પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
પ્રત્યેક ક્રિયા પરમાત્માનું અનુસંધાન રાખીને કરવી. દરેકમાં પરમાત્મા છે એમ માની વ્યવહાર કરાય તો તે વ્યવહાર પણ ભક્તિ બને છે. જડ ચેતન દરેકમાં એક તત્ત્વ ભર્યું છે. એમ માનો તો તમારાથી પાપ થશે નહિ. આ બધું જડ, ચેતન જગત ઈશ્વરમય છે, એમ માનવાથી શાંતિ મળશે. પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર છે, એમ માની વ્યવહાર કરવો. પ્રત્યેક સંત ધંધો કરતા હતા. પ્રત્યેકને ધંધો કરતાં ઇશ્વર મળ્યા છે. સેના નાયી હજામત કરવાનો ધંધો કરતા હતા. એક દિવસ તેમને વિચાર થયો, કે હું લોકોના માથાનો મેલ કાઢું છું, પણ મારી બુદ્ધિનો મેલ કાઢયો નહિ. આ વિચારથી તેમના જીવનમાં પલટો આવ્યો, તેઓ સંત થયા. કોઈપણ ધંધો કરજો, પણ ધંધો કરતા ઈશ્વરને ભૂલશો નહિ, વૈશ્ય વેપાર કરે, એ ઠાકોરજીની ભક્તિ છે. વ્યવહાર કરતાં ઇશ્વરથી જુદા પડશો નહિ. સર્વમાં ભગવદ્ભાવ રાખો. પણ સત્સંગ વગર આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. રોજ થોડો વખત સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મ્યો ત્યારે તે શુદ્ધ હતો. તે જેના સંગમાં આવ્યો, તેવો તે થયો. માટે શ્રેષ્ઠ સંતોનો સંગ હંમેશા રાખો. સંતનાં લક્ષણો ગણી બતાવ્યાં છે. સુંદર સુંદર વસ્તુઓ દેખાય, પરંતુ કોઇ વસ્તુમાં જેનું મન નથી, તે સંત. ત્રૈલોક્યનું રાજ્ય મળે કે જાય પણ એક ક્ષણ જે ભગવાનને ભૂલતો નથી, તે સંત. ત્રૈલોક્યનું રાજ્ય મળે તો પણ ઈશ્વરનું અનુસંધાન ભૂલશો નહિ. સંત તે છે કે જે પ્રેમદોરીથી પરમાત્માને હ્રદયમાં બાંધી રાખે છે. પ્રેમ દોરીથી જે ભગવાનને હ્રદયમાં બાંધી રાખે છે તેવા સંતોનો સત્સંગ કરો. સંસારના વિષયો વહાલા લાગે ત્યાં સુધી સમજવું કે હું હજુ વૈષ્ણવ થયો નથી, મુક્તિને માટે લાયક થયો નથી. સુંદર સુંદર વિષયો દેખાય તેમ છતાં (વિષયો ભોગવવાની શક્તિ હોવા છતાં) તે વિષયોમાં જેનું મન ન જાય તે વૈષ્ણવ. જગતમાં બે માર્ગ છે, પહેલો ત્યાગનો, બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ન જવાય, એવાઓ માટે આ સમર્પણનો માર્ગ બતાવ્યો. સર્વ સાથે પ્રેમ કરો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૪૮
