પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
ખોટા સંકલ્પ સફળ થાય છે તો પવિત્ર સંકલ્પ સફળ કેમ ન થાય? અક્રૂરજી વંદન કરતાં કરતાં ગૌશાળામાં આવ્યા છે. અક્રૂરે ઇચ્છા કરેલી કે ગૌશાળામાં મને શ્રીકૃષ્ણનાં દર્શન થશે. અક્રૂરને દર્શન દૂરથી થયાં છે. અક્રૂરે વિચારેલું કે હું ભગવાનને કહીશ હું પાપી છું. આપને શરણે આવ્યો છું. પણ ગળું ભરાયું. અક્રૂર પ્રેમથી ગદ ગદ બન્યા છે. કાંઇ બોલી શકતા નથી. મુખમાંથી શબ્દ નીકળી શકતો નથી. લાકડી ઢળી પડે તેમ અક્રૂરજી ઢળી પડયા. શ્રીકૃષ્ણના ચરણમાં તેઓ પ્રણામ કરે છે. પરમાત્માની આંખો સદા સર્વદા પ્રેમથી ભીની છે. ભગવાનની નજર પણ અક્રૂર ઉપર પડી. આ જીવ મારે શરણે આવ્યો છે. અક્રૂરની ઈચ્છા હતી હું વંદન કરું, ત્યારે મારા ઠાકોરજીની નજર મારા ઉપર પડે તો મારું હ્રદય વિશુદ્ધ બને. પછી પાપ કરવાની ઈચ્છા જ નહીં થાય. અક્રૂરને ઈચ્છા હતી હું વંદન કરું ,ત્યારે મારા માથે પ્રભુ હાથ પધરાવશે. પ્રભુએ અક્રુરના મસ્તક ઉપર વરદ હસ્ત પધારાવ્યો છે. ભગવાન અક્રૂરને કહે છે. ઊઠો, ઊઠો, અક્રૂર વિચારે છે. મને કાકા કહીને બોલાવશે ત્યારે હું ઉઠીશ, પણ મારા જેવા અધમને ભગવાન કાકા કેમ કહે? ભગવાન મને નહિ અપનાવે તો, મારો બ્રહ્મસંબંધ પાકો નહિ થાય. ભગવાન જલદી કહેતા નથી કે તું મારો છે. કારણ મંદિરમાં જાય છે ત્યારે મનુષ્ય ભગવાનને કહે છે કે, નાથ! હું તારો છુ. અને ઘરમાં આવે ત્યારે બબલીની બાને કહે છે તું મારી અને હું તારો છુ. મૂર્ખાને બોલતાં પણ શરમ આવતી નથી. મૂર્ખાને ખબર નથી, પ્રેમ ગલી અતિ સાંકડી, તામેં દો ન સમાય. ભગવાને અક્રૂરના હ્રદયનો ભાવ જાણ્યો. ભગવાને વિચાર્યું. અક્રૂર જો રાજી થતા હોય, તો તેમને કાકા કહેવામાં મારું શું જાય છે? જીવ જે ભાવથી મને ભજે છે તે સંબંધે હું તેમને ભજું છું. હું જીવનો પુત્ર છું, હું જીવનો પિતા પણ છું. ઈશ્વર મોટો કેમ? કારણ કે તેને કોઈ જાતનો દુરાગ્રહ નથી. ઈશ્વર અનાગ્રહી છે. જીવ દુરાગ્રહી છે. જીવને કોઈ સંપત્તિ- માન મળે છે એટલે દુરાગ્રહી બને છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૦
ઈશ્વર સાથે કોઈ સંબંધ જોડો. શ્રીકૃષ્ણ દગો નહિ આપે. પરમાત્માને પિતા, પુત્ર કે પતિ માનો, પણ સંબંધ જોડો તો જીવન સફળ થાય. અક્રૂરની ભાવના હતી કે મારાં શ્રીકૃષ્ણ મને કાકા કહીને બોલાવે. શ્રીકૃષ્ણે, અક્રૂરને માથે હાથ પધરાવ્યો અને કહ્યું, કાકા! હવે ઊઠો, અક્રૂરને ઉઠાવીને આલિંગન આપ્યું. જીવ ઈશ્વરને શરણે આવે છે, ત્યારે ભગવાન આલીંગન આપે છે. આજે જીવ ઈશ્વરને શરણે આવ્યો છે. શ્રીકૃષ્ણે અક્રૂરના સર્વ મનોરથ પૂર્ણ કર્યા. શુભ સંકલ્પ પ્રભુ હંમેશા પૂરો કરે છે. સત્યનારાયણની કથામાં કઠિયારાએ સત્યનારાયણનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો અને તેને પ્રચૂર ધન મળ્યું, તે વ્રત કરી શકયો. શુભ વિચારો હંમેશા ફળે છે. અક્રૂરની ઈચ્છાઓ પૂર્ણ થઈ. અક્રૂરની જેમ જેને ભગવાનના દરબારમાં માન મળે તે ધન્ય, બાકી જગતનાં માનપત્રો ત્યાં કામ આવશે નહિ. જગતના જીવ માન આપે તો, રાજી થશો નહિ. કદાચ કોઈ અપમાન કરે તો નારાજ થશો નહિ. મૃત્યુ સમયે જગતમાં મળેલા માનપત્રો સાથે આવશે નહિ. ભગવાનના દરબારમાં જેને માન મળે છે, તેનું માન કાયમ ટકે છે. ત્યાંથી નંદજીને ઘરે આવ્યા છે. નંદરાયે અક્રૂરનું સ્વાગત કર્યું. ભોજન થયા પછી નંદરાયે અક્રૂરને પૂછ્યું, તમારું આવવાનું કારણ કહો. અક્રૂર કહે. હું ખાસ આમંત્રણ આપવા આવ્યો છું. કંસ મોટો ધનુષ્ય યજ્ઞ કરે છે તે જોવા માટે રામકૃષ્ણને કંસે મથુરા બોલાવ્યા છે. બધાની ઇચ્છા છે કે એકલા આવશો નહિ રામકૃષ્ણની સાથે આવો, નંદજી ભલે ગાડામાં આવે પણ, કૃષ્ણના માટે તો સુવર્ણનો રથ મોકલાવ્યો છે. નંદબાબા ભોળા હતા. બહુ ભોળા હોય તેને છળકપટ દેખાતું નથી, નંદબાબા ખુશ થયા. કંસને ખંડણી ભરું છું ને, એટલે મારા કનૈયા માટે તેણે સોનાનો રથ મોકલ્યો છે. કંસને મારા કનૈયા ઉપર કેટલો પ્રેમ છે? નંદબાબા જાણતા નથી. વિશ્વાસ ઉત્પન્ન કરવા કંસે પોતાનો ખાસ સોનાનો રથ મોકલાવેલો. નંદબાબા કહે છે, મારી પણ ઇચ્છા હતી કે હવે કનૈયાને મથુરા લઈ જાઉં. બાળકોને આ વાતની ખબર પડી. બાળકો ત્યાં આવ્યાં. બાળકો નંદબાબાને કહે છે, અમે સાથે આવીશું. અમે સાથે નહીં આવીએ તો કનૈયાને કોણ સાચવશે? બાળકોને એવો પ્રેમ હતો. બાળકો માનતા, અમે કનૈયાને સાચવીએ છીએ, બાળકો જગતના સાચવનારને આજે સાચવતા હતા. જગતને સાચવનાર છે છતાં વ્રજવાસીઓ કહે છે, કનૈયાને અમારા વિના કોણ સાચવશે? નંદબાબા બાળકોને કહે છે, તમે સૌ આવજો.