પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે. જ્યારે ભક્તોને માટે ભયનું હરણ કરવાવાળા છે.
નૃસિંહસ્વામી ( Nrisimhaswamy ) પ્રહલાદને ( Prahlad ) કહે છે તારા પિતાએ તને બહુ ત્રાસ આપ્યો. મને આવતાં વિલંબ થયો, તે માટે માફી માંગુ છું.
પ્રહલાદની ભક્તિ કેટલી દિવ્ય કે આજે પ્રભુ તેની માફી માગે છે. પ્રહલાદની ભક્તિ એવી દિવ્ય છે કે આજે પરમાત્માને માફી
માગવા ઈચ્છા થઈ. ગાય માતા વાછરડાંને ચાટે છે તેમ પ્રેમમાં નૃસિંહસ્વામી પ્રહલાદને ચાટવા લાગ્યા. જેમ જેમ ચાટે તેમ તેમ ક્રોધ
ઓછો થતો જાય છે.
પ્રહલાદ એ સત્વગુણ છે.
હિરણ્યકશિપુ ( Hiranyakashipu ) એ તમોગુણ છે.
તમોગુણ અને સત્ત્વગુણ આ બંનેનું આ યુદ્ધ છે. તેમાં ભગવાન પ્રહલાદનો સત્ત્વગુણનો પક્ષ કરે છે. શુદ્ધ સત્ત્વગુણ
આગળ તમોગુણનો નાશ થાય છે.
પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે અને જગતમાં પોતે સર્વ ઠેકાણે વસે છે એવી પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા સ્તંભમાંથી નૃસિંહસ્વામી પ્રગટ થયા છે. ઈશ્ર્વર સર્વવ્યાપક છે. એ જાણે છે બધા. અનુભવે છે કોઈક. ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો
અનુભવ કરે તો ઘર જ વૈકુંઠ બની જાય. તેના ઘરમાં ઝગડો થાય નહિ. તેના હાથે પાપ થાય નહિ, વ્યાપક એટલે સર્વમાં રહેલા.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૦
દૂધમાં માખણ દેખાતું નથી પણ દૂધના અણુપરમાણુમાં માખણ રહેલું છે, તેમ જગતના પ્રત્યેક સ્થૂલ-સૂક્ષ્મ પદાર્થમાં ઈશ્વર
રહેલા છે. તેનો અભાવ કયાંય નથી. ઈશ્વર અણુમાં અણુ અને મોટામાં મોટો છે. તેનો અભાવ કોઈ ઠેકાણે નથી. એટલે તે વ્યાપક
છે. સર્વત્ર ઈશ્વર બિરાજેલા છે. એવું મનુષ્ય સમજે તો, જીવનમાં દિવ્યતા આવે. સર્વમાં ઈશ્વર છે એમ માનો ત્યારે જીવનમાં
દિવ્યતા આવશે. સર્વમાં ઈશ્વરને નિહાળો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અંતમાં પરસ્પર, દેવો ભવ. પરસ્પરમાં ઇશ્વરને
જુઓ. લોકો એકબીજાને મળે ત્યારે રામ રામ કહે છે. એટલે કે તમારામાં રામ છે, મારામાં રામ છે.
પ્રત્યેક જડ ચેતન પદાર્થમાં મનુષ્ય ઇશ્વરને જુએ, તો તેનાથી પાપ થશે નહિ. વરકન્યા લગ્ન કરીને આવે છે, ત્યારે
કન્યાને લક્ષ્મીની ભાવનાથી પૂજવામાં આવે છે. કન્યા એ લક્ષ્મી અને વર એ નારાયણ, આજે મારા ઘેર લક્ષ્મીનારાયણ આવ્યાં છે.
આ ભાવ કાયમ ટકે તો ઘર વૈકુંઠ બની જાય.
સર્વમાં ઇશ્વરનો અનુભવ કરવાથી લાભ છે. સર્વત્ર ઇશ્વરનો અનુભવ કરે, તેના મનમાં વિકાર-વાસના આવે જ નહિ.
ઇશ્વર એવી વસ્તુ નથી કે તે એક ઠેકાણે રહી શકે. ઈશ્વર વ્યાપક છે. સર્વત્ર છે. પરંતુ ઈશ્વર સર્વ વ્યાપક છે, એ
જાણવાથી વિશેષ લાભ નથી. પણ ઇશ્વર સર્વમાં છે એમ જાણી વ્યવહાર કરવો જોઇએ.
ભગવાનને ચંદન, પુષ્પ અર્પણ કરવા તેટલી જ કાંઈ ભક્તિ નથી, ભકિત એટલે શું? સર્વમાં ભગવદ્ભાવ રાખવો, એ
ભક્તિ છે. જે મૂર્તિમાં ભગવતભાવ રાખો છો તે ભગવાન સર્વત્ર છે. ઇશ્વર સર્વમાં બિરાજેલા છે, એવો જે અનુભવ કરે છે તેનું
જીવન ધન્ય છે. એવો અનુભવ કરનારથી પાપ થઇ શક્તું નથી. નિશ્ચય કરો, મારે પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવવો છે.
વ્યવહાર જેનો અતિ શુદ્ધ થાય છે, તે વ્યવહાર જ ભક્તિ છે. શુદ્ધ વ્યવહારને ભક્તિ કહે છે. જેના વ્યવહારમાં દંભ છે, અભિમાન છે
એનો વ્યવહાર શુદ્ધ નથી. જેનો વ્યવહાર શુદ્ધ નથી એને ભક્તિમાં આનંદ આવતો નથી. વ્યવહારની શુદ્ધિ ઇશ્વર સર્વમાં છે, તેવો
અનુભવ કર્યા વગર થશે નહિ. હું જે કરું છું તે બધું ઠાકોરજી જુએ છે એમ માનો. કોઈપણ વ્યવહાર એવો નથી કે જેમાં બોધ ન
હોય, ધંધો કરવો એ કંઈ ગુનો નથી, સેના ભગત હજામત કરવાનું કામ કરતા. એક દિવસ તેમને વિચાર થયો. હું લોકોના માથાનો
મેલ કાઢું પણ મારી બુદ્ધિની મલિનતા કાઢી નહિ. દરેક મહાપુરુષને પોતાના ધંધામાંથી જ્ઞાન મળ્યું છે. મહાજ્ઞાની જાજલિ ઋષિને
પોતાના જ્ઞાનનું અભિમાન થયું. ત્યાં આકાશવાણી સંભળાઈ કે તમે તુલાધાર વૈશ્યને મળો. જાજલિ ઋષિ તુલાધાર વૈશ્યનાં ઘરે
ગયા વાત કરતાં તે જ્ઞાની છે, તેમ જણાયું. ઋષિએ તુલાધારને પૂછ્યું, આવું જ્ઞાન તમને કોણે આપ્યું? તુલાધારે કહ્યું, મારા
માતા-પિતા અને બ્રાહ્મણ ગુરુ છે પણ વધારે જ્ઞાન મને મારા ધંધામાંથી મળ્યું છે. મારો ધંધો એ મારો ગુરુ છે. મહેનત પ્રમાણે હું
નફો લઉં છું. વૈશ્ય નફો ન લે તો પોતાના કુટુંબનું ભરણપોષણ કેમ થાય? નફો લેવો એ ગુનો નથી. ગેરવ્યાજબી નફો લેવો તે ગુનો
છે.