ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
જાવેદ અખ્તરે ઘણી વાર હિન્દુઓના રીતરિવાજો અને વિચારસરણી પર ટીકા કરી છે. તાજેતરમાં હિન્દુઓને તાલિબાનીઓ સાથે સરખાવીને મોટો વિવાદ ઊભો કર્યો હતો અને હવે એકાએક તેમને પરમજ્ઞાન લાધ્યું છે. પોતાની ટિપ્પણીમાં ફેરબદલ કરીને સફાઈ આપી છે.
પોતાના બયાન ઉપર સ્પષ્ટતા આપતાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે મારા ઉપર હિન્દુ ધર્મ અને હિન્દુઓનું અપમાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે તદ્દન ખોટું છે. મેં હાલમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હિન્દુઓ વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણુ લોકો છે. આ વાત મેં વારંવાર કહી છે. મક્કમપણે કહું છું કે હિન્દુસ્તાન ક્યારે પણ અફઘાનિસ્તાન થઈ નહિ શકે, કારણ કે હિન્દુસ્તાનીઓ નૈસર્ગિક રીતે કટ્ટરવાદી નથી. સહિષ્ણુતા તેમના ડીએનએમાં છે. આવું બોલ્યા છતાં લોકો મારાથી નારાજ કેમ થઇ રહ્યા છે? આનો જવાબ એમ છે કે હું બધા જ ધર્મના કટ્ટરવાદીઓનો, ધર્માંધ લોકોનો અને રૂઢિચુસ્તોનો સ્પષ્ટપણે વિરોધ કરું છું. દરેક સમુદાયના કટ્ટર લોકોમાં વિલક્ષણ સામ્ય છે. આ વાત મેં કહી હતી.
પર્યાવરણવાદીઓની પાલિકાને હાકલ : પવઈ લેકમાં કેમિકલ નાખવાનું બંધ કરો; જાણો વિગત
વધુમાં જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તાલિબાન અને હિન્દુઓની કટ્ટર વિચારસરણીમાં સામ્યતા દેખાય છે. આવું કહ્યું તો લોકોએ મારી આ વાતનો વિરોધ કર્યો, પરંતુ હકીકત એ છે કે ખરેખર તે બંનેમાં ખૂબ સમાનતા છે. તાલિબાન ધર્મ પર આધારિત ઇસ્લામિક રાષ્ટ્ર સ્થાપવા માગે છે અને હિન્દુ કટ્ટરવાદીઓ પણ હિન્દુ રાષ્ટ્રનું સ્થાપન કરવા માગે છે.