પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભક્તિ વૈરાગ્ય વગર દૃઢ થતી નથી. ભોગ માટે ભક્તિ ન કરો. ભક્તિ તો ભગવાન માટે થાય. પહેલા શ્લોકમાં,
વૃત્રાસુરની શરણાગતિ છે. બીજા શ્લોકમાં વૃત્રાસુરનો વૈરાગ્ય બતાવ્યો છે. શરણાગતિની ત્રણ ભેદ જ્ઞાનીઓ માને છે. નાથ, હું
તમારો છું. જીવને પરમાત્મા અપનાવે છે ત્યારે જીવ માને છે કે ઠાકોરજી મારા છે. ભગવાન મારા છે. એ ભાવ વધે ત્યારે અનુભવ
થાય છે કે હવે જગતમાં બીજું કોઈ નથી.
જ્ઞાન વૈરાગ્ય વધે એટલે સર્વ ભગવાનમય લાગે છે. હવે “હું પણું રહેતું નથી અહમ્ બ્રહ્માસ્મિ । જગતમાં ભગવાન જ છે.
બીજુ કાંઈ નથી. "હું" રહેતું નથી. હું ઇશ્વરમાં લીન થાય છે. શરણાગતિ વૈરાગ્ય વિના દૃઢ થતી નથી.
બીજા શ્લોકમાં, વૈરાગ્ય છે. વૃત્રાસુરને ભક્તિ વડે ઈન્દ્રનું રાજ્ય લેવાની કે મોક્ષની પણ અપેક્ષા નથી. ભગવાન
વૃત્રાસુરને પૂછે છે. વૈષ્ણવોના નોકર થઈ તારે કાંઈ માંગવું છે? વૃત્રાસુર કહે છે-મને સ્વર્ગનું તો શું બ્રહ્મલોકનું રાજ્ય પણ જોઈતું
નથી. ભોગ એ ભક્તિમાં બાધક છે.
આજકાલ તો શિક્ષણ જ એવું આપવામાં આવે છે કે જેથી વિષયવાસના વધે. વિષયવાસના વધે તો જીવન બગડે છે.
વૃત્રાસુર કહે છે મને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. તમારી સેવા કરું છું તે ફકત તમારા માટે. હું તમારા ઉપયોગમાં
આવું.
ત્રીજા શ્લોકમાં, પ્રાર્થના કરી છે. તમારાં દર્શન માટે મને આતુર બનાવો. પરમાત્મા પૂરો પ્રેમ માગે છે. જીવ પરમાત્માને
પૂરિપૂર્ણ પ્રેમ આપતો નથી એટલે જીવ ઈશ્વરને ગમતો નથી. જીવ પ્રેમ આપે છે સ્ત્રી પુત્રાદિકને. મને એક જ ઇચ્છા છે. તમારા
દર્શન માટે હું આતુર બનું.
ચોથા શ્ર્લોકમાં, વૃત્રાસુરે સત્સંગની માગણી કરી છે. મને જો જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય
બનાવજો. મારું દૂધ પ્રભુ માટે વપરાય તો હું પશુ થવા તૈયાર છું. પશુ શરીરમાં પણ મને સત્સંગ મળે.
વૃત્રાસુરે એવી સ્તુતિ કરી કે ઈન્દ્ર પણ ડોલવા લાગ્યો.
ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. તેથી ભગવાન મુક્તિ આપે છે. પણ ભક્તિ આપતા નથી. ભગવાન કૃપા કરે ત્યારે
નાશવંત સંપત્તિ વગેરે આપતા નથી. પણ ભક્તિ આપે છે. ભગવાન મુક્તિ જલદી આપે છે. પણ ભક્તિ જલદી આપતા નથી.
ભગવાન ભક્તિ આપે તો, કોઈ વખત ભક્તને ઘરે સેવક બનવું પડે છે. ભક્તિ સ્વતંત્ર પરમાત્માને પ્રેમના બંધનમાં પરતંત્ર બનાવે
છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૫
સ્તુતિ પૂરી થઈ. ત્યારે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો. વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત્ સ્વરૂપમાં લીન થયું છે.
ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો.
છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ લીલા છે. ભગવાને વૃત્રાસુર ઉપર પુષ્ટિ કરી-કૃપા કરી.પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યોં:-વૃત્રાસુર મહાન
ભગવતભકત હતા તેમ છતાં, તેને રાક્ષસ યોનિમાં કેમ જન્મ મળ્યો? વૃત્રાસુરને શ્રી હરિમાં આટલી તીવ્ર ભક્તિ શાથી થઈ?
વૃત્રાસુરનુ પૂર્વ વૃત્તાંત કહો.
શુકદેવજી વર્ણન કરે છે. રાજન્! શ્રવણ કરો. વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. ચિત્રકેતુમાં વૃત્રાસુરનો
જન્મ થાય છે. તેની પટ રાણીનું નામ કૃતદ્યુતિ, તેને સંતાન ન હતું.
અહીં શબ્દાર્થ નહીં, લક્ષ્યાર્થ લેવાનો છે. ચિત્રવિચિત્ર કલ્પનાઓ કરે તે જ ચિત્રકેતુ. મન ચિત્રવિચિત્ર કલ્પનાઓ કરે છે.
કૃતદ્યુતિ એ બુદ્ધિ છે. અનેક વિષયોનો વિચાર મન કરે છે. એ અનેક વિષયાકાર સ્થિતિમાં ચિત્રકેતુનો જન્મ થાય છે. જગતમાં
બહારનાં ચિત્રો જે મનમાં ઠસી ગયાં છે તે ભજનમાં વિઘ્ન કરે છે.
અંગિરાઋષિ એક દિવસ રાજાના ઘરે પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગિરાઋષિ પાસે પુત્રની માંગણી કરી, અંગિરાઋષિ કહે
છે:-પુત્રનાં માબાપને કયાં શાંતિ છે? તારે ત્યાં છોકરાં નથી એ જ સારું છે.
રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયાં હતાં એટલે દુરાગ્રહ કર્યો. અંગિરાઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો. રાજાને
બીજી રાણીઓ હતી. ઈર્ષાવશ ઓરમાન માએ બાળકને ઝેર આપ્યું. બાળક મરણ પામ્યો. ચિત્રકેતુ અને કૃતદ્યુતિ રડવા લાગ્યાં. તે
સમયે નારદજી અંગિરાઋષિ સાથે ત્યાં આવ્યા છે. પુત્રના મરણથી રાજારાણીને વિલાપ કરતાં જોઈ નારદજીએ ઉપદેશ કર્યો કે પુત્ર
માટે ન રડો. હવે તમે તમારા માટે રડો. આ પુત્ર જ્યાં ગયો છે, ત્યાંથી પાછો આવવાને નથી. પુત્રના ચાર પ્રકારો કહેવામાં આવ્યા
છે.
(૧)શત્રુપુત્ર:-પૂર્વ જન્મનો વેરી. પુત્ર તરીકે આવે તો તે ત્રાસ આપવા જ આવે છે.
(૨)ઋણાનુબંધી:-પૂર્વ જન્મોનો લેણદાર માંગતું ઋણ વસુલ કરવા આવે છે. ઋણાનુંબંધી પુત્ર કેવળ લેવા માટે આવે
છે.
(૩) ઉદાસીન પુત્ર:- લગ્ન ન થાય ત્યાં સુધી માતપિતા પાસે રહે છે. માબાપ પાસે કાંઈ માંગવુ નહિ અને આપવું પણ
નહિ, કશી લેવાદેવા કે સંબંધ રાખતો નથી તે. આવો પુત્ર લગ્ન થાય એટલે માબાપથી જુદો થાય છે, માબાપને આશા હોય છે કે
મારા છોકરાને ચાર હાથ થાય અને તે મારી સેવા કરશે. પણ લગ્ન થયા, પછી હાથ જેમ ચાર થાય છે. તેમ પગ પણ ચાર થાય છે.
ચાર પગવાળું કોણ? સમજી ગયા ને? ઘણે ભાગે મનુષ્ય લગ્ન કર્યા પછી પશુવત જીવન ગાળે છે.
(૪) સેવક પુત્ર:-સેવા કરવા માટે આવે છે તે. પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે તો તે સેવક થઇને આવશે. તમારી સેવા
કરશે.