પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આ શરીર બહુ મોઘું છે. અનેકવાર જન્મ-મરણનો ત્રાસ ભોગવતો આ જીવ મનુષ્ય શરીરમાં આવ્યો છે.
ઈશ્વર નિત્ય છે, અને શરીર અનિત્ય છે. પણ અનિત્યથી નિત્યની પ્રાપ્તિ થાય છે. માટે મનુષ્ય શરીરનો મહિમા છે.
પહેલાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણવામાં આવતું. આજે તે સ્થિતિ નથી. મનુષ્યના આયુષ્યનાં વર્ષોમાંથી, અર્ધું
આયુષ્ય નિદ્રામાં જાય છે. લગભગ પા આયુષ્ય બાલ્યાવસ્થા અને કુમારાવસ્થામાં જાય છે. બાલ્યાવસ્થા અજ્ઞાનમાં અને
કુમારાવસ્થા ખેલકૂદમાં જાય છે. બાકીના વર્ષો રહ્યાં તેમાંથી વૃદ્વાવસ્થાના વર્ષો બાદ કરીએ, કારણ શરીર ક્ષીણ થઈ જવાથી
વૃદ્ધાવસ્થામાં કાંઈ થઈ શકતું નથી. તો થોડા વર્ષ રહ્યાં, તે જુવાનીના વર્ષો કામભોગમાં પસાર થાય છે. આમાં તે આત્માનું
કલ્યાણ ક્યારે સાધવાનો?
માટે મનુષ્યએ આત્મકલ્યાણ માટે તરત પ્રયત્ન કરવો જોઈએ. કહ્યું છે કે:-
યાવત સ્વસ્વમિદં કલેવરગૃહ યાવચ્ચ દૂરે જરા । યાવચ્ચેન્દ્રિય શક્તિરપ્રતિહતા યાવત્ક્ષયો નાયુષ: ।।
આત્મશ્રેયસિ તાવદેવ વિદુષા કાર્ય: પ્રયત્નો મહાન્ । પોદ્ દીપ્તે ભવને ચ કૂપખનનં પ્રત્યુદ્યમ: કીદ્દશ: ।।
જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે. વૃદ્ધાવસ્થાનું આક્રમણ નથી થયું, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઈ, આયુષ્યનો ક્ષય
નથી થયો, ત્યાં સુધીમાં ડાહ્યા મનુષ્યએ પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. નહીંતર પછી ઘરમાં આગ લાગ્યા
પછી કૂવો ખોદવાના પ્રયત્નનું પ્રયોજન શું?
તતો યતેત કુશલ: ક્ષેમાય ભયમાશ્રિત: ।
શરીરં પૌરુષં યાવન્ન વિપધેત પુષ્કલમ્ ।।
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૫
આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે. એથી આ શરીર કે જે ભગવત્ પ્રાપ્તિને માટે પર્યાપ્ત છે તે રોગ,
શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઈ જાય તે પહેલાં બુદ્ધિમાન મનુષ્યએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો.
મનુષ્ય દુઃખ માગતો નથી. છતાં મનુષ્યને અચાનક દુઃખ આવીને ઊભુ રહે છે. કોઈ એવી માનતા રાખતું નથી કે મને
તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે. તેમ
વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ મળે છે. સુખદુઃખ પ્રારબ્ધને આધીન છે. સુખદુઃખ એ પ્રારબ્ધ પ્રમાણે મળે છે. તે માટે પ્રયત્ન
કરવાની જરૂર નથી. પ્રારબ્ધ એ પૂર્વ જન્મના કર્મનું ફળ છે. દરિદ્ર સંપન્ન બને છે અને સંપન્ન દરિદ્ર બને છે. માટે સુખદુઃખ માટે
પ્રયત્ન ન કરો. પ્રારબ્ધ અનુસાર મળવાનું છે, તેને માટે પ્રયત્ન નકામો છે. પ્રયત્ન પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરો. પ્રયત્ન કરો
પરમાત્માને મેળવવા માટે.
જે પ્રારબ્ધથી મળવાનું છે એના માટે બધા પ્રયત્ન કરે છે. પણ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ, તેના માટે કોઈ પ્રયત્ન
કરતું નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે, પ્રારબ્ધ નહિ. સત્કર્મમાં વિઘ્ન
કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી. મનુષ્યની પોતાની દુર્બળતાથી પ્રભુભજનમાં વિઘ્ન આવે છે.
બાળકોએ પ્રહલાદને પૂછ્યું:-અમે વૃદ્ધાવસ્થામાં ભજન કરીએ તો? પ્રહલાદજી સમજાવે છે. ઈશ્વરનું ભજન જુવાનીમાં જ
થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થાય પછી ઇશ્વરનું આરાધન થતું નથી. વૃદ્ધાવસ્થામાં દેહની ભક્તિ થાય છે. દેવની ભક્તિ
થઇ શકતી નથી.
બાળકો કહે છેઃ-અમે જુવાનીમાં ભક્તિ કરીએ તો? અત્યારથી ભક્તિ કરવાની શું જરૂર છે?
પ્રહલાદજી સમજાવે છે:-જુવાનીમાં મદ આવે છે. જુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોના લાડ કરે છે. ઇન્દ્રિયોનો ગુલામ બને છે.
જુવાનીમાં અનેક પ્રકારના મોહમાં મનુષ્ય ફસાય છે. પૈસો કમાવામાં અને ઇન્દ્રિયોને લાડ કરાવવામાં, મનુષ્યના આયુષ્યનો નાશ
થાય છે. આત્મા ઇન્દ્રિયોનો માલિક હોવા છતાં મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બને છે.
મોટા મોટા વિદ્વાનો આખો દિવસ પૈસા પાછળ પડે છે અને રાત્રે કામાંધ બને છે. વિદ્યાનું ફળ છે, આ જન્મમરણના
ત્રાસમાંથી છૂટવું. વિદ્યાનું ફળ છે, પરમાત્માની પ્રાપ્તિ. વિદ્યાનું ફળ પૈસો અને પ્રતિષ્ઠા નથી.
દૈત્ય બાળકો પૂછે છે:-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા?
પ્રહલાદ કહે છે:-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે, તેવી દ્રષ્ટિ કેળવો. જગતને પ્રસન્ન કરવું કઠણ છે. પરમાત્માને પ્રસન્ન
કરવું કઠણ નથી.