ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
રાજકોટથી ૫૦ કિલોમીટર દૂર ટેકરીઓની વચ્ચે ખીજડિયા ગામથી ત્રણ કિલોમીટર દૂર એક વિશાળ વિસ્તારમાં વન વિભાગે સિંહોનો વસવાટ કર્યો છે. જોકેઅહીં કોઈ પણ વ્યક્તિને જવાની અનુમતિ નથી અને જો પેશકદમી થાય તો વ્યક્તિ વિરુદ્ધ સીધો ગુનો નોંધાવવામાં આવે છે. અનેક પશુ-પક્ષીઓ નિર્ભય રીતે વિસ્તારમાં ફરતાં હોવાથી વન વિભાગ આ વિસ્તારમાં માનવ વિક્ષેપ સાંખતો નથી.
આ સુંદર જગ્યા એટલે રામપરા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યૂરી કે જ્યાં સિંહના સંવર્ધન માટે જીન પુલ બનાવવામાં આવ્યો છે. જીન પુલ એટલે એક એવી વ્યવસ્થા, જ્યાં પ્રજનન માટે શ્રેષ્ઠ પ્રાણીને લાવીને સંવર્ધન કરાતું હોય અને તેમની સારસંભાળ સાથે ઉછેર કરી શકાય. વન વિભાગે ૧૯૮૮માં આ રામપરા વિસ્તાર પ્રાણીઓ માટે આરક્ષિત કર્યો હતો અને વર્ષ ૨૦૧૧થી અહીં સિંહ સંવર્ધન શરૂ કરાયું હતું. અહીં 11 સિંહ છે, જેમાં બે મોટા નર, ત્રણ મોટી માદા, ત્રણ નાની માદા અને બાકીનાં બચ્ચાં છે. અત્યાર સુધી અહીં 22 સિંહબાળનો પણ જન્મ થયો છે.
આ વિસ્તારમાં શિકાર સહિતની બાબતો સિંહોને કુદરતી રીતે જ શીખવવામાં આવે છે અને પછી તેમને જંગલમાં છોડવામાં આવે છે. એક વિશેષતા એ પણ છે કે અહીંના સિંહોના નામ પિતા પરથી નહિ, પરંતુ માતા પરથી રાખવામાં આવે છે જેમ કે સૌમ્યા સિંહણના એક બચ્ચાનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું છે. અહીં સિંહો મુક્ત માહોલમાં રહી શકે એ બદલ છ વિશાળ કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યા છે અને એક કમ્પાઉન્ડ એક હેક્ટરમાં ફેલાયેલું છે. ઉપરાંત નર એકલા રહે છે, જ્યારે માદા તેનાં બચ્ચાં સાથે રહે છે. સંવનનકાળમાં નરોને માદા સાથે રખાય છે. આ ઉપરાંત અહીં આધુનિક લૅબ અને CCTVની24 કલાક સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે.
રામ રાખે તેને કોણ ચાખે? ત્રણ વખત ફાંસીએ લટક્યો છતાં જીવતો બચી ગયો આ શખસ; જાણો શું છે સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છે કે આ અભયારણ્ય કુલ 15 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં20 પ્રજાતિનાં સસ્તન પ્રાણીઓ મુક્તપણે વિચરે છે. ઉપરાંત 130 પ્રકારના અલભ્ય પક્ષીઓ પણ છે. બે ખળખળ વહેતાં ઝરણાં જંગલને ધબકતું રાખે છે. સુરક્ષાવ્યવસ્થા સંભાળવા માટે ૩ વૉચ ટાવર ટેકરીઓ પણ બનાવવામાં આવી છે.