પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પતિ-પત્નીના પ્રેમમાં પણ સ્વાર્થ અને કપટ હોય છે. જીવ કેવો સ્વાર્થી અને કપટી છે. છલકપટ બહુ વધ્યું છે. અમને
એક બહેન મળેલાં. તેમની સાસુએ તેને કહ્યું હતું, ત્રણ છોકરીઓ થઇ હવે આ વખતે છોકરી થશે તો તેને ગમે તેમ કરી ઘરમાંથી
કાઢી મૂકશે.
છોકરો આવે કે છોકરી આવે તે બહેનના હાથની વાત નથી. પુત્ર તો એક જ કુળને તારે છે, પુત્રી લાયક હોય તો પિતાનું
અને પતિનું કુળ તારે છે. કન્યા ઉભય કુળને દીપાવે છે.
ન કરે નારાયણ પણ પત્ની માંદી પડે તો ચાર પાંચ હજાર ખર્ચ કરશે. બે ચાર વર્ષ રાહ જોશે, સારી ન થાય તો
ઠાકોરજીની માનતા માનશે. આનું કાંઈક થઇ જાય તો સારું. કાંઈક થઈ જાય એટલે સમજ્યાને? મરી જાય તો સારું. તે વિચારે છે,
મારી ઉંમર પણ વધારે નથી. ૪૮મું હમણાં જ બેઠું છે. ધંધો સારો ચાલે છે, બીજી મળી રહેશે. મૂર્ખાને બોલવામાં વિવેક નથી.
પતિ-પત્નીના પ્રેમમાં કપટ છે. પત્ની સુખ આપે તો પતિ પ્રેમ કરે. પત્ની ત્રાસ આપે, સુખ આપતી બંધ થાય તો પતિ ઇચ્છશે,
આનું કાંઈક થઈ જાય. પતિ દુઃખ આપે તો પત્ની પણ ઈચ્છે છે, પતિ મરી જાય તો સારું.
સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહિંસબુ પ્રીતિ.
પત્ની સુખ આપે છે, એટલે પતિ તેને ચાહે છે. પત્ની છે તેટલા માટે જ કાંઈ પતિ તેને ચાહતો નથી. પત્ની સુખ આપતી
બંધ થાય ત્યારે તેના ઉપર તિરસ્કાર છૂટશે. જગતમાં સ્વાર્થ અને કપટ સિવાય બીજું કાંઈ નથી. આ વિષે ઋષિ યાજ્ઞવલ્કય અને
મૈત્રેયી વચ્ચે સુંદર સંવાદ થયેલો.
યાજ્ઞવલ્કય ઋષિએ સંન્યાસ ગ્રહણ કરવા નિશ્ચય કર્યો. તેથી પોતાની બંને પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયનીને
બોલાવીને કહ્યું મારે હવે સંન્યાસ લેવો છે. તમારી વરચે ઝઘડો ન થાય એટલે સર્વ સંપત્તિ તમને બંનેને સરખે ભાગે વહેંચી આપું.
મૈત્રેયી બ્રહ્માવાદિની હતી. તેણે પૂછયું:-આ ધનથી હું મોક્ષ પામી શકીશ? હું અમર થઈ શકીશ?
યાજ્ઞવલ્કય:-ધનથી મોક્ષ ન મળી શકે. પણ ધનથી બીજા ભોગ પદાર્થો મળી શકે એટલે તમે આનંદથી જીવી શક્શો.
મૈત્રેયી:-જે ધનથી મોક્ષ ન મળે, તે ધનને મારે શું કરવું છે? તમે સઘળું ધન કાત્યાયનીને આપો.
મૈત્રેયીને જીજ્ઞાસુ જાણીને યાજ્ઞવલ્કયે તેને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો-મોક્ષનાં સાધન કહ્યાં.
યાજ્ઞવલ્કય:-હે મૈત્રેયી ઘર, પુત્ર, સ્ત્રી આદિ જે પ્રિય લાગે છે તે પોતાના સુખને માટે પ્રિય લાગે છે. પ્રિયમાં પ્રિય તો
આત્મા જ છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૨
આત્મ વૈ પ્રેયસાં પ્રિય: ।
ન વા અરે પત્ત્યુ: કામાય પતિ: પ્રિયો ભવત્યાત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ ।
ન વા અરે જાયાયા: કામાય જાયા પ્રિયા ભવત્યાત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતિ ।
ન વા અરે પુત્રાણા કામાય પુત્ર: પ્રિયા ભવન્તિ આત્મનસ્તુ કામાય પુત્રા: પ્રિયા ભવન્તિ ।
પતિ ઉપર સ્ત્રીનો અધિક પ્રેમ હોય તે પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહિ, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા
માટે છે. પત્ની પતિને ચાહે છે, કારણ કે પતિ તેનું ભરણપોષણ કરે છે. પતિ હશે તો મારું ભરણપોષણ કરશે. એ આશાએ પત્ની
પતિને ચાહે છે, નહિ કે પોતાનો પતિ છે એટલા માટે.
પતિને સ્ત્રી અધિક પ્રિય લાગે છે તે પત્નીની કામનાઓ પૂર્ણ કરવા માટે નહિ, પણ પોતાની જ કામનાઓ પૂર્ણ કરવા
માટે પ્રિય લાગે છે. પતિ પત્નીને ચાહે છે, કારણ કે પત્ની તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે નહિ કે તે ફકત પત્ની છે એટલા માટે જ.
માતા-પિતાનો પુત્ર ઉપર અધિક પ્રેમ હોય છે તે પણ પુત્રો માટે નહિ, પણ પોતાને માટે જ. માતાપિતા પુત્રને ચાહે છે
કારણ કે તેઓને આશા હોય છે કે પુત્ર મોટા થઈને તેઓનું ભરણપોષણ કરશે. તેઓને પાળશે, નહિ કે પોતાનો પુત્ર છે એટલા માટે
જ ચાહે છે.
મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી, તે સ્વાર્થ સાથે પ્રેમ કરે છે.