પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
આ વાતની જશોદા માને ખબર પડી. તેમનું હૈયું હાથ રહેતું નથી. યશોદાજી કહે છે, આ અક્રૂર ભલે તમને સારો લાગે, પણ મને ક્રૂર જેવો લાગે છે. કનૈયાને ન લઈ જાવ. મારું ગોકુળ ઉજ્જડ થશે. કનૈયો ન દેખાય તો ગાયો ખડ ખાતી નથી, પાણી પીતી નથી. તમને બહુ ઈચ્છા હોય તો દાઉજીને લઈ જજો. મારા શ્રીકૃષ્ણને લઈ ન જશો, મને એમ લાગે છે કે તે અહીંથી જશે તો પાછો આવશે નહીં. મેં સાંભળ્યું છે કે મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે, તે મારા લાલા ઉપર જાદુ કરશે તો તે અત્રે આવશે નહીં, નંદબાબાને તેઓ વિનવે છે. તમારે મથુરા જવું હોય તો જાવ પણ મારા કનૈયાને મથુરા ન લઈ જશો. ત્યાં મારા લાલાની સંભાળ કોણ રાખશે? મારો લાલો શરમાળ છે. એવો શરમાળ છે કે જમતી વખતે પણ તે કાંઈ માંગતો નથી. હું તેને મનાવું ત્યારે થોડું ખાય છે. ત્યાં તેને કોણ સમજાવશે? મથુરામાં લાલાને મનાવી મનાવીને કોણ ખવડાવશે? મને બે ત્રણ દિવસ પહેલાં ખરાબ સ્વપ્ન આવેલું. મારો લાલો મને છોડીને જાય છે. અક્રૂર મને કાળ જેવો લાગે છે. કનૈયો મથુરા જશે તો પછી તે અત્રે આવશે નહિં. મારા કૃષ્ણને મારી આંખથી દૂર ન કરો. લાલાને હું નહિ જવા દઉં. નંદબાબા યશોદાજીને સમજાવે છે. કનૈયો અગિયાર વર્ષનો થયો, કેટલા વર્ષ તું એને ઘરમાં રાખીશ? હવે તેને બહારની દુનિયાનું જ્ઞાન થવું જોઈએ. મારે હવે તેને ગોકુળનો રાજા બનાવવો છે. હું તેને બેચાર દિવસ મથુરામાં ફેરવીને પાછો લઈને આવીશ. અમે બે-ત્રણ દિવસમાં પાછા આવીશું. તું ચિંતા કર નહીં. યશોદાજી વીનવે છે કે, મારા કનૈયાને મારી આંખથી દૂર ન કરો. વૃદ્ધાવસ્થામાં મારા કનૈયા માટે જ હું જીવું છું. મારા લાલાના આધારે હું જીવું છું. રાત્રે બધાને નિંદ્રા આવી. પણ યશોદાજી જાગે છે. આવતી કાલે કનૈયો જવાનો તેથી બિલકુલ ચેન પડતું નથી. આવતી કાલે શું થશે? આવતી કાલે કનૈયો જશે. તેના વિયોગમાં હું કેમ જીવી શકીશ? યશોદાજી આંગણામાં બેસીને રડે છે. શ્રીકૃષ્ણ જાગ્યા. કનૈયો માની બહુ કાળજી રાખતો. માને પથારીમાં ન જોયાં, કનૈયો માને શોધવા નીકળ્યો. મા કયાં છે? જુએ છે તો મા આંગણામાં બેસીને રડે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૧
જઈને માના ગળામાં હાથ નાંખ્યો. પોતાના પીતાંબરથી માનાં આંસુ લૂછે છે, મા, તું રડીશ નહીં. તું રડે છે ત્યારે મને દુ:ખ થાય છે, મા, તું કેમ રડે છે? યશોદાને આનંદ થયો. મારો બેટો મને સમજાવે છે. યશોદા કનૈયાને કહે છે. બેટા, મને કાંઈ થતું નથી. તું આવતી કાલે જવાનો છે. તેથી મને રડવું આવે છે. બેટા, મને છોડીશ નહીં. મારું સર્વસ્વ તારા મુખડામાં છે. તારા આધારે મારું જીવન છે. મને છોડીને જઈશ નહિ. કનૈયો માતાજીને સાંત્વન આપે છે કે મા!, તું ચિંતા નહિ કર. મા! હું જવાનો તેથી શું થયું? મા! હું જરૂર પાછો આવીશ. જો કે કયારે આવીશ તે કહ્યું નથી. યશોદા માએ પૂછ્યું નથી કે લાલા તું કયારે પાછો આવીશ? અને લાલાએ બતાવ્યું નથી કે કયારે પાછો આવશે. લાલાએ કહ્યું કે પાછો આવીશ. તે સાંભળતાં જ યશોદાજી રાજી થઈ ગયા છે. મારો લાલો જે બોલે છે તે સાચું બોલે છે. મારો કનૈયો પાછો આવશે. અતિ આનંદમાં માએ પૂછ્યું નહીં કે તું કયારે આવીશ? ક્યારે આવીશ તે પૂછવાનું ભૂલી ગયાં. લાલાને મળવાની આશાએ તો યશોદા પ્રાણ ટકાવી રાખ્યાં. યશોદા માએ લાલાને કહ્યું, ચાલ બેટા, હવે સૂઈ જઈશું. આજે કૃષ્ણ યશોદાજી એક પથારીમાં સૂતા છે. આજે શ્રીકૃષ્ણે યશોદાના હ્રદયમાં પ્રવેશ કર્યો છે. હવે કનૈયો બહાર નહીં, અંદર દેખાશે, હ્રદયમાં દેખાશે. વસુદેવ દેવકી અગિયાર વર્ષથી કારાગૃહમાં કૃષ્ણનું ધ્યાન કરે છે. હવે ત્યાં ન જાય તો પ્રાણ જવાની તૈયારીમાં છે. પ્રાતઃકાળ થયો. માંગલિક સ્નાન થયું. માએ કનૈયાને છેલ્લો શ્રૃંગાર કર્યો, તારું મનોહર મુખ મને હવે કયારે દેખાશે ? માને આશ્વાસન આપ્યું, મા હું આવીશ. યશોદાજીનું હૈયું હાથમાં નથી, યશોદાજી આજે છેલ્લી વખત પોતાને હાથે સામગ્રી તૈયાર કરી લાલાને ખવડાવે છે. ભોજન થયું છે. અક્રૂર આંગણામાં રથ તૈયાર કરીને ઉભા છે. આ વાતની જ્યારે ગોપીઓને ખબર પડી, ત્યારે તેઓ દોડતી આવી.ગોપીઓના મંડળમાં રાધિકાજી છે. સાદો શ્રૃંગાર છે. મુખ ઉપર દિવ્ય તેજ છે. રાધાજીને હજુ કોઈ દિવસ શ્રીકૃષ્ણ વિયોગ થયો નથી. વિયોગની વાત સાંભળતાં રાધાજીને મૂર્છા આવી. મૂર્છામાં બોલે છે, હે પ્યારે, હે કૃષ્ણ, મારો ત્યાગ ન કરો, અમને છોડીને જશો નહિ.