પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
દેવકીજીએ કહ્યું:-મને કહેતાં શરમ આવે છે, મારા મનમાં એક વાસના રહી ગઈ છે, વાસના સૂક્ષ્મ રીતે અંતઃકરણમાં રહી જાય છે. મારાં જે બાળકોને કંસે મારી નાંખ્યાં છે તેને જોવાની મારી ઈચ્છા છે. એક વખત યશોદામાને કૃષ્ણે પૂછેલું, મા, તમારી કંઈ ઇચ્છા છે ? તે વખતે યશોદાજીએ કહેલું, મારી એક જ ઇચ્છા છે, તું ચોવીસે કલાક મારી પાસે રહે. મારી આંખ આગળથી દૂર ન થઈશ. હું તારાં દર્શન ચોવીસ કલાક કર્યા કરું. હું તને નિહાળું અને તું મને નિહાળે એ જ મારી ઈચ્છા. કયાં યશોદા અને કયાં દેવકી ? ઇચ્છા, ભક્તિમાં વિઘ્ન કરનારી છે. ઈચ્છા જ પુન:જન્મનું કારણ બને છે. પ્રભુ સુતળપાતળમાંથી પોતાના છ ભાઈઓને લઈ આવે છે. દેવકીજી તેમના દર્શન કરે છે. અંતે દેવકી માગે છે, તારા પિતાએ માગેલું તે જ હું માંગુ છું. મારું મરણ સુધરે. ઇશ્વર જેના પુત્ર છે, તેના માતાપિતાને પણ બીક લાગે છે કે મારું મરણ સુધરશે કે નહી. અંતકાળે મહાદુ:ખ થાય છે. જ્ઞાની મહાત્માઓને પણ બીક લાગે છે કે મરણ સુધરશે કે નહીં. પ્રતિક્ષણને સુધારે તેનું મરણ સુધરે છે. દેવકી-વસુદેવને દિવ્ય તત્ત્વજ્ઞાન સમજાવ્યું. જેના ઘરમાં સુભદ્રા હોય તે સુખી થાય છે. એટલે દશમ સ્કંધના અંતમાં વર્ણવ્યું છે સુભદ્રાહરણ. ભદ્ર એટલે કલ્યાણ, કલ્યાણ કરનારી વિદ્યા તે બ્રહ્મવિદ્યા, તે જ સુભદ્રા, અદ્વૈત બ્રહ્મવિઘા તેજ સુભદ્રા. બાકી શુકદેવજી કથાના સાતમા દિવસે, કે જે દિવસે પરિક્ષિતનું મૃત્યુ થવાનું છે તે દિવસે આ સુભદ્રાના લગ્નની વાત કરે ? તેના દાદીના અપહરણની વાત કરે? કરે જ નહિ. એટલે એ હકીકત બતાવે છે કે આ બ્રહ્મવિદ્યાની જ વાત છે. પણ સુભદ્રા મળે કયારે? અર્જુન સંન્યાસ લે છે ત્યારે એને સુભદ્રા મળે છે. અર્જુનને ચાર મહિના ખૂબ તપશ્ચર્યા કરાવીને શ્રીકૃષ્ણ તેને સુભદ્રા આપે છે. અર્જુન ત્રિદંડી સંન્યાસ લે છે. અઢાર કલાક રોજ ૐ કારનો જપ કરવાનો. આંખ ચંચળ થાય એટલે મન ચંચળ બને, ભોજન જેનું સારું હશે, તેનું ભજન સારું નહિ થાય. તેનાથી સારી રીતે ભજન નહિ થાય. અર્જુને ખૂબ તપ કર્યું, ભજન કર્યું એટલે ભગવાને દયા કરી તેને સુભદ્રા આપી. સર્વ કામનાનો ત્યાગ કરાવી, અર્જુનને સુભદ્રા આપી છે. બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ત્રિદંડી સંન્યાસી બનવું પડે છે. પરમાત્મા માટે સર્વ પ્રકારનું સુખ છોડવું તે સંન્યાસ છે. સર્વ પ્રકારનું સુખ ભોગવે અને ભક્તિ કરે તો ભગવાનને જલદી દયા આવતી નથી. સંસારસુખ મનુષ્ય છોડે અને ભક્તિ કરે તો ભગવાનને જલદી દયા આવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૫
તે પછી પરીક્ષિત રાજાએ પ્રશ્ર્ન કર્યો કે શબ્દરૂપ વેદ નિરાકાર વેદનું કેવી રીતે પ્રતિપાદન કરે છે? શુકદેવજી રાજાને વેદ સ્તુતિની કથા સંભળાવે છે. સૃષ્ટિના આરંભમાં શેષશૈયા ઉપર શયન કરનાર આદિ નારાયણની વેદો સ્તુતિ કરે છે. જેમ કોઈ સૂતેલા રાજાને મંગળગીત ગાઈને સેવકો જગાડે છે તેમ પરમાત્માને મંગલ ગીતથી વેદો જગાડે છે. વેદો કહે છે, તમારી જય હો, જય હો, વેદો પ્રભુનો જયજયકાર કરે છે. ત્યાં એવું લાગે છે, જીવની હાર થઇ છે, જીવને માયાએ પકડી