પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
હે મારી ગોપીઓ! તમે મારે માટે ઘર ગૃહસ્થીની બેડીઓને તોડી નાંખી છે કે જેને મોટા મોટા યોગીઓ પણ જલદી તોડી શકતા નથી, મારું તમારી સાથેનું આ મિલન સર્વથા નિર્મળ અને સર્વથા નિર્દોષ છે. જો હું અમર શરીરથી-અમર જીવનથી અનંતકાળ સુધી તમારાં પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા માગું તો પણ ચૂકવી શકું તેમ નથી. હું જન્મોજન્મ સુધીનો તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય-ભલા સ્વભાવથી-પ્રેમથી મને આ ઋણમાંથી મુક્ત કરી શકો છો. પરંતુ હું તો તમારો ઋણી છું જ. ન પારયેડહં નિરવદ્યસંયુજાં સ્વસાધુકૃત્યં વિબુધાયુષાપિ વ: । યા માભજન્ દુર્જરગેહશૃઙ્ખલાઃ સંવૃશ્ચ્ય તદ્ વ: પ્રતિયાતુ સાધુના ।। ભા.સ્કં.૧0.અ.૩૨.શ્ર્લો.૨૨. ભગવાન રામાવતારમાં હનુમાનજીના ઋણી રહ્યા અને કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણમાં રહ્યા છે. હનુમાનજીને રામચંદ્રજીએ કહ્યું છે. પ્રતિ ઉપકાર કરો કા તોરા । સન્મુખ હો ન સકત મન મોરા ।। ભગવાનને તમારા ઋણી બનાવો. તેમની પાસે કાંઈ માંગશો નહિ એટલે તે ઋણી બનશે. ગોપીઓના ઋણમાં છે એટલે તો કહ્યું કે વૃન્દાવન ત્યજીને હું જઈશ નહિ. વૃન્દાવનં પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ । દ્વારકાલીલામાં મર્યાદા છે, પણ ગોકુળલીલામાં પ્રેમ છે. શ્રીકૃષ્ણ રસસ્વરૂપ છે. પંચભૌતિક શરીર સાથેનું આ મિલન નથી. તે તો વિયોગ અગ્નિમાં બળી ગયું હતું. આ તો આત્માનું રસાત્મા સાથેનું આ મિલન છે. ગોપીઓ ઈશ્વરનાં મિલન માટે તરફડતી હતી. વિયોગમાં પ્રાણ તરફડે એટલે જીવનું ઈશ્વર સાથે મિલન થાય. પરમાત્માનો વિયોગ એ જ મોટામાં મોટો રોગ છે. શ્રીકૃષ્ણનો વિરહ એ જ મહાન દુ:ખ છે. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે છે, એના જેવું બીજું પાપ કયું ? પરંતુ વિષ્ટાના કીડાને વિષ્ટામાંથી બહાર કાઢો તો, તે ફરીથી વિષ્ટામાં જશે. તેને વિષ્ટામાં જ આનંદ દેખાય છે. આ જીવ ભોગી છે એટલે દુ:ખી છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૯૨
રાસલીલામાં અદ્વૈત છે. ઇશ્વર માટે જીવ જ્યાં સુધી વ્યાકુળ થતો નથી, ત્યાં સુધી ઈશ્ર્વર મળતા નથી. યોગ એટલે જીવ, ઈશ્વરનો સંયોગ, રાસલીલા મહાયોગ છે. વિયોગાગ્નિમાં ગોપીઓનું પાંચભૌતિક શરીર બળે છે. તેઓ રસસ્વરૂપ ઈશ્ર્વરનું ચિંતન કરે છે. વિયોગાગ્નિમાં શરીર બળી જાય તો, જીવ ઈશ્વરનું મિલન થાય. આ શરીર અતિ મલિન છે. તેની સાથે ઈશ્વર મળતા નથી. ભકતોનું શરીર સતત ભજન કરવાથી દિવ્ય બને છે. તેથી તેઓ ઇશ્વરને પ્રાપ્ત કરી શકે. આ લીલામાં પ્રેમ છે. મોહ નથી. પ્રેમ અંતરંગ છે. ત્યારે મોહ બહિરંગ. મોહ ભોગ માગે છે. પ્રેમ ત્યાગ માંગે છે. મોહ સંયોગમાં પુષ્ટ થાય છે. પ્રેમ વિયોગમાં પુષ્ટ થાય છે. કારણ કે વિયોગમાં પ્રિયનું સતત સ્મરણ રહે છે. વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે. શ્રીકૃષ્ણે આ વિશિષ્ટ યોગનું દાન ગોપીઓને રાસલીલામાં કર્યું છે. રાસલીલામાં લૌકિક કામાચાર હોઈ શકે? તે વખતે ભગવાનની ઉંમર અગિયાર વર્ષની હતી. અગિયાર વર્ષની ઉંમરના બાળકમાં કામનો ઉગમ સરખો પણ ન હોઈ શકે. અગિયાર વર્ષના આવા બાળકમાં કામવાસના કેવી રીતે સંભવે? ભાગવતના કથાકાર શ્રી શુકદેવજી મહાપરમહંસ છે. બ્રહ્મનિષ્ઠ મુનિ છે. તે લૌકિક કામની વાત કરે જ નહિ. અને ભાગવતનો શ્રોતા છે પરીક્ષિત. જે મૃત્યુ કાંઠે બેસીને આ કથા સાંભળે છે. તેને લૌકિક કામની વાતો સંભળાવવાનું પ્રયોજન હોય જ નહિ. જેનું મરણ થવાનું છે, જેનું મરણ સમીપ છે તેમણે લૌકિક કામની વાતો સંભળાવવાની હોય જ નહિ. રાસલીલામાં કૃષ્ણ અને ગોપીઓનો શરીર-સંબંધ બિલકુલ થતો નથી. શ્રીકૃષ્ણનું ગોપીઓના શરીર સાથેનું આ મિલન નથી. ગોપીઓનું પાંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં હતું. મન્યમાના: સ્વપાર્શ્ર્વસ્થાન્ સ્વાન્ સ્વાન્ દારાન્ વ્રજૌકસ: ભા.સ્કં.૧0.અ.૩૩.શ્ર્લો.૩૮. હે રાજન! બીજી તરફ વ્રજવાસી ગોવાળિયાઓ ભગવાનની માયાથી મોહ પામી પોતપોતાની સ્ત્રીઓને પોતપોતાની પાસે જ રહેલી માનતા, તેથી તેઓ શ્રીકૃષ્ણને દોષબુદ્ધિથી જોતા ન હતા. તેઓને શ્રીકૃષ્ણ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન ન થયો. ગોપીઓનાં આધ્યાત્મિક શરીર, સૂક્ષ્મ શરીરનું ઇશ્વર સાથેનું મિલન હતું. સૂક્ષ્મ શરીર સત્તર તત્ત્વોનું બનેલું છે. પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ પ્રાણ અને મન, બુદ્ધિ, આ મન મરે છે ત્યારે સૂક્ષ્મ શરીર મરે છે. આ મન મરે છે ત્યારે ભક્તિરસ મળે છે. શુકદેવજીએ સ્પષ્ટ કહ્યું છે કે, ગોપીઓના ભૌતિક દેહ પડયા પછી આ રાસલીલા થઈ છે. આ તે જીવનું, મનથી પરમાત્મા સાથેનું મિલન હતુ.