પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
રાસલીલામાં ત્રણ સિદ્ધાંત યાદ રાખો:-( ૧) રાસલીલામાં ગોપીના શરીર સાથે સંબંધ નથી. (૨ ) આમાં લૌકિક કામ નથી. ( ૩ ) આ સ્ત્રી-પુરુષનું મિલન નહીં, જીવ-ઈશ્વરનું મિલન છે. શુદ્ધ જીવને બ્રહ્મ સાથે વિલાસ તે જ રાસ. શુદ્ધ જીવ એટલે માયાના આવરણ રહિતનો જીવ. આ જીવ અને બ્રહ્મનું મિલન છે. શુકદેવજીએ કહ્યું છે કે આ લીલાનું અનુકરણ કરશો નહિ. આ લીલા ચિંતનીય છે. અનુકરણીય નથી. એ તો સર્વ વિદિત છે કે શ્રૃંગારરસ અને કરુણરસ, એકતાનતા કરવા માટેના પ્રધાનરસ છે. પતિના વિયોગમાં જેવી રીતે પત્નીના પ્રાણ ઝુરે છે તે પ્રમાણે ઇશ્વરના વિયોગમાં જીવના પ્રાણ કેવી રીતે ઝૂરે છે, એ બતાવવાનો રાસલીલાનો હેતુ છે. ઠાકોરજીના વિરહમાં જેની કાયા તૃપ્ત થઈ નથી, તેને ભગવાન મળતા નથી. એ આતુરતા બતાવવા, સ્ત્રી પુરુષના દ્દષ્ટાંતનો, શ્રૃંગારરસનો આશરો લીધો છે. રાસમાં આત્મા પરમાત્માનું નિર્વિકાર મિલન છે. શ્રીકૃષ્ણની આ કામવિજય લીલા છે. ભગવાને ગોપીઓને કહ્યુ હતું, શરદપૂર્ણીમાની રાત્રે, હું તમને બોલાવીશ. તે શરદપૂર્ણીમાની રાત્રિ આવી પહોંચી:- ભગવાનપિ તા રાત્રિ: શરદોત્ફુલ્લમલ્લિકા: । રાસલીલા એ કામલીલાની કથા નથી. રાસલીલા એ તો કામવિજય લીલા છે. રાસલીલામાં કામની ગંધ સરખી પણ નથી. શ્રીકૃષ્ણ પાસે કામ જઈ જ ન શકે. આ ક્રિયા ભલે લૌકિક જેવી લાગે. પણ આમાં કામવિકાર નથી. શ્રીધરસ્વામી રાસલીલાને કામવિજયલીલા કહે છે. બ્રહ્માદિ જય સંરુઢ દર્પ કંદર્પ દર્પહા । જયતિ શ્રીપતિર્ગોપી રાસમંડલ ભણ્ડિત: ।। શ્રીકૃષ્ણ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણ એ કોઈ દેવ નથી. પણ સાક્ષાત્ પરમાત્મા છે અને તે પરમાત્માએ પોતાની લીલાઓમાં સિદ્ધ કર્યું છે. એક એક દેવોનો પરાભવ, આ લીલાઓમાં શ્રીકૃષ્ણ કરે છે. બ્રહ્માનો ગર્વ વત્સહરણલીલામાં ઉતાર્યો છે. બ્રહ્માને કહ્યું છે, પંચમહાભૂતને આધારે તમે જગત નિર્માણ કરો છો. ત્યારે હું સંકલ્પમાત્રથી જગત ઉત્પન્ન કરું છું. ભગવાનને સૃષ્ટિ બનાવવામાં, કોઈ વસ્તુની જરૂર પડતી નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૭૨
કેવળ સંકલ્પ કરે છે. એક વેળા સંકલ્પ કર્યો અને અનેક વાછરડાઓએ ગોપબાળકોના સ્વરૂપો ધારણ કર્યાં. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ગોવર્ધનલીલામાં ઈન્દ્રનું અભિમાન ઉતાર્યું. વરુણદેવનો પરાભવ કર્યો. આ પ્રમાણે બ્રહ્માદિક દેવોની હારથી, કન્દર્પને-કામને ગર્વ થયો. મોટામાં મોટો દેવ તો હું જ છું. મોટામાં મોટો દેવ કામદેવ. શ્રીકૃષ્ણ પાસે આવ્યો છે. નાથ! તમારી અને મારી કુસ્તી થાય. સંસ્કૃત ભાષામાં કામનું નામ છે માર. તે બધાને મારે છે.શ્રીકૃષ્ણે કામદેવને કહ્યું, શિવજીએ તને બાળીને ખાક કર્યો હતો તે ભૂલી ગયો? કામદેવ કહે છે કે શિવજીએ મને બાળ્યો હતો એ વાત સાચી, પણ તેમાં મારી ભૂલ થયેલી. સમાધિમાં બેઠા બેઠા મને બાળે તેમાં શું આશ્ર્ચર્ય? શિવજી સમાધિમાં સાવધાન હતા. તેજોમય બ્રહ્મનું ચિંતન કરતા હતા, ત્યારે હું તેમને મારવા ગયેલો અને બળીને ભસ્મ થયો. મેં સમયનો વિચાર કરેલો નહિ, તેથી મારી હાર થઇ. સમાધિમાં મને મારે, તેમાં વિશેષ આશ્ર્ચર્ય નથી. પ્રભુએ કામને કહ્યું:-રામાવતારમાં પણ તારી હાર થયેલી. કામદેવ:-રામાવતારમાં આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા, ખૂબ મર્યાદા પાળી તમે મારો પરાભવ કર્યો હતો. મર્યાદાનું પાલન કરે તો સાધારણ જીવ પણ કામને મારી શકે છે. આંખ ઊંચી કરી, રામ કોઈ સ્ત્રી સામે જોતા ન હતા. ગૃહસ્થાશ્રમરૂપી કિલ્લામાં રહી, આપે મને માર્યો હતો. રામાવતારમાં તો આપ એક પત્નીવ્રત પાળતા હતા. તે એક પત્નીવ્રતરૂપી અખાડામાં મારી હાર થઇ. તે એકપત્ની વ્રત તેમાં શું આશ્ર્ચર્ય? રામજી ધનુષ્યબાણને હંમેશા સજજ રાખે છે. દંડકારણ્યમાં રામજી, સીતાજી સાથે સુવર્ણસિંહાસન ઉપર બિરાજે છે, ત્યારે પણ ધનુષ્ય બાણ હાથમાં રાખે છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે, અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન અને વિવેકને હંમેશા સજ્જ રાખજો, નહિતર રાવણ કામ માથે ચઢી બેસશે. શ્રીકૃષ્ણ કામને કહે છે:-બોલ, તો હવે તારી શી ઈચ્છા છે? કામદેવ:-મર્યાદામાં રહી આપે મને હરાવ્યો પણ મારા મનમાં વસવસો રહી ગયો છે. હવે, આ કૃષ્ણાવતારમાં કોઇ મર્યાદા ન રાખો. સર્વ પ્રકારની મર્યાદા છોડી વૃંદાવનમાં અનેક સ્ત્રીઓ સાથે આપ વિહાર કરો અને હું તમને બાણ મારું. તેમ છતાં જો તમે નિર્વિકાર રહો તો તમારી જીત અને કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકાર રહો, તો તમે ઈશ્વર. અને મને, કામને આધીન બનો, તો પછી હું ઇશ્વર.