News Continuous Bureau | Mumbai
India-EU Trade Deal Final: નવી દિલ્હીમાં યોજાયેલા ૧૬મા ભારત-EU શિખર સંમેલનમાં પીએમ મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ સમજૂતીની જાહેરાત કરી છે. આ ડીલથી ૨૦૩૨ સુધીમાં યુરોપથી ભારતની નિકાસ બમણી થવાની ધારણા છે, જ્યારે ભારતીય નિકાસકારો માટે પણ યુરોપના વિશાળ બજારો ખુલશે.
સસ્તી થનારી વસ્તુઓની યાદી અને ટેક્સમાં ઘટાડો
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની આ ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ આયાતી વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને લક્ઝરી કાર પ્રેમીઓ માટે સારા સમાચાર છે, કારણ કે BMW અને મર્સિડીઝ જેવી કાર પરનો ટેક્સ ૧૧૦% થી ઘટીને તબક્કાવાર ૧૦% સુધી આવી શકે છે. એ જ રીતે, વાઈન પરનો ટેક્સ ૧૫૦% થી ઘટીને ૩૦% અને બીયર પર ૧૧૦% થી ઘટીને ૫૦% થવાની શક્યતા છે. ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર છે, જેમાં મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો, કેમિકલ્સ અને દવાઓ પરનો ૨૨% થી ૪૪% સુધીનો ટેક્સ નાબૂદ થઈને શૂન્ય (૦%) થઈ શકે છે. આ ઉપરાંત, એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સંબંધિત સાધનો પરનો ટેક્સ પણ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે, જે સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ઓટોમોબાઈલ સેક્ટરમાં ક્રાંતિ
આ ડીલની સૌથી મોટી અસર લક્ઝરી કાર માર્કેટ પર પડશે. અત્યાર સુધી વિદેશી કારો પર ૧૧૦% સુધીની આયાત જકાત લાગતી હતી, જે હવે ઘટાડીને ૧૦% સુધી કરવામાં આવશે. જોકે, આ માટે વાર્ષિક ૨,૫૦,૦૦૦ વાહનોનો ક્વોટા રાખવામાં આવ્યો છે. આનાથી યુરોપિયન કાર ઉત્પાદકો ભારતમાં વધુ આક્રમક રીતે તેમના પ્રીમિયમ મોડલ્સ લોન્ચ કરી શકશે. નોંધનીય છે કે સ્થાનિક ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉદ્યોગને બચાવવા માટે ઇવી પરના ટેક્સમાં પ્રથમ ૫ વર્ષ સુધી કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
ખાણી-પીણી અને તેલ સસ્તું થશે
3યુરોપથી આયાત થતા ઓલિવ ઓઈલ (જૈતુન તેલ), માર્જરિન અને અન્ય વનસ્પતિ તેલ પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. આ ઉપરાંત, યુરોપિયન ફ્રૂટ જ્યુસ, ચોકલેટ અને પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સ પરનો ટેક્સ પણ હટાવી દેવામાં આવ્યો છે, જે સીધો સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ ઘટાડશે.
ભારતીય નિકાસ અને રોજગારીમાં ઉછાળો
ભારત માટે આ ડીલ ગેમ-ચેન્જર સાબિત થશે. ટેક્સટાઈલ (કાપડ), લેધર (ચામડું), જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ સેક્ટર માટે યુરોપના બજારો હવે કોઈપણ અડચણ વગર ખુલશે. આનાથી ભારતમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. વળી, ભારતીય IT પ્રોફેશનલ્સ, એન્જિનિયર્સ અને નર્સ માટે યુરોપમાં કામ કરવાના વિઝા નિયમો પણ સરળ બનાવવામાં આવશે.