બધું કૃષ્ણાર્પણ બુદ્ધિથી કરો અથવા હું કોઈનો નથી અને કોઈ મારું નથી, એમ માની સર્વનો ત્યાગ કરી, એક ઈશ્વર સાથે પ્રેમ કરો. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી અને સ્વભાવથી અનુસરી મનુષ્ય જે જે કર્મ કરે તે તે સર્વ ભગવાન નારાયણને સમર્પણ કરે. આ છે સરળ અને સીધો ભાગવત ધર્મ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધયાડડત્મના વાડનુસૃતસ્વભાવાત્ । કરોતિ યદ્ યત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત્ ।। ભા.સ્કં.૧૧.અ.૨.શ્ર્લો.3૬. આ પ્રમાણે જે પ્રતિક્ષણ, એક એક વૃતિ દ્વારા ભગવાનના ચરણકમલોનું જ ભજન કરે છે તેને ભગવાન પ્રતિ, પ્રેમયમી ભકિત, સંસાર ઉપર વૈરાગ્ય અને ભાગવત સ્વરૂપનો અનુભવ, એ ત્રણ એકી સાથે પ્રાપ્ત થાય છે. સર્વભૂતેષુ ય: પશ્યેદ્ ભગવદ્ભાવમાત્મન: । ભૂતાનિ ભગવત્યાત્મન્યેષ ભાગવતોત્તમ: ।। ભા.સ્કં.૧૧.અ.૨.શ્ર્લો.૪પ. આત્મસ્વરૂપ ભગવાન સમસ્ત પ્રાણીઓમાં આત્મરૂપે-નિયંતારૂપે સ્થિત છે. જે કયાંય પણ ન્યૂનતા કે અધિકતા ન જોતા સર્વત્ર પરિપૂર્ણ ભગવત સત્તાને જ જુએ છે, એને સાથોસાથ સમસ્ત પ્રાણી અને સમસ્ત પદાર્થ આત્મસ્વરૂપ ભગવાનમાં જે આધેય રૂપથી અથવા અધ્યસ્થરૂપથી સ્થિર છે, એટલે કે વાસ્તવમાં ભગવત સ્વરૂપ જ છે-આ પ્રમાણે જેનો અનુભવ છે, આવી જેની દ્દષ્ટિ સિદ્ધ થઈ છે તેને ભગવાનનો પરમપ્રેમી ઉત્તમ ભાગવત ભક્ત સમજવો જોઈએ. જે એક માત્ર ભગવાન વાસુદેવમાં જ નિવાસ કરે છે તે ઉત્તમ ભાગવત્ ભક્ત છે. ત્રીજા યોગેશ્વર અંતરીક્ષે માયાના લક્ષણો બતાવ્યા. આ માયા અતિ દુસ્તર એટલે તરવી મુશ્કેલ છે. તે પછી ચોથા યોગેશ્વર પ્રભુદ્ધે માયાને તરવાના ઉપાયો બતાવ્યા. માયાને તરવાની ઈચ્છા હોય તેણે સ્વતંત્ર રહેવું નહિ. કોઈ લાયક ગુરુને શરણે જવું. માયાને તરવાની ઈચ્છા હોય તે કોઈ સંતની આજ્ઞામાં રહે. વિલાસી ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે નહિ. જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે. કેવળ શબ્દબ્રહ્મમાં નિષ્ઠા હોય પણ બ્રહ્મનિષ્ઠ ન હોય તો તે ગુરુ થવાને લાયક નથી. એવા કોઇ સંત શોધી કાઢો કે જે સંતની સ્મૃતિ તમને પાપ કરતા અટકાવે. યૌવનમાં જે સ્વતંત્ર થાય છે ઘણે ભાગે તેનું પતન જ થવાનું. યૌવનમાં મનુષ્ય પશુ જેવો થાય છે. માટે યુવાનીમાં કોઈને આધીન રહો. માતાપિતાની, સંતની આજ્ઞામાં રહો. કોઈ સંતના ચરણનો આશ્રય કરો. જેને માયાને તરવાની ઈચ્છા છે તે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે. આંખથી અને મનથી પણ બ્રહ્મચર્ય પાળો. જેને માયાને તરવાની ઇચ્છા છે, તે રોજ નિયમથી એકાંતમાં એક આસને બેસી, ત્રણ કલાક પ્રભુના નામના મહામંત્રનો જપ કરે. ભગવાનનું ધ્યાન કરે.