261
Join Our WhatsApp Community
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
છઠ્ઠા સ્કંધ માં ત્રણ પ્રકરણ છે:-(૧) ધ્યાન પ્રકરણ:-ચૌદ અધ્યાય માં ધ્યાન પ્રકરણનું વર્ણન કર્યું છે. ચૌદ અધ્યાય
નો અર્થ છે:-પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર. આ ચૌદ ને પરમાત્મામાં પરોવી રાખે તો, ધ્યાન
સિદ્ધ થાય છે.
(૨) અર્ચન પ્રકરણ:-બે અધ્યાય માં સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચન નું વર્ણન કર્યું.
(૩) નામ પ્રકરણ:-ત્રણ અધ્યાય માં ગુણ સંકીર્તન, નામ સંકીર્તન નું વર્ણન કર્યું.
પરમાત્મા ના મંગલ મય નામનો જપ કરો. જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ માર્ગી હોય, તો પણ ઇશ્વરનું ધ્યાન કર્યા વગર
ચાલતું નથી. એક માં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. સાધન ત્રણ બતાવ્યાં છે:-ધ્યાન, અર્ચન અને નામ. આ ત્રણ
સાધનો કરે તેનાં પાપનો નાશ થાય અને તે કોઈ દિવસ નરકમાં ન જાય. પ્રભુ ના મંગલ મય સ્વરૂપ નું ધ્યાન-જપ કરવાની આદત
પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે તે માટે આ ત્રણ સાધનો કરો.
રોજ ઠાકોરજી ની સેવા કરો, તેમના નામનો જપ કરો, અને તેમનું ધ્યાન કરો.
આ ત્રણ સાધન, તમારાથી ન થાય તો એક સાધનમાં દૃઢ નિષ્ઠા રાખો.
વાસના નો વિનાશ, ઇન્દ્રિયોને ભક્તિ રસ માં તરબોળ ન કરો, ત્યાં સુધી થતો નથી. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે
જાય છે. યમુના મહારાણી ભક્તિનું સ્વરૂપ છે. તે જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મસંબંધ થાય
છે.
ધ્યાન, અર્ચન અને નામસ્મરણ, આ ત્રણ સાધનથી ભક્તિ દૃઢ થાય છે. પરમાત્માનું ધ્યાન ન કરાય ત્યાં સુધી મન શુદ્ધ
થતું નથી. વ્રતથી દ્રવ્ય શુદ્ધિ થશે, પણ મન શુદ્ધિ થતી નથી.
દાન કરવાથી ભગવાન મળતા નથી. લક્ષ્મી. ગીતાજી માં પણ કહ્યું છે કે,
નાહં વૈદેર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા । ગી.અ.૧૧.શ્ર્લો.૫3.
ન વેદ થી, ન તપ થી, ન દાન થી, અને ન તો યજ્ઞ થી મારી પ્રાપ્તિ થાય છે.
મન શુદ્ધિ પરમાત્મા ના ધ્યાન થી થાય છે. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનમાં એકાગ્રતા ન થાય તો, નામ
સ્મરણ ની જરૂર છે.
આ ત્રણ ન થાય તો કાંઈ નહીં, પણ આમાં ના એકને પકડી રાખો. સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત નથી.
મનુષ્યે જીવનમાં લક્ષ્ય નકકી કરવું જોઈએ. જે જીવનમાં એક ધ્યેય નથી, તેનું જીવન નાવિક વગરની નૌકા જેવું છે.
ધ્યેય નક્કી કરી, તે ધ્યેય સિદ્ધ કરવા સાધના કરો. આ કલિ કાળ માં કાંઈ થઈ શકતું નથી, તેથી નામ સ્મરણનો આશરો લેવો.
કલિ કાલ માં નામ સેવા પ્રધાન બતાવી છે.
કળિયુગમાં સ્વરૂપ સેવા જલદી થી ફરતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે, પણ તેમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા
કલિ યુગનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવા મોટી કહી છે.
જે વસ્તુ દેખાય તેનું નામ પકડી રાખે, તે નામ માંથી સ્વરૂપ પ્રગટ થશે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર, જ્યાં સુધી
થયો નથી, ત્યાં સુધી જો નામનો આશ્રય રાખે તો તેને, એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે.
સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે છે કે ઝાડના પાંદડે પાંદડા માંથી રામનામ નો ધ્વનિ નીકળે છે.
પરમાત્મા નાં નામમાં નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે. પાપ જીભને પકડી રાખે છે.
ઘરે જાવ ત્યારે પગલે, પગલે ભગવાનનું નામ લો. પદે, પદે યજ્ઞ નું પુણ્ય મળશે. આ અતિશય સુલભ છે, છતાં થતું નથી.
નામમાં દૃઢ નિષ્ઠા રાખો. સતત પરમાત્મા નાં નામનો જપ કરવાની ટેવ પાડો, તો મરણ સુધરે. નામ નિષ્ઠા થાય તો
નામી ઈશ્વરનું સ્મરણ થતાં મરણ સુધરે છે. બ્રહ્મ નિષ્ઠા અંતકાળ સુધી ટકાવવી મુશ્કેલ છે. કળિ કાળમાં નામ નિષ્ઠા વગર બીજો
કોઈ ઉપાય નથી.
રામનામ થી પથ્થર તરી ગયા છે. પણ રામે નાંખેલા પથ્થર ડૂબી ગયા છે.
રામનામ થી પથ્થરો તરે છે, એક વખત રામચંદ્રજી ને કુતૂહલ થયું, રામનામ થી પથ્થરો તરેલા અને વાનરો એ સમુદ્ર
ઉપર સેતુ બાંધેલો. મારો હાથ અડકવા થી પથ્થરો તરે છે કે નહિ, તેની ખાત્રી કરું. તેઓ કોઈ ન જુએ તેવી રીતે સમુદ્ર કિનારે
આવ્યા. રામચંદ્રજી એ પોતે પથ્થરો ઊંચકીને સમુદ્રમાં ફેંક્યા, તે સર્વ પથ્થરો સમુદ્રમાં ડૂબી ગયા. રામચંદ્રજી ને આશ્ચર્ય થયું કે
આમ કેમ બન્યું? મારું નામ માત્ર લખવા થી તો પથ્થરો તરેલા.
હનુમાનજી આ કૌતુક છુપાઇને જોતા હતા. રામજી નિરાશ થઈ પાછા ફરતા હતા. હનુમાનજી સામેથી આવ્યા અને મળ્યા.
તેઓએ હનુમાનજી ને પૂછ્યું:-મારા નામે સમુદ્રમાં પથ્થરો તર્યા અને મેં પોતે પથ્થરો સમુદ્રમાં ફેંક્યા તે સર્વ ડૂબી ગયા. આમ કેમ?
હનુમાનજી કહે:-એમ જ હોય ને! તેમાં શું અયોગ્ય છે? રામજી જેને ફેંકે, એટલે કે તર છોડે તેને કોણ તારી શકે? રામજી
જેને ફેંકે-ત્યજી એ તો ડૂબી જ જાય! એ પથ્થરો ને આપે તજ્યા એટલે ડૂબી ગયા.