પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : સેવામાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરજો. સેવા પછી, પ્રાર્થના કરવાની, નાથ, અજામિલ જેવાનો ઉદ્ધાર કર્યો, તો મારો
ઉદ્ધાર શું નહિ કરો? આપે અજામિલ જેવાના ઉપર કૃપા કરેલી. નાથ, હું અધમ છું, પાપી છું, પણ અજામિલ જેવો નથી. અજામિલે
તો વેશ્યા રાખેલી, મેં ઘરમાં વેશ્યા નથી રાખી. તો મારા ઉપર કૃપા નહિ કરો? સ્તુતિ પછી ભગવાનને વંદન કરવાના. સ્તુતિમાં કોઈ
ભૂલ થઈ હોય તો, પ્રણામ કરવાથી પરિપૂર્ણ બને છે. સેવાની સમાપ્તિમાં બાલકૃષ્ણને ( Balakrishna ) સાષ્ટાંગ પ્રણામ કરવાના.
નામદેવ ( Namdev ) નિર્દોષ બાળક હતા. પિતાજીએ કહેલી સર્વ વાત સાચી માની લીધી. બાળક નાનો હશે અને તેને સમજાવવામાં
આવશે તો મૂર્તિમાં તેને ભગવાન દેખાશે. બાળક મોટી ઉંમરનો થાય, તે પછી તેને સમજાવવા જશો, તો તે સામે દલીલો કરશે.
તેથી નાનપણથી બાળકોમાં ભક્તિના સંસ્કાર દૃઢ કરજો. નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ પીશે. વાત ઠસી ગઈ કે
પરમાત્મા જમે છે.
ભગત થવાતું નથી. ભગત જન્મથી જ હોય છે. ભગત જન્મે છે. નામદેવ બાલ્યાવસ્થાથી જ ભકત
હતા.
તે દિવસે રાત્રે નામદેવને ઊંઘ આવતી નથી. સવારે ઠાકોરજીની ( Thakorji ) મારે સેવા કરવાની છે. પ્રાતઃકાળમાં ચાર વાગ્યે બાળક
ઊઠયો છે. ભગવાનને પ્રેમથી જગાડે છે. ભગવાનની સેવા બાળક થઇને કરજો. બાળક નિર્દોષ હોય છે. નિર્દોષ થઇને સેવા કરજો,
નામદેવે ઠાકોરજીના ચરણ પખાળી સુંદર શણગાર કર્યો છે. વિઠ્ઠલનાથ ( Vitthalnath ) પ્રસન્ન દેખાય છે. ઘરના ગરીબ હતા, તુળસી અને ગુંજા માળા ઠાકોરજીને પ્રિય છે, તે અર્પણ કરી છે. થોડું આપો તો પણ ઘણું માને એ ઈશ્વર. ઘણું આપો છતાં થોડું માને એ જીવ.
ઠાકોરજીને ગોપીચંદનનું ( Gopichandan ) તિલક કર્યું, શ્રૃંગાર થયા પછી ઠાકોરજીને ભૂખ લાગે છે. આપણાં હ્રદયમાં પ્રેમ હોય, તો તે પ્રેમ
જ મૂર્તિમાં જાય છે, અને મૂર્તિ ચેતન બને છે. પ્રેમ જડને ચેતન બનાવે છે. પ્રેમથી જડ ચેતન અને ચેતન જડ બને છે.
નામદેવ દૂધ લઇ આવ્યો. વિઠ્ઠલ, તમે જગતને જમાડનારા છો. હું તમને શું જમાડી શકું? તમારું તમને અર્પણ કરું છું.
ત્વદીયં વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ।
નામદેવ વારંવાર વિઠ્ઠલનાથને મનાવે છે, વિનવણીઓ કરે છે. નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલ પ્રસન્ન થયા છે. વિઠ્ઠલ દૂધ
પીતા નથી. કેવળ પ્રેમથી નામદેવને નિહાળે છે નામદેવ કહે:-હું બાળક છું. આજ સુધી સેવા ન કરી, તેથી નારાજ થયા છો? દૂધ
કેમ પીતા નથી? જલદી દૂધ પીઓ. તમને ભૂખ લાગી હશે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૯૮
શું ખાંડ ઓછી પડી તેથી દૂધ નથી પીતા? નામદેવ ઘરમાં જઇ ખાંડ લઈ આવ્યો અને ફરીથી દૂધમાં ખાંડ નાંખી.
જીવ ઇશ્વરને મનાવતો નથી. તેથી પરમેશ્વર માનતા નથી.
વિઠ્ઠલ તમે દુધ પીશો નહિ તો હું દૂધ પીવાનું છોડી દઈશ. તમે દૂધ નહિ પીઓ તો તમારા આગળ માથું પછાડીશ.
બાળક અતિશય વ્યાકુળ થયો છે. વિઠ્ઠલ દૂધ પીઓ નહીંતર મારા પિતા મને મારશે. બાળક જયાં માથું પછાડવા તૈયાર થયો. તે જ
સમયે પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો. મૂર્તિ આજે જડ નહીં પણ ચેતન બની છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ
હતા. વિઠ્ઠલ દૂધ પીતા હતા. નામદેવને આનંદ થયો. આશા હતી વિઠ્ઠલનાથ થોડો પ્રસાદ આપશે. વિઠ્ઠલનાથ તમને આજે શું
થયું છે? તમે એકલા દૂધ પી જશો? મને દૂધ નહિ આપો? વિઠ્ઠલનાથે નામદેવને ગોદમાં લીધો. નામદેવે વિઠ્ઠલનાથને દૂધ
પીવડાવ્યું અને વિઠ્ઠલનાથે નામદેવને દૂધ પાયું. આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો.
ભક્તિ, પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી. આ પ્રેમમાં એવી શક્તિ છે કે નિષ્કામ સકામ બને છે. નિરાકાર સાકાર
બને છે. ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો. ઇશ્વર જીવ પાસે પ્રેમ માંગે છે. પ્રેમ કરવા લાયક એક ઇશ્વર છે. સેવા કરતા હ્રદય પીગળે અને
આંખમાંથી આંસુ નીકળે, તો માનજો સેવા કરી.
જ્ઞાનથી વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે. પરંતુ જ્ઞાનથી તે વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. જ્યારે ભક્તિ તે વસ્તુના
સ્વરૂપનું પરિવર્તન કરવા પણ શક્તિમાન છે. જડ મૂર્તિને ચેતન બનાવવાની શક્તિ પ્રેમમાં છે-ભક્તિમાં છે.
બિંબને શણગારો તો પ્રતિબિંબ સુંદર લાગશે. ઈશ્વરને અર્પણ કરશો તો પ્રભુ અનંતગણું બનાવીને પાછું આપશે.
દ્રૌપદીની પરમાત્માએ લાજ બચાવ્યા પછી, એકાંતમાં બંને મળ્યા દ્રૌપદીએ પ્રભુનો ઉપકાર માન્યો.