રાખ્યો છે, હું માયાબંધનમાંથી છૂટું, કારણ માયા જીવને બાંધે છે અને હરાવે છે. તેથી પરમાત્માનો જયજયકાર કરી માયાબંધનમાંથી છોડાવવાની પ્રાર્થના કરે છે. અનાદિકાળથી જીવ અને માયાનું યુદ્ધ અવિરતપણે ચાલ્યા કરે છે. માયા તેને આ જગતના વિષયોમાં ફસાવી રાખે છે, માટે તો વેદ પણ પરમાત્માની સ્તુતિ કરે છે, કે માયાનાં બંધનને આપ કાપી નાંખો. માયા જીવને ફસાવે છે. માયા બતાવે છે, સ્ત્રીમાં સુખ છે, પૈસામાં સુખ છે, સંસારમાં સુખ છે. માયા જીવને ઇશ્વર પાસે જવા દેતી નથી. તમારી માયાનું બંધન કાપી નાંખો નાથ. અમે તમારે શરણે આવ્યા છીએ. પવિત્ર વિચારો કરવા પ્રભુએ મન, બુદ્ધિ આપ્યાં છે. જીવ પવિત્ર વિચારો કરે તો મનશુદ્ધ થાય છે. વેદો સગુણ નિર્ગુણ બ્રહ્મનું વર્ણન કરે છે. ઇશ્વર સાકાર નિરાકાર ઉભયરૂપે લીલા કરે છે. ઇશ્વરને આકાર નથી. તેનો અર્થ એ છે કે તેને પ્રાકૃત આકાર નથી. મારા તમારા જેવો આકાર નથી. નિર્ગુણ અને સગુણ બ્રહ્મ એક જ છે. ભક્તવશ નિર્ગુણ જ સગુણ બને છે. ભક્તવસ સગુણ સો હોઈ । ઠંડીથી જળનો બરફ બને છે તેમ બાકી જળ અને બરફમાંનું જળ એક જ છે. નાથ! આ જગતમાં જે કાંઇ દેખાય છે, અનુભવાય છે, તે વાસ્તવિક તમારું જ સ્વરૂપ છે, માટીના બનેલા પાત્રમાં માટી જ હોય છે. એમ સર્વત્ર આપ જ રહેલા છો. લૌકિક નામરૂપ બદલે છે, તેથી લૌકિક નામરૂપ સત્ય નથી. વેદો અંતરમાં વર્ણન કરે છે. જ્ઞાન કરતાં ધ્યાન હોવાથી ઈશ્વરના કોઈ સ્વરૂપનું વારંવાર ચિંતન, ધ્યાન, સ્મરણ અને દર્શન કરો, એકમાં , મન ચોંટી જાય ત્યારે મનની શકિત વધે છે. વિવેકથી મનને પરમાત્માના એક મંગલમય સ્વરૂપમાં સ્થિર કરો. પછી શિવતત્ત્વ અને વિષ્ણુતત્ત્વનું રહસ્ય સમજાવ્યું. વેદસ્તુતિમાંથી વિદ્વાન મહાપુરુષો પોતાના અનેક અભિપ્રાયો પ્રગટ કરે છે. આરંભવાદ, પરિણામવાદ તથા વિવર્તવાદ, વગેરે અનેક પ્રકારના વાદ વિદ્વાનો પ્રગટ કરે છે. અને તે સર્વ જે તે દ્રષ્ટિ અનુસાર યોગ્ય છે. વેદો પણ ઈશ્વરનું નિષેધ વર્ણન કરે છે. જ્ઞાન માર્ગમાં નેતિ નેતિ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. તેનું વર્ણન ભક્તિમાર્ગમાં ઇતિ ઇતિ દ્વારા કરવામાં આવ્યું છે. બંનેનું લક્ષ્ય એક જ છે. એ વેદ સ્તુતિનો સંક્ષેપ સાર છે. અર્જુનને અભિમાન હતું કે હું મોટો વીર છું. પ્રભુએ તે અભિમાન ઉતાર્યું. પ્રભુના ગુણ અનંત છે, તેના ગુણોનું કોણ વર્ણન કરી શકે? પ્રભુએ અગિયાર વર્ષ ગોકુળમાં લીલા કરી. ત્યાંથી મથુરા આવ્યા. તે પછી દ્વારકાનાથ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યાં, અને ઉદ્ધવને જ્ઞાનોપદેશ આપી પ્રભુ સ્વધામ પધાર્યા. મારા ભગવાનની લીલાઓ અનંત છે. ગુણો પણ અનંત છે. દશમ સ્કંધની સમાપ્તિમાં સંક્ષિપ્તમાં શ્રીકૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું. શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરતાં મન શ્રીકૃષ્ણમાં લય પામે છે. ઈતિ દશમસ્કન્ધોત્તરાર્ધ: ।। સત્ય નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્ન નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ બદ્રિ નારાયણ નારાયણ નારાયણ ।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।