ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને ડેનમાર્કની માલિકીના ફેરો ટાપુ પર 1,400થી વધુ ડોલ્ફિનની કતલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં આ ઘટનાનો વિરોધ શરૂ થયો છે. એક ઍનિમલ ઍક્ટિવિસ્ટ ગ્રુપે દરિયાકિનારે મરેલી સેંકડો ડોલ્ફિનનો વીડિયો પણ શૅર કર્યો છે. દરિયાનું પાણી લોહીથી લાલ થઈ ગયું છે અને જેઓ તસવીરો જુએ છે, તેઓ ગુસ્સે થઈ રહ્યા છે. આ ટાપુ પર યોજાયેલી ‛ગ્રિન્ડ’ નામની પરંપરાગત શિકાર હંટિંગ ઈવેન્ટ દરમિયાન ડોલ્ફિનનો શિકાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લગભગ 1,428 ડોલ્ફિન મરી ગઈ હતી.
નિર્દયતાથી શિકાર કર્યો
ઍનિમલ વેલ્ફેર ગ્રૂપ શી શેફર્ડ દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ ડોલ્ફિનના શિકારની તસવીરો શૅર કરવામાં આવી હતી. તેમણે લખ્યું કે શિકારીઓએ પહેલા ડોલ્ફિન ટોળાંને ઘેરીને છીછરાં પાણી તરફ લાવીને, ત્યાર બાદ ચાકુ અને તેના જેવાં તીક્ષ્ણ હથિયારોથી મારી નાખી. ડોલ્ફિનમાંથી ખૂબ લોહી વહ્યું કે જેનાથી સમુદ્રનો કિનારો સંપૂર્ણપણે લાલ થઈ ગયો.
ગ્રિન્ડ સમારોહ શું છે?
ગ્રિન્ડ એ પરંપરાગત વિધિ છે. એની શરૂઆત સેંકડો વર્ષો પહેલાં થઈ હતી. આ ઇવેન્ટ કાયદેસર રીતે માન્ય છે. એમાં શિકાર કરવામાં આવે છે. દર વર્ષે ઉનાળામાં શિકાર કરવામાં આવે છે. સમુદ્રમાં મળી આવતી જળસૃષ્ટિનો શિકાર કરવામાં આવે છે. ડોલ્ફિનની હત્યા કર્યા પછી, આ શિકારીઓ તેનું માંસ ખાય છે.
હૃદયસ્પર્શી દૃશ્ય
ઍનિમલ વેરફેયર જૂથ દાવો કરે છે કે ડોલ્ફિનની સંખ્યા એટલી વધારે છે કે તેમના માંસનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે નહીં. આ દૃશ્ય ખરેખર હૃદયસ્પર્શી છે. અમે માનવ પરંપરાના નામે નિર્દોષ મૂંગા જીવોની હત્યા કરવામાં માનતા નથી. મૂંગા જીવોને શિકારના નામે કે બલિના નામે મારી નાખવાં, એ કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. એનો વિરોધ થવો જોઈએ.