પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
યશોદાજીનું ધૈર્ય રહ્યું નહિ. રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયું કે મારી મા આવે છે. અક્રૂરને કહ્યું, અક્રૂરજી રથને ઊભો રાખો. રથ અટકયો, યશોદા મા આવ્યાં છે, લાલાનાં ઓવારણાં લીધાં. બેટા! તું આજે મથુરા જાય છે. તેથી મને ઘણું દુ:ખ થાય છે. મારી તો એવી ઇચ્છા હતી કે મારો કનૈયો મારી આંખથી દૂર ન થાય. તું ભલે જા, મેં મારા સુખ માટે પ્રેમ કર્યો નથી. હું તો પ્રાર્થના કરીશ. મારો કનૈયો જ્યાં હોય ત્યાં સુખમાં રહે. બેટા! એક ખાનગી વાત તને કહેવા આવી છું. બેટા! તું તો મને મા! મા! કહે છે પણ હું તારી મા નથી. તું દેવકીનો છે, મારો નથી, હું તારી ધાવ છું, હું તારી દાસી છું. કૃષ્ણ કહે છે:-મા! આ તું શું બોલે છે? લોકો ભલે ગમે તે કહે. હું યશોદાનો છું. મા! હું જગતને કહીશ કે હું યશોદાનો. યશોદા કહે છે:-બેટા! તું મથુરા જાય છે. પણ એક વાત ભૂલી જજે. બેટા! તું નાનો હતો, ત્યારે મેં તને ખાંડણીયા સાથે બાંધ્યો હતો, તે ભૂલી જજે. કનૈયો માતાને કહે છે:-મા! હું બધું ભૂલી જઈશ, પણ તેં મને બાંધ્યો હતો તે નહિ ભૂલું. મા! હું બંધાયો તો એક તારો જછું. યશોદાજી પૂછે છે:-બેટા! તું મને ભૂલી જઈશ નહિ ને? તું મને પાછો મળવા આવીશ ને? કનૈયો કહે છે:-મા! હું આવીશ. મા! તું તારા શરીરને સાચવજે, મા! તું ગાયોને સાચવજે, હું પાછો આવીશ. માએ આશીર્વાદ આપ્યા. મારો કનૈયો જ્યાં હોય ત્યાં સુખમાં રહે. રથ નીકળ્યો છે. પ્રેમમાં પાગલ થયેલી ગોપીઓ રથ પાછળ દોડવા લાગી. કનૈયા, સાયંકાલે તારી આરતી ઉતારીશ, પાંચ મિનિટ તું ઘરમાં આવજે. શ્રીકૃષ્ણે ફરી રથને ઊભો રખાવ્યો ગોપીઓને કહે છે, દુષ્ટોને મારવા એ મારું ગૌણ કાર્ય છે. દૈત્યોનો સંહાર કરવો એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી. મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે ગોફુળમાં પ્રેમલીલા કરવાનું. હું એક સ્વરૂપે અત્રે રહીશ, તમારી સાથે ઘરે આવીશ અને એક સ્વરૂપે મથુરા જઈશ. પહેલાં યશોદાને ત્યાં એક કનૈયો હતો હવે જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ બન્યા છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૦૩
એક એક ગોપીનાં હ્રદયમાં પ્રવેશ કર્યો છે, મહાપ્રભુજી કહે છે કે આ અંતરંગમાં સંયોગ અને બહિરંગમાં વિયોગ છે.મારા વિરહમાં ગોપીઓ મારું ધ્યાન કરે. પ્રત્યેક ગોપીને અનુભવ થયો કે શ્રીકૃષ્ણ મથુરા ગયા જ નથી. તે તો અત્રે જ છે. શ્રીકૃષ્ણને લઈ રથ ચાલ્યો ગયો. ગોપીઓ ચિત્રવત્ ઊભી રહી. કનૈયો ગોકુળમાંથી ગયો નથી. એક એક ગોપીના હ્રદયમાં પોતાનું સ્વરૂપ સ્થાપીને ગયો છે, કારણ ભગવાનનું વચન છે. વૃન્દાવનં પરિત્યજ્ય પાદમેકં ન ગચ્છતિ । વિયોગ વગર તન્મયતા થતી નથી. વિયોગ વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી, અને ધ્યાન વગર સાક્ષાત્કાર થતો નથી. વ્રજવાસીઓ મારા વિયોગમાં મારા સ્વરૂપનું ધ્યાન કરતાં મારામાં તન્મય થાય એટલે વિરહ આપ્યો. વિયોગમાં પ્રેમ વધુ પુષ્ટ બને છે તેથી ગોપીઓને શ્રીકૃષ્ણે આ વિયોગ-વિશિષ્ટ યોગનું દાન કર્યું છે. ગોપીઓને તો આજે:- શ્યામ બિનું વ્રજ સૂનો લાગે, સુની કુંજ તીર જમુનાકો સબ સૂનો લાગે, શ્યામ બિનું ચેન નહીં આવે ।। રથ ચાલ્યો. રથ યમુના કિનારે આવે છે. અક્રૂર જમુનામાં સ્નાન કરવા જાય છે. જળમાં ડૂબકી મારે છે. તો જળમાં પણ તેને રામકૃષ્ણ દેખાય છે. આ શું? કુમારો તો રથમાં બેઠા છે. અહીં કયાંથી? બહાર આવી જોયું, તો કુમારો રથમાં બેઠા છે. ફરી જળમાં ડૂબકી મારી. રામકૃષ્ણ પાછા જળમાં દેખાવા લાગ્યા. તુરત મૂર્તિઓ બદલાય છે. અક્રૂરે નારાયણ ભગવાનનાં દર્શન કર્યાં. તેથી કેટલાક વૈષ્ણવો માને છે કે મથુરા જતાં શ્રીકૃષ્ણે યમુનામાં સ્નાન કર્યું અને નારાયણરૂપે પ્રગટ થયા. એટલે કે શ્રીકૃષ્ણ વૃન્દાવન પરત આવ્યા, અને નારાયણ વિષ્ણુ આગળની લીલા કરવા ગયા. શ્રીકૃષ્ણ અને નારાયણ એક છે. પણ આ ઉપાસના ના ભેદ છે. અફ્રૂરજીએ યમુનામાં સ્નાન કર્યું. અક્રૂર સ્તુતિ કરે છે. રથ મથુરાના ઝાંપા સુધી આવ્યો. શ્રીકૃષ્ણ અક્રૂરને કહે છે, તમે ઘરે જાવ. અમે તો અહીં આ બાગમાં વિશ્રામ કરીશું. જે મથુરામાં કંસ હોય તે મથુરામાં શ્રીકૃષ્ણ રહે નહિ. એટલે મથુરા બહાર બગીચામાં શ્રીકૃષ્ણ રોકાયા છે. શ્રીકૃષ્ણ મથુરામાં આવે તે પછી કંસ જીવતો રહેતો નથી. કંસ અને કૃષ્ણ એકી સાથે રહી શકે નહિ. કારણ કે અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય.