કહે છે:-હું દ્વારકાનાથ પાસે માગવા આવ્યો નથી. હું તો દ્વારકાનાથને આપવા આવ્યો છું, હું તો મારા મિત્રને મળવા આવ્યો છું, મારે તો દ્વારકાનાથને મળવું છે. વિશુદ્ધ પ્રેમમાં લેવાની ભાવના થતી નથી. આપવાની ભાવના થાય છે. મારા શ્રીકૃષ્ણને મારે અર્પણ કરવું છે. દ્વારપાળો હસે છે. આ દરિદ્ર નારાયણને કોઈપણ વસ્તુની અપેક્ષા નથી? સુદામા કહે છે:-તમે કૃષ્ણને જઇને ખબર આપો. તમારો બાળ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. સેવક મહેલમાં આવ્યો અને શ્રીકૃષ્ણને વંદન કરી બોલ્યો, મહારાજ બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીર બહુ દુર્બળ છે, આંખો ઊંડી ઊતરી ગઈ છે, શરીરના હાડકાં દેખાય છે. એક પોતડી પહેરી છે. શરીરે દુર્બળ છે, પણ મુખ ઉપર દિવ્ય તેજ છે. અમે તેને કાંઇ આપીએ છીએ પણ તે લેતો નથી. કહે છે કે મારે સરકારનાં દર્શન કરવાં છે. કહે છે, કે હું સરકારનો મિત્ર છું, મારું નામ સુદામા છે. ત્રણ અક્ષર સુદામા ભગવાનને કાને પડયા. ભગવાન પલંગ ઉપરથી કુદ્યા અને દોડવા લાગ્યા. સુદામા વિચાર કરતા હતા હું તપસ્વી હતો, પણ મારા મનમાં અભિમાન હતું કે હું કોઈના ઘરે ન જાઉં, સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન ગયું છે. સુદામાની પોતડી ફાટેલી, હ્રદય ભોળું હતું, સુદામાના કપડાં મેલા છે, પણ કાળજુ અતિ શુદ્ધ છે. સુદામાનું હ્રદય અતિ શુદ્ધ છે. ભગવાન કોઈના કપડાં જોતા નથી. હ્રદય જુએ છે. જીવ જીવપણું છોડે છે, જીવપણું ભૂલી જાય છે, તો ઈશ્વર ઇશ્વરપણું છોડે છે. ઇશ્વરપણું ભૂલી જાય છે. પ્રભુ દોડતા સુદામાને મળવા આવ્યા છે. ભગવાન બુમ પાડે છે, કયાં છે? કયાં છે? મારો સુદામા કયાં છે? રાણીઓને આશ્ર્ચર્ય થયું, ઘણા મળવા આવી ગયા પણ આવા પાગલ કોઈ દિવસ થયા નથી. શ્રીકૃષ્ણ સુદામાને ભેટી પડે છે. સુદામાની દશા જોઈ શ્રીકૃષ્ણને અતિશય દુ:ખ થયું. મારા આવા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું તેને બદલે તે મારે ઘરે આવ્યો. મિત્ર, તું આવ્યો તે સારું થયું, સુદામાને થયું કે મને કનૈયાએ યાદ રાખ્યો છે. સંપત્તિમાં સાનભાન ભૂલે એ ઇશ્વર નહી. એ ઇશ્વર શાનો? રુક્મિણી ચરણ ધોવા જળ લાવે તે પહેલાં આંખના આંસુઓથી ચરણ પખાળે છે.પ્રેમની પરાકાષ્ટા બતાવવા નરોત્તમ કવિએ કહ્યું છે કે ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી, પરંતુ પોતાનાં અશ્રુઓના જળથી જ ભગવાને સુદામાના ચરણ પખાળ્યા છે. દેખિ સુદામાકી દીન દસા, કરુના કરકે કરુનાનિધિ રોયે । પાની પરાતકો હાથ છુયો નહિં, નૈનનકે જલસો પગ ધોયે ।।