પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
સાઙ્ કેત્યં પારિહાસ્યં વા સ્તોભં હેલનમેવ વા । વૈકુણ્ઠનામગ્રહણમશેષાઘહરં વિદુ: ।।
પતિત: સ્ખલિતો ભગ્ન: સંદષ્ટસ્તપ્ત આહત: । હરિરિત્યવશેનાહ પુમાન્નાર્હતિ યાતનામ્ ।।
આ બાબતમાં ભાગવત બિલકુલ સ્પષ્ટ છે. મોટા મોટા મહાત્મા પુરુષ આ વાત જાણે છે કે:-
સંકેતથી,પરિહાસમાં,તાનનો આલાપ લેવામાં, અથવા કોઈની અવહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે
છે તો તેનાં સઘળાં પાપો નષ્ટ થઈ જાય છે.
જે મનુષ્ય પડતી વખતે, પગ લપસી પડે ત્યારે, અંગભંગ થાય ત્યારે, (મૃત્યુ વેળાએ) સાપ ડંસે ત્યારે, તાવ વગેરેના
દાહ સમયે, ચોટ લાગે ત્યારે, વગેરે સમયે વિવશતાથી હરિ-હરિ કહી ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, તો તે નરકની
યાતનાને પાત્ર રહેતો નથી.
પડતી વખતે કાંઈ નુકશાન થાય તે સમયે હાય હાય નહીં, હરિ હરિ કરો.
ઘરમાં દૂધ ઉભરાય ત્યારે માતાજીઓ હાય હાય કરે છે. હાય હાય કરે શું વળવાનું હતું? તેને બદલે હરિ હરિ કહો.
અનાયાસે યજ્ઞનું ફળ મળશે. બાકી કોઈ અગ્નિને આહૂતિ આપવાના નથી. હાય હાયમાં સ્હેજ ફેરફાર કરી હરિ હરિ કહો. આથી
અનાયાસે પ્રભુ સ્મરણ થશે. હરિના નામનો જપ થશે.
વાલ્મીકિ રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો દુ:ખ મૃતાત્માને થાય છે. અને જો હરિ હરિનું
સ્મરણ કરે તો, તેનું પુણ્ય મૃતાત્માને મળે. વિષ્ણુદૂતો કહે છે:-અજામિલનું બાર વર્ષનું આયુષ્ય બાકી છે. બાર વર્ષનું આયુષ્ય
તેને ભોગવવા દો.
વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો. તેનો ઉધ્ધાર થયો.
અપમૃત્યુ ટળે છે. મહામૃત્યુ ટળતું નથી. સત્કર્મથી અપમૃત્યુ આયુષ્ય બાકી હોવા છતાં પાપકર્મોના ફળરૂપે આવેલું મૃત્યુ
ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું તેથી તે ટળ્યું.
અજામિલ આ બધું પથારીમાં પડયો પડયો સાંભળતો હતો. અતિ પાપીને પશ્ચાત્તાપ થાય તો તેના જીવનમાં એકદમ
પલટો આવે છે. તે સુધરી જાય છે અને આ જીવનમાં જ મુક્તિ મેળવે છે. માટે કોઈ પાપીનો તિરસ્કાર ન કરો. પાપનો તિરસ્કાર
કરો. અજામિલને અતિશય પશ્ચાત્તાપ થયો. કરેલા પાપ માટે. હ્રદયથી પશ્ચાત્તાપ થયો. પ્રાયશ્ચિતથી તેનાં સર્વ પાપો બળી
ગયાં. તે સર્વ છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો.
હ્રદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય, પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે છે.
હવે તે નીરસ ભોજન કરતો. જેનું ભોજન સરસ, એનું ભજન નીરસ. જેનું ભોજન નીરસ, એનું ભજન સરસ.
પૈસા માટે જીવશો નહીં. જીવન કુટુંબ માટે નથી. જીવન શ્રીકૃષ્ણ માટે છે.
અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ. ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ છે. તેમને લેવા પાર્ષદો વિમાન લઇને
આવ્યા છે. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલ વિચારે છે, મેં અનેક પાપો કર્યા, પણ મને સદ્ગતિ મળી છે. મેં નામમાં નિષ્ઠા
રાખી અને મને આ ફળ મળ્યું છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૦
અજામિલે ‘નારાયણ નારાયણ’ જપ કરીને ભૂલ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજાવો તો જીભ સુધરે.
આપણી લૂલી(જીભ) શિખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપો. જીભને કહો કે તું વ્યર્થ ભાષણ કરે છે. નકામી ટક ટક કરે
છે, ભગવાનનું નામ લેતી નથી. જીભને લીમડાનો રસ પીવડાવશો, તો જીભે રામ નામ ચઢી જશે.
ભગવદ્ભક્તિ કરનારને આ લોકમાં અને પરલોકમાં પણ માન મળે છે.
ભગવદ્કીર્તન કરતાં કરતાં અજામિલ ભગવદ્ ધામમાં ગયો છે, ભાગવતના નામ નો આશ્રય કરનાર અજામિલ તરી ગયો
છે. પહેલાં અજનો અર્થ કરેલો માયા. હવે નામનો આશ્રય કર્યા પછી અજનો અર્થ થયો બ્રહ્મ. આજે અજામિલ એ જ-બ્રહ્મ સાથે
મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ શિવ એક થયા છે.
અજામિલ શબ્દના બે અર્થ થાય છે:- (૧)અજા માયાથી-માયામાં ફસાયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું
છે. પણ શ્રીમદ્ શંકરાચાર્યે માયાની વ્યાખ્યા કરેલી છે કે—કંચન કામિનીમાં જે ફસાયેલો રહે, તેને માયામાં ફસાયેલો ગણવો.
કિમત્ર હેયં કનકં ચ કાન્તા ।
આ જગતમાં ત્યજવા જેવી કઈ વસ્તુઓ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાન્તા. આ બેમાં જે ફસાયો તે
માયામાં ફસાયો.
મણિરત્નમાળાના પ્રશ્ર્નોત્તર ઘણા ઉત્તમ છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
વદ્ધો હિ કો યો વિષયાનુરાગી । કા વા વિમુક્તિર્વિષયે વિરક્તિ: ।।
કો વાસ્તિ ઘોર નરક: સ્વદેહ: । તૃષ્ણાક્ષય: સ્વર્ગપદં કિમસ્તિ ।।
બંધાયેલો કોણ? જે પાંચ વિષયોમાં આસક્તિવાળો છે તે.
મુકત કોણ? જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવેલો છે તે.
ઘોર નરક ક્યું છે? પોતાનો જ દેહ.
આ શરીરમાં શું સુંદર છે? મૂત્ર, વિષ્ટા, માંસ લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે.
સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું? સર્વ તૃષ્ણાઓનો ક્ષય.
કો વા દરિદ્રો હિ વિશાલ તૃષ્ણ: ।
શ્રીમાંશ્ર્ચ કો યસ્ય સમસ્તોષ: ।।
દરિદ્ર કોણ? જેને ઘણી તૃષ્ણાઓ છે તે.
શ્રીમંત કોણ? સદાને માટે સંપૂર્ણ સંતોષી છે તે.
કો દીર્ધરોગો ભવ એવ સાધો ।
કિમૌષધં તસ્ય વિચાર એવ ।।
મોટામા મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો તે.
આ રોગને દૂર કરવાનું ઔષધ ક્યું? પરમાત્માના સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે.