પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિમુનિઓ બેઠા હતા, યાદવકુમારોને આ ઋષિઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. યાદવકુમારોએ જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો. તેને લઈને ઋષિઓ પાસે ગયા. યાદવકુમારોએ ઋષિઓને પૂછ્યું, આ સ્ત્રી ગર્ભિણી છે. આને પુત્ર થશે કે પુત્રી? ઋષિઓને ઠીક લાગ્યું નહિ. ભગવાનની પ્રેરણાથી ઋષિઓએ કુમારોને શ્રાપ આપ્યો, આને છોકરો નહિ, છોકરી નહિ પરંતુ તમારા કુળનો વિનાશ કરનારું મુશળ પેદા થશે. શાંબના પેટમાંથી મુશળ નીકળ્યું. યાદવકુમારો ગભરાયા. આ પાપ શ્રીકૃષ્ણ પાસે જઈ ને કહ્યું નહિ. પોતાની બુદ્ધિ વાપરી તે મુશળ અનર્થ ન કરે એટલે તેને ઘસી નાંખ્યું અને તેનો ટુકડો વધ્યો તે સમુદ્રમાં નાખ્યો. તે ટુકડો માછલી ગળી ગઇ. પાછળથી પારધીએ તેની બાણની અણી બનાવેલી. યાદવકુમારોની બુદ્ધિ બગડી, તેઓએ ઋષિઓનું બ્રાહ્મણોનું અપમાન કર્યું, એટલે તેઓનો વિનાશ થયો. ભગવાનને વિચાર થયો કે મારી પાછળ યાદવો રહેશે, તો તેઓ લોકોને ત્રાસ આપશે, એટલે યાદવોનો વિનાશ ર્ક્યો મુશળથી, મુશળ એટલે કાળ. જેની યાદવોની જેમ બુદ્ધિ બગડે છે તેની પાછળ કાળ આવે જ છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિમાં આનંદ આવે છે, લયમાં આનંદ આવતો નથી. ભગવાનને લયમાં આનંદ આવે છે, કારણ ભગવાન આનંદરૂપ છે. ભગવાન સર્વ જાણે છે, છતાં બોલતા નથી. એકાદશ સ્કંધના બીજા અધ્યાયથી ઉપદેશ શરૂ થાય છે. એક દિવસની વાત છે. નારદજી વસુદેવને ત્યાં પધાર્યા. વસુદેવજીએ નારદજીની પૂજા કરી. તે પછી વાસુદેવે આગ્રહ કર્યો આપ મને એવો ઉપદેશ આપો, કે જેથી હું આ જન્મમૃત્યુરૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં. નારદજીએ કહ્યું, તમારો આ પ્રશ્ન સુંદર છે, કારણ કે તે ભાગવતધર્મ સંબંધમાં છે. આના સંબંધમાં નવ યોગેશ્વરો અને નિમિરાજાનો સંવાદ કહેવામાં આવે છે તે શ્રવણ કરો. એક વખત વિદેહરાજ નિમિના દરબારમાં નવ યોગેશ્વરો પધારેલા.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૭
તે વખતે વિદેહરાજ નિમિએ તેઓને પ્રશ્ર્ન કર્યો, કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે? તેનું સાધન શું છે? અમને ભાગવતધર્મનો ઉપદેશ કરો. આ સંસારમાં ક્ષણનો સત્સંગ પણ મનુષ્યોને માટે પરમ નિધિરૂપ બની જાય છે. યોગ્ય જ કહ્યું છે કે. તુલયામ લવેનાપિ ન સ્વર્ગ નાપુનર્ભવમ્ । ભગવત્સંગીસંગસ્ય મર્ત્યાના કિમુતાશિષ ।। ભગવાનમાં આસક્ત રહેવાવાળા સંતોનો ક્ષણભર જો સંગ પ્રાપ્ત થાય, તો તેની તુલના સ્વર્ગ અને મોક્ષની સાથે ન થઈ શકે એટલે કે સ્વર્ગ અને મોક્ષ કરતા પણ તે વધારે શ્રેષ્ઠ છે. તો પછી બીજા પદાર્થોની તો વાત જ શું કરવી? યોગેશ્વરો કહેવા લાગ્યા:- શ્રવણ કરો રાજન! આ જીવ અંશ છે. શ્રીકૃષ્ણ અંશી છે, અંશીથી અંશ જુદો પડયો છે. કેટલાક પૂછે છે, અંશ ઇશ્વરથી કયારે અને કેમ જુદો પડયો? અજ્ઞાનનો આરંભ કયારે થયો તે કહી શકાતું નથી. અજ્ઞાનનો તો નાશ થઇ શકે છે. જીવ ઇશ્વરનો અંશ છે. અંશ અંશીમાં મળી જાય ત્યારે શાંતિ મળે. જીવાત્મા પરમાત્માથી જુદો પડેલો છે, એ જ મહાન દુ:ખ છે. તે વિયોગરૂપી દુ:ખ ત્યારે જ દૂર થાય કે જ્યારે જીવ પરમાત્મામાં મળી જાય. અંશીથી અંશ-પરમાત્માથી જીવ વિખૂટો પડયો ત્યારથી દુઃખી થયો છે, ઈશ્વરમાં એ અંશ મળે-જીવ ઈશ્વર સાથે એક બને ત્યારે કાળ એનો નોકર બને છે. નિર્ભય થવું હોય તો પરમાત્માનો દૃઢ આશ્રય કરો. પરમાત્માનો આશરો લીધા વિના જીવ નિર્ભય થતો નથી. જીવ ઇશ્વરથી કિંચિત્ પણ વિખૂટો હશે તો અંતે રડવાનું છે. જીવ માત્રને રોગ થયો છે કારણ કે ઈશ્વરનો એને વિયોગ થયો છે. આપણને ઇશ્ર્વરનો વિયોગ થયો છે. આ વિયોગરૂપી દુઃખની કાંઈ દવા છે? એની દવા છે. જીવ શ્રીકૃષ્ણ સાથે સંબંધ જોડે, જીવ બ્રહ્મ સાથે સંબંધ જોડે. મારે શ્રીકૃષ્ણમાં મળી જવું છે તેમ નિશ્ચય કરો. આ શરીર મલિન છે. આ શરીરથી બ્રહ્મસંબંધ થઈ શકે નહિ. દેવો આપણાં શરીરથી એક ગાઉ દૂર ઊભા રહે છે. આ શરીરમાંથી સતત દુર્ગંધ નીકળે છે. તેથી આરંભમાં મનથી ઇશ્વર સાથે સંબંધ જોડવાનો છે, જેને ઈશ્ર્વરને મળવું છે, તે ઈશ્વર સાથે સંબંધ જોડે. કાળ સર્વને માથે છે. તેમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રીકૃષ્ણને શરણે જાવ. દરેક કાર્ય શ્રીકૃષ્ણની આજ્ઞા માનીને કરો. કોઈ પણ કાર્ય કરો, તે પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી પ્રભુ પ્રીત્યર્થે કરો, વ્યવહાર કરો, પણ અનુસંધાન અંદરથી ઈશ્ર્વરનું રાખવાનું. પ્રત્યેક ક્રિયા ઈશ્વરની આજ્ઞા સમજીને કરવામાં આવે તો તે ભક્તિ બને છે. કર્કશવાણી હૈયું બાળે છે, તે કદી ભક્તિ કરી શકશે નહિ.