પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
મૂર્ખ કોણ? દેહ વગેરેને જે આત્મા માને તે મૂર્ખ, દેહમાં અહમ્ બુદ્ધિ રાખે તે મૂર્ખ. ધનવાન કોણ? ગુણોથી સંપન્ન એ ધનવાન. દરિદ્ર કોણ? અસંતોષી તે ગરીબ છે. સંતોષી એ ધનવાન છે. જીવ કોણ? માયાને આધીન થયો તે જીવ. સંસારના વિષયોમાં ફસાયો તે જીવ, ઇન્દ્રિયોનો ગુલામ તે જીવ. ઇશ્વર કોણ? સંસારના વિષયોમાં જે બિલકુલ આસકત થતો નથી, તે ઇશ્વર. ઈન્દ્રિયોને આધીન બનાવે તે ઈશ્વર. વીર કોણ? અંદરના શત્રુઓને મારે તે વીર, બહારના શત્રુઓને મારે તે વીર નહિ, વિષયેન્દ્રિય, જીહ્વેન્દ્રિય ઉપર કાબૂ રાખે તે વીર. નિંદાની અસર જેને બિલકુલ થતી નથી તે સાચો ભકત. ઉદ્ધવ! મનુષ્યનું કલ્યાણ કરવાના હેતુથી મેં ત્રણ ઉપાયો કહ્યા છે. ૧.જ્ઞાનયોગ. ૨.નિષ્કામ કર્મયોગ.૩. ભક્તિયોગ. મનુષ્ય શરીર જ્ઞાન તથા ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે, તેથી તે શ્રેષ્ઠ છે. આ મનુષ્ય શરીર ઉત્તમ વહાણરૂપ છે, સર્વ ફળોનું મૂળ છે, કરોડો ઉપાયોથી પામવું અશકય છે. છતાં અત્યારે દૈવયોગે મળ્યું છે, તે ગુરુરૂપી ખલાસી મારી ભક્તિરૂપી અનુકૂળ વાયુથી તે ચાલી રહ્યું છે. તેમ છતાં જે મનુષ્ય આ માનવદેહરૂપી નૌકા પામીને આ ભવસાગર ન તરે, તે ખરેખર પોતે પોતાનો નાશ કરનારો છે. વધુ શું કહું ? તે આત્મહત્યારો છે. નૃદેહમાદ્યં સુલભં સુદુર્લભં પ્લવં સુકલ્પં ગુરુકર્ણધારમ્ । મયાનુકૂલેન નભસ્વતેરિતં પુમાન્ ભવાબ્ધિં ન તરેત્ સ આત્મહા ।। ભા.સ્કં.૧૧.અ.૨૦.શ્ર્લો.૧૭. ઉદ્ધવ, સત્સંગ ન થાય તો વાંધો નહિ, પણ કામી વિષયીનો સંગ કોઇ દિવસ કરીશ નહિ. સત્સંગ પ્રાપ્ત થવો એ ઇશ્વરની કૃપા ઉપર આધારિત છે, ત્યારે કામીનો સંગ છોડવો, એ તારા પોતાના હાથની વાત છે. મન આપવા લાયક એક ઈશ્વર જ છે. મન સ્ત્રીને ન આપો, સગાંસંબંધીઓને ન આપો, હે ઉદ્ધવ! તારું મન તું મને આપજે. હે ઉદ્ધવ, હું તારું ધન માંગતો નથી, પણ તારું મન માંગુ છું. હે ઉદ્ધવ! આ અખિલ વિશ્વમાં હું સર્વવ્યાપી તરીકે રહેલો છું, આ સર્વમાં હું રહેલો છું એવી ભાવના કરજે અને રાખજે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૫૫
ભક્તિથી એ પ્રમાણે સર્વના આત્મારૂપ, મારું દર્શન થતાં મનુષ્યના હ્રદયની અહંકારરૂપી ગાંઠ છૂટી જાય છે. એના સર્વ સંશયો છેદાઈ જાય છે, અને સર્વ કર્મો પણ નાશ પામે છે. ભિધતે હ્રદયગ્રન્થિશ્છિધન્તે સર્વસંશયા: ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ મયિ દૃષ્ટે ડખિલાત્મનિ ।। ભા.સ્કં.૧૧.અ.૨૦.શ્ર્લો.30. ઉદ્ધવ, જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઈશ નહિ, અને નિંદા કરે, તો નારાજ થઈશ નહિ. નિંદા સ્તુતિને સમાન ગણજે. ઉદ્ધવે પ્રાર્થના કરી છે. મહારાજ! મારા ઉપર કૃપા કરો. આપે કહ્યું કે સ્તુતિ સહન કર, નિંદા સહન કર. પણ ખોટી નિંદા સહન થતી નથી. ભગવાન કહે છે:-જેનાથી નિંદા સહન ન થાય, તે કાચો છે. નિંદા કરનાર તે મોટો મિત્ર છે, તે આપણને આપણા દોષ બતાવે છે. તેથી સાધુ લોકો નિંદકને સદા પાસે રાખે છે. નિંદક મિત્ર સમાન, સાધો નિંદક મિત્ર સમાન । નિંદા એ શબ્દ છે. શબ્દ આકાશમાં મળી જાય છે. શબ્દને મારી સાથે સંબંધ નથી એમ વિચારી નિંદા સહન કર. તે પછી ઉદ્ધવને ભિક્ષુગીતાનો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે. મનની ક્લ્પનાથી સુખદુઃખ મનને થાય છે. નિંદ્રામાં જેવું મન થાય, તેવું જાગૃતિમાં રહે, તો મુક્તિ છે. દાંત તળે જીભ કચડાય. તો જીભ કોને દોષ આપે? લોકોએ ભિક્ષુની નિંદા કરી છે. પણ તે પોતાના મન ઉપર તેની-અસર થવા દેતો નથી. ભિક્ષુએ ગાયું:-અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે વ્યયે । નાશોપભોગ આયાસસ્ત્રાસશ્ર્ચિન્તા ભ્રમો નૃણામ્ ।। ભા.સ્કં.૧૧.અ.૨3.શ્ર્લો.૧૭. મનુષ્યને ધન મેળવવામાં. મેળવેલું ધન વધારવામાં. ધનનું રક્ષણ કરવામાં. વાપરવામાં તેમજ ધન તે નાશ પામતાં અને તેનો ઉપભોગ કરતાં પણ પરિશ્રમ, ત્રાસ, ચિંતા થાય છે. તેમ છતાં લોકો આવાં ધનની પાછળ જ પડે છે. ધન દરેક રીતે મનુષ્યને ત્રાસ આપે છે. છતાં મનુષ્યોને વિવેક નથી. રાજા પુરુરવા અને ઉર્વશીના દૃષ્ટાંત દ્વારા, સ્ત્રીના સતત સંગથી પુરુષની કેવી દશા થાય છે તે બતાવ્યું. દુષ્ટોની સંગતિથી માણસની અધોગતિ થાય છે અને સત્સંગથી માણસની ઊર્ધ્વગતિ થાય છે. ઉદ્ધવ! સત્સંગ કદાચ ન થાય, તો વાંધો નહિ. પણ કુસંગ તો કદાપિ કરીશ જ નહિ. સત્સંગ તો ઇશ્વર કૃપાથી મળે છે. બિનુ હરિકૃપા સુલભ ન હોઈ । પણ કુસંગ ન કરવો એ તારા હાથની વાત છે.