ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે નાગરિકોનાં બૅન્ક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાની વાત કરી હતી. ત્યારથી દેશના નાગરિકો આ વાત માટે આશાવાન બની ગયા છે. હાલમાં જ બિહારના એક યુવકના ખાતામાં એકાએક સાડાપાંચ લાખ રૂપિયા જમા થયા હતા. એથી યુવકના આનંદનો પાર ન રહ્યો. તેણે લોકોને કહેવા માંડ્યું કે નરેન્દ્ર મોદીએ તેના ખાતામાં આ રૂપિયા મોકલ્યા છે, પણ કિસ્સો કંઈક આવો છે.
આ કિસ્સો બિહારના ખગડિયા જિલ્લાનો છે, ત્યાંની ગ્રામીણ બૅન્કની ભૂલને કારણે રંજિતદાસના ખાતામાં સાડાપાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. રંજિતે દાવો કરી નાખ્યો કે મોદીએ ૧૫ લાખ રૂપિયામાંથી પહેલો હિસ્સો મોકલ્યો છે. બૅન્કને જ્યારે પોતાની ભૂલની જાણ થઈ ત્યારે બૅન્કે આ રૂપિયા પાછા આપવા યુવકને કહ્યું હતું. રંજિતે બૅન્કને રૂપિયા પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી એટલું જ નહીં, ઘણાં બહાનાં પણ કાઢ્યાં.
રંજિતદાસે જણાવ્યું હતું કે માર્ચમાં મારા ખાતામાં રૂપિયા જમા થવાથી બહુ ખુશ થઈ ગયો હતો. મને લાગ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાનો વાયદો પૂરો કર્યો. મેં તો બધા રૂપિયા વાપરી નાખ્યા છે.
છેવટે આ કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો હતો અને બૅન્ક મૅનેજરની ફરિયાદ પર રણજિત દાસની ધરપકડ થઈ છે.